ફિલ્મ નિર્માતા -દિગ્દર્શક રાજકુમાર કોહલીનું નિધન

મુંબઇ:ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર જેવા મોટા કલાકારો સાથે બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર બોલીવૂડના દિગ્ગજ ફિલ્મ સર્જક રાજકુમાર કોહલીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. રાજકુમાર કોહલી બિગ બોસ ફેમ અરમાન કોહલીના પિતા હતા. તેમણે શુક્રવારે ૯૩ વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા હતા. દિગ્ગજ નિર્દેશક-નિર્માતાના અંતિમ સંસ્કાર આજે સાંજે કરવામાં આવશે. કોહલી છેલ્લેે સલમાન ખાનની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’માં જોવા મળ્યા હતા. મળતી માહિતી અનુસાર રાજકુમાર કોહલી આજે સવારે સ્નાન કરવા માટે બાથરૂમમાં ગયા હતા. તેઓ ઘણી વાર સુધી બહાર ના આવતા તેમના પુત્ર અરમાને બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. જોયું તો અંદર રાજકુમાર કોહલી બેભાન પડ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. રાજ કોહલીએ ૯૦ના દાયકાની પ્રખ્યાત પંજાબી અભિનેત્રી નિશી સાથે લગ્ન કર્યા હતા. તેમને અરમાન અને રજનીશ નામે બે પુત્ર હતા, જેમાંથી રજનીશનું ત્રણ વર્ષ પહેલા કિડની ફેઇલ થવાથી નિધન થયું હતું. રજનીશ માત્ર ૪૪ વર્ષના હતા. ૧૪ વર્ષની ઉંમરે અકસ્માતનો શિકાર બન્યા બાદ રજનીશ શારીરિક રીતે દિવ્યાંગ બની ગયા હતા. તેમણે રાજ તિલક અને બદલે કી આગ જેવી ઘણી શાનદાર ફિલ્મો બનાવી છે. તેમણે ‘જીને નહીં દૂંગા’, ‘ઇન્સાનિયત કે દુશ્મન’, ‘ઇન્તેકામ’, ‘સાઝીશ’, ‘પતિ-પત્ની ઔર તવાયફ’ અને ‘વાદા કર’ જેવી શ્રેષ્ઠ ફિલ્મો આપી છે. ‘ગોરા ઔર કાલા’ફિલ્મ નિર્માતા તરીકે તેમની પ્રથમ ફિલ્મ હતી. તેમણે પુત્ર અરમાનને ‘જાની દુશ્મન’થી ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કર્યો હતો.