ફીનલેન્ડમાં ટ્રમ્પ અને પુટીન વચ્ચે પ્રથમ વાર દ્વિપક્ષી મંત્રણા

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન વચ્ચે ફિનલેન્ડના પાટનગર હેલસિન્કીમાં પ્રથમ વાર દ્વિપક્ષી મંત્રણા યોજાઈ હતી. (ફોટોસૌજન્યઃ હિન્દુસ્તાનટાઇમ્સ)

હેલસિન્કીઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન વચ્ચે ફિનલેન્ડના પાટનગર હેલસિન્કીમાં પ્રથમ વાર દ્વિપક્ષી મંત્રણા યોજાઈ હતી. ટ્રમ્પે કહ્યું કે અમારા વચ્ચે વેપાર, લશ્કર, મિસાઇલ, પરમાણુ શસ્ત્રો, ચીન મુદ્દે ચર્ચા થઈ હતી. આશા છે કે અમારા સંબંધો ભવિષ્યમાં નવી સિદ્ધિઓ સર કરશે. આપણે બે મહાન પરમાણુ શક્તિશાળી દેશ છીએ. આપણી પાસે પરમાણુનો 90 ટકા ભાગ છે.
જ્યારે પુટીને કહ્યું કે ટ્રમ્પને મળીને હું ઉત્સાહી થયો છું. અમે ફોન પર સતત સંપર્કમાં છીએ.
પુટીન સાથે બે કલાક બેઠક પછી ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે આ ખરેખર બહુ સારી શરૂઆત છે. બેઠકમાં સિરિયા, ચીન ટ્રેડ વોર, ઈરાન સાથેના વિવાદો અને યુક્રેઇન વિશે ચર્ચા થઈ હતી.
અમેરિકાના પ્રમુખ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદીમીર પુટીન વચ્ચે પ્રથમ મુલાકાત ફીનલેન્ડમાં યોજાઈ હતી. આ મુલાકાત અગાઉ રશિયન મિડિયા ટ્રમ્પ પર ઓળઘોળ થઇ ગયું હતું અને અખબારો અને ટીવી ચેનલોમાં મોટાપાયે વખાણ કરવામાં આવ્યા હતા.