ફલોરીડામાં શૂટઆઉટથી વિશાળ ભારતીય-અમેરિકી સમુદાય આઘાતમાં ગરકાવ

0
821
14મી ફેબ્રુઆરીના રોજ ફલોરીડાના પાર્કલેન્ડમાં ગોળીબારની દુર્ઘટના દરમિયાન માર્જોરી સ્ટોનમેન હાઇ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું જેની વીડીયોમાંથી સ્ટીલ ઇમેજ લેવામાં આવી છે.

 

વોશિંગ્ટનઃ ફલોરીડાના પાર્કલેન્ડમાં આવેલો વિશાળ ભારતીય-અમેરિકન સમુદાય સ્કૂલમાં થયેલી ગોળીબારની દુર્ઘટનાને કારણે સ્તબ્ધ અને આઘાતમાં ગરકાવ થઇ ગયો છે. ભારતીય-અમેરિકન સમુદાયના વાલીઓ પોતાના બાળકોની સલામતીને લઇને ચિંતિત છે, જેમના સંતાનો સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે.
ફલોરીડાની સ્કૂલમાંથી હાંકી કઢાયેલા વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કરતાં 17નાં મોત થયા હતા. અમેરિકામાં ફરી એકવાર ગન કલ્ચરે હાહાકાર મચાવ્યો હતો. વધુ એક સ્કૂલમાં શૂટઆઉટની ઘટના બની છે. વધુ જાનહાનિ થઇ શકે તે માટે ફાયર એલાર્મ વગાડવામાં આવ્યું હતું જેથી વિદ્યાર્થીઓ બહાર દોડી આવ્યા હતા, જેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
ફલોરીડા સ્ટેટના પાર્કલેન્ડ વિસ્તારની માર્જરી સ્ટોનમેન ડગ્લાસ સ્કૂલ છૂટે તે અગાઉ એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ કરેલા આડેધડ ગોળીબારમાં 17 વિદ્યાર્થીનાં મોત થયા હતા અને 14 ઇજાગ્રસ્ત થયા હતા.

મિયામીથી 72 કિલોમીટર દૂર આવેલા પાર્કલેન્ડની માર્જરી સ્ટોનમેન ડગ્લાસ સ્કૂલમાં ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ગયા અઠવાડિયે સ્કૂલ છૂટવાના થોડા સમય અગાઉ સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી 19 વર્ષીય નિકોલસ ક્રૂઝ સ્કૂલમાં સેમી-ઓટોમેટિક એઆર-15 રાઇફલ અને સંખ્યાબંધ મેગેઝિન સાથે ધસી આવ્યો હતો. તેણે સ્કૂલમાં આવી ફાયર એલાર્મ વગાડયું હતું. આથી વિદ્યાર્થીઓ સ્કૂલના બિલ્ડીંગમાંથી બહાર દોડી આવ્યા હતા, ત્યારે તરત જ નિકોલસ ક્રૂઝે તેમના પર ગોળીબાર મારવાની શરૂઆત કરી હતી જેમાં 17 વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા. ક્રૂઝે સ્કૂલના બિલ્ડીંગમાં 13, બિલ્ડીંગની બહાર ત્રણ અને એક વ્યક્તિને સ્કૂલની નજીકના રોડ પર ઠાર કર્યા હતા. બે વ્યક્તિના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા.

મિયામીથી 80 કિલોમીટર દૂર આવેલા અને 30 હજારની વસતિ ધરાવતા બ્રોવર્ડ કાઉન્ટીના શેરીફ સ્કોટ ઇઝરાયેલે જણાવ્યું હતું કે હત્યારા વિદ્યાર્થી નિકોલસ ક્રૂઝને શિસ્તભંગના કારણસર સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. નરસંહાર કર્યા પછી નિકોલસ ક્રૂઝ ફરાર થઇ ગયો હતો, પરંતુ તેને સુરક્ષા એજન્સીઓએ કાઉન્ટી કોરલ સ્પ્રીંગથી ઝડપી લીધો હતો. ઇઝરાયલે જણાવ્યું હતું કે નિકોલસે શા માટે હુમલો કર્યો તેનું કારણ જાણી શકાયું નથી. શેરીફના પોતાના સંતાનો પણ આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

એફબીઆઇ અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ નિકોલસની પૂછપરછ કરી રહી છે.
ત્રણ હજાર વિદ્યાર્થીઓ ધરાવતી માર્જરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે ફલોરીડાની સ્કૂલમાં થયેલી ભયાનક ઘટનામાં ભોગ બનેલાના પરિવારો માટે મારી પ્રાર્થના અને સાંત્વના છે. કોઇ બાળક, શિક્ષક અથવા કોઇ પણ વ્યક્તિએ અમેરિકી શાળામાં અસુરક્ષિતતા અનુભવવાની જરૂર નથી.

