બધા ભારતીયોના DNA એક છે, હિંદુ-મુસ્લિમ અલગ નથીઃ RSS પ્રમુખ મોહન ભાગવત

 

ગાઝિયાબાદઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે રવિવારે કહ્યું કે, બધા ભારતીયોનું ડીએનએ એક છે. તેમણે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બધા ભારતીયોનું ડીએનએ એક છે, ભલે તે કોઈપણ ધર્મના હોય. જોકે તેમણે લિંચિંગને લઈને કહ્યું કે તેમાં સામેલ લોકો હિન્દુત્વની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે દેશમાં હિંદુ-મુસ્લિમ અલગ નથી. તે સિદ્ધ થઈ ચુક્યુ છે કે આપણે છેલ્લા ૪૦,૦૦૦ વર્ષોથી એક જ પૂર્વજોના વંશજ છીએ. ભારતના લોકોનું ડીએનએ એક જેવું છે. હિન્દુ અને મુસલમાન બે સમૂહ નથી, એક થવા માટે કંઈ નથી, તે પહેલાથી એક સાથે છે.

મોહન ભાગવતે રવિવારે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ગાઝિયાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું કે તમામ ભારતીયોના DNA એક જ છે, તે પછી કોઈ પણ ધર્મનો હોય. વધુમાં તેઓએ મોબ લિંચિંગ કરનારા વિરુદ્ધ પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે લિંચિંગ કરનારાઓ હિંદુત્વના વિરોધી છે. ભાગવતે કહ્યું કે હિંદુ-મુસ્લિમ એકતાની વાતો જ ભ્રામક છે કેમકે તેઓ અલગ નથી, પરંતુ એક જ છે. લોકોમાં પૂજા પદ્ધતિના આધારે અંતર ન કરી શકાય. આપણે લોકતંત્રમાં રહીએ છીએ. અહીં હિન્દુઓ કે મુસલમાનોનું પ્રભુત્વ ન હોઈ શકે. માત્ર ભારતીયોનું પ્રભુત્વ હોઈ શકે છે. દેશમાં એકતા વગર વિકાસ સંભવ નથી. એકતાનો આધાર રાષ્ટ્રવાદ હોવો જોઈએ.

મોહન ભાગવત ગાઝિયાબાદમાં આયોજીત રાષ્ટ્રીય મુસ્લિમ મંચના કાર્યક્રમમાં ડો. ખ્વાજા ઇફ્તિખાર અહમદ દ્વારા લખાયેલા એક પુસ્તકનું વિમોચન કરવા ગયા હતા. ડો. ખ્વાજા અહમદે વૈચારિક સમન્વય-એક પહલ નામથી પુસ્તક લખ્યુ છે. આ પુસ્તકમાં અયોધ્યા-બાબરી વિવાદને લઈને મોટો ખુલાસો કરાયો છે. 

ડો. ખ્વાજાએ લખ્યું છે કે જો નેતા અને બુદ્ધિજીવીઓએ યોગ્ય રીતે આ મુદ્દે વાતચીત કરી હોત તો આ વિવાદ પહેલાં જ શાંત થઈ ગયો હોત. તેઓએ લખ્યું છે કે જો વાતચીતમાં તેનું સમાધાન નીકળ્યું હોત તો મુસ્લિમોને ઘણું બધું મળ્યું હોત. ડો. ઈફ્તિખાર અયોધ્યાના રામ મંદિર વિવાદમાં બનાવવામાં આવેલી અટલ હિમાયત કમિટીના મહત્ત્વપૂર્ણ સભ્ય પણ રહ્યાં છે. આપને જણાવી દઈએ કે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના આ કાર્યક્રમમાં અનેક મહત્ત્વપૂર્ણ લોકો સામેલ થયા હતા.