ફ્રાન્સમાં પરસ્પર અવિશ્વાસની ખાઇ વધી રહી છે

 

પેરિસઃ બાળકોને હજરત મુહમ્મદ પયગંબરનું કાર્ટુન દેખાડનારા ફ્રેન્ચ ઇતિહાસ શિક્ષકની ગયા સપ્તાહે થયેલી હત્યા પછી ફરી એકવાર ફ્રાન્સમાં વસતા મુસ્લિમો પ્રત્યે સ્થાનિક લોકોમાં નારાજી વ્યાપી ગઇ હતી. ફ્રેન્ચ કટારલેખકો એવા હેડિંગ સાથે લેખ લખતા થયા હતા કે આ લોકો સાથે ઉદારમતવાદી વલણ શા માટે ન હોવું ઘટે? સ્થાનિક ફ્રેન્ચ પ્રજા ધીરે ધીરે મુસ્લિમ લોકો પરનો વિશ્વાસ ગુમાવી રહી હતી. દિવસે દિવસે અવિશ્વાસની ખાઇ વધુ ને વધુ પહોળી થઇ રહી હોવાના અહેવાલ વહેતા થયા હતા. ફ્રાન્સ સહિત સમગ્ર યુરોપમાં લોકો મુસ્લિમો વિરુદ્ધ સંગઠિત થઇ રહ્યા હોવાના અણસાર મળ્યા હતા. ઠેર ઠેર મસ્જિદોને તાળાં મારવામાં આવ્યા હતા. એક સર્વે મુજબ ૨૫ ટકા ફ્રેન્ચ મુસ્લિમ યુવકોને આતંકવાદમાં વિશ્વાસ હતો એટલે કે એ લોકો આતંકવાદને વાજબી ગણતા હતા.  ફ્રાન્સમાં ૫૦થી ૬૦ લાખ મુસ્લિમો હોવાનો અંદાજ છે જે કુલ વસતિના દસ ટકા થવા જાય છે.