
નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સંક્રમણ અને વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે બુધવારે એક સારા સમાચાર આવ્યાં છે. દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની ફેસબુક મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોમાં રોકાણ કરવા જઈ રહી છે. દિગ્ગજ અમેરિકન કંપની ફેસબુકે મુકેશ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સમૂહની કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડની ૯.૯૯ ટકા ભાગીદારી ખરીદવા માટે કરાર કર્યો છે તેમ બુધવારે આ જાહેરાત કરી હતી.
નિવેદન મુજબ આ ડીલ ૪૩,૫૭૪ કરોડ(૫.૭ અબજ ડોલર)ની છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના દૂરસંચાર નેટવર્ક જિયોની સો ટકા ભાગીદારી જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ પાસે છે. નિવેદનમાં કહેવાયું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ જિયો પ્લેટફોર્મ્સ લિઃ જિયો પ્લેટફોર્મ્સ ઃ અને ફેસબુકે જિયો પ્લેટફોર્મ્સમાં ફેસબુક દ્વારા ૪૩૫૭૪ કરોડના રોકાણનો પાક્કો કરાર કર્યો છે. આ કરારમાં જિયો પ્લેટફોર્મ્સનું મૂલ્ય ૪.૬૨ લાખ કરોડ રૂપિયા ઃ૬૫.૯૫ અબજ ડોલરઃ આંકવામાં આવ્યું છે. આ રીતે જિયો પ્લેટફોર્મ્સમાં ફેસબુકની ભાગીદારી ૯.૯૯ ટકા રહેશે. આ કરાર બાદ જિયો પ્લેટફોર્મમાં નાના ભાગીદારોની શ્રેણીમાં ફેસબુકની ભાગીદારી સૌથી વધુ રહેશે. આ બાજુ ફેસબુકે કહ્યું કે આ રોકાણ ભારત પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.