ફૂટબોલ વર્લ્ડ કપ ઓપનિંગ સેરેમનીમાં આતશબાજીનો અદ્ભૂત નજારો

 

દોહા: ફેડરેશન ઓફ ઈન્ટરનેશનલ ફૂટબોલ એસોસિયેશન (ફિફા)ના વર્લ્ડ કપનો ખીચોખીચ ભરાયેલા અલ બૈત સ્ટેડિયમમાં ઝાકઝમાળ વચ્ચે આતશબાજી અને સંગીત-નૃત્યના કાર્યક્રમ સાથે પ્રારંભ થયો હતો. જેમાં વિશ્વના શ્રેષ્ઠ કોરિયોગ્રાફર્સ અને લાઈટિંગ ટેક્ટિશિયન સાથે ૯૦૦ જણે પરફોર્મ કર્યું હતું. તેને વિશ્વભરના કરોડો લોકોએ લાઈવ સ્ટ્રીમિંગથી જોયો હતો.

ઓપનિંગ સેરેમનીમાં ભારતીય અભિનેત્રી અને મોડેલ નોરા ફતેહી તેમ જ સાઉથ કોરિયન બેન્ડ બીટીએસએ ધમાકેદાર પરફોર્મ કર્યું હતું. આ બંને ઓપનિંગ સેરેમનીનાં મુખ્ય આકર્ષણ રહ્યાં હતાં. બીટીએસના મેમ્બર જંગકૂક, અમેરિકન બજન્ડ બ્લેક આઈડ પીઝ, કોલંબિયન ગાયક જે. બલ્વિન, નાઈજિરિયન ગાયક પેટ્રિક નનેમેકા ઓકોરી અને અમેરિકન રેપર લિલ બેબીએ પણ વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યું હતું.

વિશ્વભરના કરોડો લોકોએ વિવિધ ટીવી ચેનલ પર વર્લ્ડ કપ ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ નિહાળ્યો હતો. વર્લ્ડ કપની મેચોનું સીધું પ્રસારણ થવાનું હોવાથી વિશ્વભરના કરોડો લોકો એક મહિના સુધી વિવિધ ટીવી ચેનલો પર તે માણી શકશે. ફૂટબોલનો વિશ્વ કપ આરબ દેશમાં અને મધ્યપૂર્વના દેશમાં આ પ્રથમ વખત યોજાયો છે. ડે-પોપ સ્ટાર જંગકૂક સહિતના અનેક વિશ્વ વિખ્યાત આર્ટિસ્ટે પરફોર્મ કરીને બધાને મુગ્ધ કરી દીધા હતા. કતાર અને ઈક્વાડોર વચ્ચેની પ્રથમ મેચથી વિશ્વકપ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. વિશ્વભરની કુલ ૩૨ ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. 

આ ટુર્નામેન્ટમાં કુલ ૬૪ મેચ રમાશે. ટુર્નામેન્ટની તમામ ૬૪ મેચ કતારનાં સાત સ્ટેડિયમમાં રમાશે. આ ટીમો વચ્ચે ૪૮ લીગ મેચ રમાશે. અહીં સારૂં પ્રદર્શન કરનારી ૧૬ ટીમ જ આગળના રાઉન્ડમાં જશે. લીગ મેચો પછી દરેક ગ્રૂપમાં ટોચની બે ટીમ ટોચની ૧૬ ટીમના રાઉન્ડમાં આગળ વધશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ યજમાન કતાર અને ઈક્વાડોર વચ્ચે રમાશે. વર્તમાન ચેમ્પિયન ફ્રાન્સ આ ટાઈટલ ફરી મેળવવા ઉત્સુક હશે. અહીંના લુસેલ સ્ટેડિયમમાં ૧૮ ડિસેમ્બરે રાત્રે સાડાઆઠ વાગ્યાથી ટુર્નામેન્ટની ફાઈનલ રમાશે.

રૂ. ૧૦.૬ હજાર કરોડની ઈનામી રકમ સાથે યુઈએફએ ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ આ યાદીમાં ટોચના સ્થાને છે તો રૂ. ૬.૫ હજાર કરોડની ઈનામી રકમ સાથે ફોર્મ્યુલા વન મોટર સ્પોર્ટ્સ બીજા ક્રમાંક પર છે. રૂ. ૩.૬ હજાર કરોડની ઈનામી રકમ સાથે ફિફા વર્લ્ડ કપ ટુર્નામેન્ટ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. ફિફા વર્લ્ડ કપની ફાઈનલ જિતનાર ટીમને રૂ. ૩૫૯ કરોડ તો રનરઅપ ટીમને રૂ. ૨૪૫ કરોડ મળશે. ટુર્નામેન્ટમાં ૩૨મા એટલે કે છેલ્લા સ્થાને રહેનારી ટીમ પણ ખાલી હાથે નહીં જાય અને એ ટીમને પણ રૂ. ૭૩ કરોડ મળશે.

આ દરમિયાન, વિશ્વભરમાં ફૂટબોલનું સંચાલન કરતી ફિફાએ જણાવ્યું હતું કે તેણે કતારમાં ૨૦૨૨ વર્લ્ડ કપ સુધીના ચાર વર્ષમાં બિઝનેસ ડિલ મારફતે વિક્રમજનક સાડાસાત અબજ ડોલરની આવક કરી છે. રશિયામાં ૨૦૧૮માં યોજાયેલા વર્લ્ડ કપ સાથે સંકળાયેલા ચાર વર્ષમાં થયેલી આવક કરતા આ આવક એક અબજ ડોલર વધુ છે