હત્યાકાંડમાં વપરાયેલી એઆર-15 રાઇફલ પર અમેરિકામાં ફેડરલ એસોલ્ટ વેપન્સ બેન એક્ટ અંતર્ગત 1999થી 2004 સુધી પ્રતિંબધ હતો, પરંતુ જયોર્જ બુશના શાસન દરમિયાન આ કાયદો રદ કરાયો હતો. એલ્યુમિનિયમ અને સિન્થેટીક મટીરીયલમાંથી બનેલી આ સેમી-ઓટોમેટિક રાઇફલ છે. આ રાઇફલ દ્વારા 550 મીટર સુધી અચૂક નિશાન વીંધી શકાય છે.
ફલોરીડાના સેનેટર બિલ નેલ્સને જણાવ્યું હતું કે હુમલાખોર સંપૂર્ણ તૈયારી કરીને આવ્યો હતો. તેણે ગેસમાસ્ક પહેર્યો હતો. તેની પાસે સ્મોલ ગ્રેનેડ્સ પણ હતા. તેણે ફાયર એલાર્મ વગાડયું હતું અને ત્યાર પછી ફાયરિંગ કર્યું હતું. સ્કૂલે થોડા સમય અગાઉ જ ફાયર સેફટી ડ્રીલ યોજી હતી જેથી વિદ્યાર્થીઓને એમ લાગ્યું કે ફરી એક વાર કોઇ ડ્રીલ માટે આ એલાર્મ વગાડવામાં આવ્યું છે.
કોંગ્રેસમેન ડોનાલ્ડ પેઇને જણાવ્યું કે આ દેશમાં રોજ 46 બાળકોને ગોળી મારવામાં આવે છે. ગન વાયોલન્સના કારણે અમેરિકામાં રોજ સાત બાળકોના મોત થાય છે. દુનિયામાં ઉચ્ચ આવક ધરાવતા કોઇ પણ અન્ય દેશમાં આ રીતે બાળકોની હત્યા થતી નથી. હું અમેરિકી સાંસદોને બાળકોનેે સુરક્ષિત દેશ આપવાની અપીલ કરું છું.

વિદ્યાર્થી નિકોલસ ક્રૂઝ ફેસબુક સહિતના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર પણ હિંસક પોસ્ટ અપલોડ કર્યા કરતો હતો. નિકોલસ સાથે અભ્યાસ કરી ચૂકેલા એક વિદ્યાર્થીએ પોલીસને કહ્યું કે નિકોલસે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડના નવા બોયફ્રેન્ડ સાથે ઝઘડો કર્યો હતો, આથી તેને સ્કૂુલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ ઘટના પછી નિકોલસ ક્રૂઝ બ્રાઉડી કાઉન્ટીની બીજી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. પોલીસે કહ્યું કે નિકોલસે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને પણ મારી નાખવાની ધમકી આપી હતી.

મૂળ ભારતીય શેખર રેડ્ડીના મિત્રનો પુત્ર આ ગોળીબારમાં ઘાયલ થયો હતો. તેણે જણાવ્યું કે દેશ માટે અને અમારા સમુદાય માટે આ ખૂબ જ દુઃખદ દિવસ છે. અમે ભારતીય મૂળના અમેરિકી નાગરિકો મૃતકો માટે પ્રાર્થના કરીએ છીએ.
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખે જણાવ્યું હતું કે ન્યુ જર્સીમાં સ્કૂલને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે અને સ્કૂલના વર્કિંગ કલાકો દરમિયાન કોઇને પણ મંજૂરી વગર પ્રવેશવા દેવામાં આવતા નથી અને મંજૂરી મળ્યા પછી પણ સિકયુરિટી ગાર્ડ તેની તપાસ કરે છે. દેશભરની સ્કૂલોના બાળકો પર આ દુર્ઘટનાની ભયાનક અસર પડી છે.

ધ એસોસિયેશન ઓફ ઇન્ડીયન્સ ઇન અમેરિકા, સાઉથ ફલોરીડા ચેપ્ટરના પ્રેસિડન્ટ કવિતા દેશપાંડેએ જણાવ્યું હતું કે આના કારણે નાગરિકો પર ખૂબ ખરાબ અસર પડી છે. પાર્કલેન્ડ અને ગ્રેટર સાઉથ ફલોરીડામાં વસતો ભારતીય-અમેરિકન સમુદાય આ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોની સાથે છે. અમે તેમની સાથે હંમેશા છીએ.

