ફલોરિડામાં આવાસ માટે 1,71500 ડોલરનું દાન આપતા કિરણ પટેલ

ન્યુ યોર્કઃ ભારતીય-અમેરિકન કાર્ડિયોલોજિસ્ટ-ઉદ્યોગસાહસિક ડો. કિરણ પટેલ અને તેમનાં પત્ની ડો. પલ્લવી પટેલ (પીડિયાટ્રિશિયન) દ્વારા ફલોરિડામાં હિલ્સબરો કાઉન્ટીમાં હેબિટેટ ફોર હ્યુમનિટીના સાથસહકારથી સિંગલ મધરના આવાસ માટે 171500 ડોલરનું દાન આપ્યું છે. આ આવાસ બે પુત્રો અને એક પુત્રીની સિંગલ મધર સોન્યા પ્રેટ માટે ખરીદવામાં આવશે.
હેબિટેટ હિલ્સબરોનાં સીઈઓ ટીના સ્વેને દંપતી અને પટેલ ફાઉન્ડેશનની તેઓના માતબર દાન બદલ પ્રશંસા કરી હતી, જે પટેલની માલિકીની ક્લિયરવોટર બીચ વિન્ડહામ ગ્રાન્ડ હોટેલ એન્ડ બીચ રિસોર્ટ સાથેની ભાગીદારીમાં બનાવવામાં આવ્યું હતું, જેના સ્ટાફના સ્વયંસેવકોએ હેબિટેટ ફોર હ્યુમનિટી હોમબાયર્સ માટે આવાસોના નિર્માણમાં મદદરૂપ થવા 400 કલાકથી વધુ સેવા આપી હતી.
સોમવારે પાંચમી માર્ચે યોજાયલા આવાસ અર્પણવિધિ સમારંભમાં ડો. કિરણ પટેલ હાજર રહ્યા હતા અને આવાસની ચાવી સોન્ટા પ્રેટને અર્પણ કરી હતી.
સોન્યા પ્રેટે જણાવ્યું હતું કે તે હંમેશાં પોતાના સપનાનું ઘર ખરીદવાનું વિચારતી હતી અને તે અત્યાર સુધી પોતાનાં ત્રણ સંતાનો સાથે બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં પોતાની બહેન સાથે રહેતી હતી.
ડો. કિરણ પટેલે સમુદાયના સભ્યોનો આભાર માન્યો હતો અને હેબિટેટ ફોર હ્યુમનિટી હિલ્સબરો કાઉન્ટી માટે પ્રદાન કરવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ડો. કિરણ પટેલે જણાવ્યું હતું કે નાણાં વ્યક્તિઓ કમાઈ શકે છે, પરંતુ ભગવાને આપેલો સમય ખૂબ મહત્ત્વનો છે, જેના કારણે આપણે બીજાની જિંદગી સુધારી શકીએ છીએ.
પ્રેટે કહ્યું હતું કે આ આવાસ માટે હું ભગવાનનો અને પટેલ દંપતીનો આભાર માનું છું.
પ્રેટ હવે નવા ત્રણ બેડરૂમ, બે-બાથ હોમ સાથેના નવા આવાસમાં પોતાનાં માતા એન જેક્સન અને ત્રણ સંતાનો સાથે રહી શકશે.