ફાઇજરની કોરોના વેક્સિન લગાવ્યાના એક અઠવાડિયા બાદ નર્સ કોરોના પોઝિટિવ

 

કેલિફોર્નિયાઃ કોરોના મહામારી સામે એક વર્ષથી લડતી દુનિયાને હવે કોરોના વેક્સિનમાં પોતાનો તારણહાર દેખાઇ રહ્યો છે. દુનિયામાં ઘણા દેશોમાં વેક્સિનેશન કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. દુનિયામાં ચારથી પાંચ કંપનીઓએ સફળ કોરોના વેક્સિન બનાવ્યાનો દાવો કર્યો છે. જેમાં અમેરિકન કંપની ફાઇજરનો પણ સમાવેશ થાય છે. અમેરિકામાં તો ફાઇજર કંપનીએ વિકસાવેલી વેક્સિન લોકોને આપવાની શરૂઆત પણ થઇ ગઇ છે.

ત્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં ફાઇજરની કોરોના વેક્સિન લગાવ્યા બાદ એક અઠવાડિયાની અંદર એક નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેથ્યુ ડબલ્યુ નામનો આ સ્વાસ્થ્યકર્મી બે અલગ અલગ હોસ્પિટલની અંદર નર્સનું કામ કરે છે. તેને ગત ૧૮ ડિસેમ્બરના રોજ ફાઇજરની કોરોના વેક્સિન લગાવવામાં આવી હતી. આ અંગે તેણે ફેસબૂક ઉપર પોસ્ટ પણ કરી હતી. મેથ્યુએ જણાવ્યું હતું કે વેક્સિન લગાવ્યા બાદ તેને કોઇ સાઇડ ઇફેક્ટ થઇ નથી. વેક્સિન લગાવ્યાની છ દિવસ બાદ કોરોના યુનિટમાં કામ કરતો મેથ્યુ બિમાર થઇ ગયો. પહેલા તો તેને ઠંડી લાગી અને બાદમાં શરીરમાં દુખાવો પણ શરૂ થયો હતો. જ્યારે તેણે પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો તો તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આથી હવે લોકોને સવાલ થઇ રહ્યો છે કે કોરોના વેક્સિન લીધા બાદ પણ તેને કોરોનાનો ચેપ કેમ લાગ્યો? આ સવાલનો જવાબ ડોક્ટરો અને વેક્સિન વિકસિત કરનાર સંશોધકોએ આપ્યો છે. 

તેમણે જણાવ્યું કે અમે વેક્સિન ઉપર ઘણા પ્રયોગો કર્યા છે. તેના ઉપરથી એક વાત સાબિત થઇ છે કે વેક્સિન લીધા બાદ કોરોના વાઇરસ સામે ઇમ્યુનિટી વિકસિત થવામાં ૧૦થી ૧૫ દિવસનો સમય લાગે છે. કોરોના વાઇરસ વેક્સિનનો પહેલો ડોઝ તમને ૫૦ ટકા સુરક્ષા આપે છે, જ્યારે ૯૫ ટકા સુરક્ષા માટે વેક્સિનનો બીજો ડોઝ લેવો જરૂરી હોય છે.