ફાગણી પૂનમે ડાકોરમાં ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે લાખો ભક્તો ઊમટ્યા

યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડરાયના મંદિરમાં ફાગણી પૂનમે લાખો શ્રદ્ધાળુઓ ડાકોરના ઠાકોરનાં દર્શનાર્થે ઊમટી પડ્યા હતા. ફાગણી પૂનમે ગુરવારે સવારે ચાર વાગ્યે નિજમંદિર સવારે 4.15 કલાકે મંગળાઆરતી માટે ખૂલ્યું હતું. રણછો઼રાયનાં દર્શન માટે લાખો ભક્તો ઊમટ્યા હતા. રંગબેરંગી રોશનીથી સમગ્ર મંદિર અને પરિસર ઝળહળી ઊઠ્યું હતું.  ફોટોઃ નીતિન ખંભોળજા)

ડાકોરઃ યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડરાયના મંદિરમાં ફાગણી પૂનમે લાખો શ્રદ્ધાળુઓ ડાકોરના ઠાકોરનાં દર્શનાર્થે ઊમટી પડ્યા હતા. ફાગણી પૂનમે ગુરુવારે સવારે ચાર વાગ્યે નિજમંદિર ખૂલ્યું હતુ અને સવારે 4.15 કલાકે મંગળાઆરતીનાં દર્શન માટે લાખો ભક્તો ઊમટ્યા હતા. ગુરુવારે રાજા રણછોડરાયના મંદિરમાં ફાગણી પૂનમે સવારે ચારથી રાતે આઠ વાગ્યા સુધી દર્શન ખુલ્લાં રાખવામાં આવ્યાં હતાં.

ડાકોર તરફ જવાના માર્ગો પદયાત્રીઓથી ધમધમી ઉઠયા હતા. પગપાળા જતા ભકતોના સેવાર્થે વિવિધ સેવાકેમ્પો મંડળો દ્વારા શરુ કરવામાં આવ્યા હતા જેમાં પદયાત્રીઓ માટે ભોજન, પાણી, છાસ, સરબતની સુવિધા રાખવામાં આવી હતી. (બન્ને ફોટોઃ અકબર મોમિન)

યાત્રાધામ ડાકોરના માર્ગો લાખો ભક્તોથી ઊભરાયા હતા. ડાકોર તરફ જવાના માર્ગો પદયાત્રીઓથી ધમધમી ઊઠ્યા હતા. ડાકોરમાં બુધવારે એક લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યાં હતાં. મંગળવાર અને બુધવાર દરમિયાન અઢી લાખથી વધુ ભક્તો રાજા રણછોડરાયનાં દર્શન કરી માદરે વતન પરત ફર્યા હતા. બુધવારે ફાગણી પૂનમથી ગુરુવાર સુધી આખી રાત ડાકોરની શેરીઓ જય રણછોડ માખણચોરના નાદથી ગુંજતી રહી હતી.

ડાકોરમાં ગોમતીના ઘાટ પર અને આડબંધમાં પ્રભુસ્મરણ અને ક્યાંક રંગરસિયાનાં ભજનો તો ક્યાંક રાસલીલાના પ્રસંગો ઊજવીને ભક્તોએ ભગવાનનાં દર્શન કર્યાં હતાં. ફાગણી પૂનમે ભગવાનનાં દર્શન કરવા સૌ ભક્તોની તાલાવેલી જોવા મળી હતી.

ડાકોરમાં લાખો શ્રદ્ધાળુઓના ધસારાને રોકવા તંત્ર દ્વારા 45 આડબંધ ઊભા કરવામાં આવ્યા હતા. દરેક આડબંધોને નંબરો આપવામાં આવ્યા હતા. આડબંધમાં યાત્રાળુઓને શાંતિથી બેસાડવા, આડબંધ ખૂલે ત્યારે દોડાદોડી ન કરવા, અચાનક બીમાર પડે તો નજીકના મેડિકલ કેમ્પમાં સારવારની વ્યવસ્થા કરાઈ હતી. રણછોડરાય મંદિરના મુખ્ય દરવાજાનાં પગથિયાં પર રેમ્પ અને મંદિરના ઘુમ્મટથી સીધા ગર્ભગૃહમાં બિરાજમાન રણછોડરાય ભગવાનના ચરણ સુધીનાં દર્શન થાય તે માટે રેમ્પની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

રંગબેરંગી રોશનીથી સમગ્ર મંદિર અને પરિસર ઝળહળી ઊઠ્યું હતું. સમગ્ર ડાકોરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ડાકોર જતા માર્ગો પર ગુરુવાર સુધી પદયાત્રીઓનો જમેલો જોવા મળ્યો હતો. અનેક ભક્તો ગુજરાતના ખૂણેખૂણેથી ભગવાનનાં દર્શનાર્થે ડાકોર પહોંચ્યા હતા. અમદાવાદથી જશોદાનગર, ખાત્રજ ચોકડી અને મહુધા ચોકડી થઈને પદયાત્રાળુઓના વિવિધ સંઘો ડાકોર પહોંચ્યા હતા.

પગપાળા જતા ભક્તોની સેવાર્થે વિવિધ સેવાકેમ્પો મંડળો દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં પદયાત્રીઓ માટે ભોજન, પાણી, છાસ, શરબતની સુવિધા રાખવામાં આવી હતી. પદયાત્રીઓને આરામ માટે ટેન્ટ તેમ જ સારવાર માટે મેડિકલ કેમ્પ પણ ઊભા કરવામાં આવ્યા હતા.