ધ હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના કો-ફાઉન્ડર અને એકિઝકયુટિવ ડિરેકટર સુહાગ શુકલાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઇજાગ્રસ્ત અમારા સભ્યના બિઝનેસ પાર્ટનરના પુત્રની સર્જરી કરવામાં આવી છે, અને હવે તેને સારું છે. આ પ્રકારની ઘૃણાસ્પદ ઘટનાઓને હંમેશા વખોડવી જોઇએ.

ફલોરીડાના પાર્કલેન્ડમાં માર્જોરી સ્ટોનમેન હાઇ સ્કૂલના એલજિબ્રાના શિક્ષિકા શાંતિ વિશ્વનાથને આ દુર્ઘટના દરમિયાન હીરોની ભૂમિકા અદા કરી હતી અને તેમણે આ નરસંહારમાંથી પોતાના વિદ્યાર્થીઓને બચાવ્યા હતા.

વેરો બીચના કળાકાર મીનાક્ષી ડેએ જણાવ્યું હતું કે અમારા ઘણા મિત્રો આ વિસ્તારમાં વસે છે. અહીં વિશાળ સંખ્યામાં ભારતીય સમુદાય રહે છે અને અમે દુર્ગા પૂજાનું પણ આયોજન કરીએ છીએ. તેઓ ખૂબ જ ભયભીત છે.
આ દુર્ઘટનાના કારણે સ્કૂલ સિકયુરિટી, મેન્ટલ હેલ્થ, ગન કંટ્રોલ જેવા મુદ્દાઓ ફરીથી દેશવ્યાપી ડિબેટનો વિષય બન્યા છે. ડો. સુધીર પરીખે કહ્યું હતું કે આ પ્રકારની દુર્ઘટનામાં મેન્ટલ હેલ્થ વિવિધ મહત્ત્વના મુદ્દાઓમાંનો એક મુદ્દો છે, પરંતુ મહત્ત્વનું એ છે કે ગન કંટ્રોલ પર સરકારે અંકુશ લાવવો જોઇએ જેથી આ પ્રકારની દુર્ઘટનાઓ બનતી અટકાવી શકાય.
ભૂતપૂર્વ યુએસ સર્જન જનરલ ડો. વિવેક મૂર્તિએ ગન વાયોલન્સ પબ્લિક હેલ્થ ઇસ્યુ ગણાવીને કહ્યું હતું કે તેમણે આના વિરોધ માટે ચળવળ પણ ચલાવી હતી.

દરમિયાન ફલોરીડાના પાર્કલેન્ડમાં ગોળીબારની દુર્ઘટનામાં માર્યા ગયેલા નાગરિકોની આત્માની શાંતિ માટે 15મી ફેબ્રુઆરીએ યોજાયેલી કેન્ડલલાઇટ વિજિલમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો
હતો.

ભારતમાં ગન કંટ્રોલ કાયદાનો કડક અમલ થાય છે

ભારતમાં ગન કંટ્રોલ લો કામ કરે છે. ભારતે ગન કંટ્રોલ કાયદાનો કડકપણે અમલ કર્યો છે. આ કાયદાને 2016માં વધુ કડક કરવામાં આવ્યો હતો તેમ ધ વોશિંગ્ટન પોસ્ટ અખબારે જણાવ્યું હતું. ગન કંટ્રોલ લો બ્રિટીશ શાસનકાળ દરમિયાન લાવવામાં આવ્યો હતો જેનો હેતુ નાગરિકોની સલામતી માટે હતો. આ કાયદાને મે 2016માં વધુ કડક કરવામાં આવ્યો હતો. ભારતીય કાયદો પોતાના નાગરિકોને પોતાની માલિકીની ગન રાખવાની મંજૂરી આપે છે. ભારતમાં ગન લાઇસન્સ મેળવવું ખૂબ જ અઘરું છે અને તે મળતાં વર્ષો નીકળી જાય છે.

ગન લાઇસન્સ મેળવનારા ગનમાલિકોએ એ દર્શાવવું પડે છે કે તેમણે ગન ચલાવવાની તાલીમ મેળવેલી છે. એર ગન માટે પણ આર્મ્સ લાઇસન્સ લેવાની જરૂર પડે છે.

ભારતમાં ગન પરના નવા પ્રતિબંધો તાજેતરની હિંસાનો પ્રતિભાવ નથી. આ પ્રક્રિયા માટે પાંચ વર્ષ થયા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટાયા પછી તે પ્રક્રિયા ઝડપી બની હતી. (સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)