

બુધવારે 14 ફેબ્રુઆરીના બપોરના આશરે 2-30 કલાકના સુમારે ફલોરિડામાં પાર્કલેન્ડ સ્થિત હાઈસ્કૂલમાં એક 19 વરસના તરુણે પોતાની રાયફલમાંથી અંધાધૂંધ ગોળીબાર કરીને આશરે 17 જણાના મોત નીપજાવ્યાં હતાં. આ કરપીણ – હિંસક અવિચારી કૃત્યમાં આશરે 12થી વધુ લોકો ગંભીરપણે ઘાયલ થયાં હતા. જેમાં એક ભારતીય- અમેરિકન વિદ્યાર્થી પણ ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું હતું. રાયફલધારી 19 વર્ષીય તરુણ કે જેણે આ ગોળીબારનું કૃત્ય આચર્યું હતું, તેનું નામ નિકોલસ ક્રુઝ છે અને તે આ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
પાર્લેન્ડની મેજોરીસ્ટોનમેન ડગ્લાસ હાઈસ્કૂલમાં આ કરપીણ ગોળીબારની ઘટના બની હતી. નિકોલસ ક્રુઝ આ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો અને શિસ્તભંગના પગલાં તરીકે તેની શાળામાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.
આ શાળામાં મોટી સંખ્યામાં ભારતીય- અમેરિકત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. મિડિયામાં રજૂ થયેલા અહેવાલ મુજબ, આ તરુણ આરોપી માનસિક રીતે અસ્વસ્થ હતો.ગોળીબારની ઘટના અગાઉ તેણે ડિસ્ટર્બિગ મટીરીયલ્સ સોશ્યલ મિડિયા પર પણ પ્રકાશિત કર્યું હતું. ઘટના સર્જાયા બાદ યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં કાઉન્ટીના શેરિફ સ્કોટ ઈઝરાયલે પત્રકારોને જણાવ્યું હતું કે, – નિકોલસ ક્રુઝ હત્યારો છે. તે પોલીસની કસ્ટડીમાં છે. અમે તેની વેબસાઈટ અને સોશ્યલ મિડિયાની સાઈટને અટકાવી દીધી છે. તપાસકર્તાઓ દ્વારા રજૂ કરાયેલી માહિતી પ્રમાણે, ગોળીબાર કરતાં પહેલાં નિકોલસ ક્રુઝે ફાયર એલાર્મ ઓન કર્યું હતું. જેથી કલાસરૂમમાં રહેલા વિદ્યાર્તીઓની આવન-જાવન અને દોડધામને કારણે વધુ સંખ્યામાં લોકોનાં મોત થયાં હતા.
મૃત્યુ પામેલી વ્યકિતઓમાં 12 વ્યક્તિઓ શાળાના બિલ્ડીંગની અંદર હતી, એક વ્યક્તિ શાળાની બહાર રસ્તા પર દોડી આવી હતી. બે જણાં ગંભીરપણે ઘાયલ થવાથી તેમના હોસ્પિટલમાં જ મોત થયાં હતાં.
એક સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર, શાળાના બાળકો ખૂબ જ ભયભીત હતાં. તેઓ આઘાતની લાગણી અનુભવી રહ્યાં હતા. સાવ દિગ્મૂઢ અવસ્થામાં હતાં.
જેમના પુત્રનો મિત્ર (ભારતીય- અમેરિકન વિદ્યાર્થી ) આ ગોળીબારમાં ઘવાયો છે તે શ્રી શેખર રેડ્ડીએ કહ્યું હતુંકે, આજનો બુધવારનો આ દિવસ સમગ્રદેશ અને સમાજ માટે ગમગીનીભર્યો અને દુખજનક છે. ગોળીબારનો ભોગ બનેલાં તમામ માટે ભારતીય- અમેરિકન સમાજ પ્રાર્થના કરી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, નિકોલસ ક્રુઝને ગયા વરસે જ શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેણૈે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડના નવા બોયપ્રેન્ડ સાથે ઝગડો કર્યો હતો.
ડેમોક્રેટીક પાર્ટીના નેતા નેન્સી પેલોસ્કીએ પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, આ હિંસક ઘટનામાં અનેક પરિવારોએ પોતાનાં સ્વજનો ગુમાવ્યા છે. આવી કરુણાન્તિકાને અટકાવવા માટે જરૂરી તમામ પગલાં લેવાની તેમજ એઅંગે ગંભીરતાથી વિચારવાની કોંગ્રેસના સભ્યોની નૈતિક ફરજ છે.

ફલોરિડાની હાઈસ્કૂલમાં બનેલી આ કમનસીબ ઘટના અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુખ અને અફસોસની લાગણી વ્યક્ત કરી હતી.
વ્હાઈટ હાઉસ ખાતે આપેલા પોતાના વકતવ્યમાં તેમણે કહ્યું હતું કે, તેમનું વહીવટીતંત્ર શાળામાં બાળકોની સલામતી વધુ સઘન અને ચોક્કસ કરવા માટે જરૂરી પગલાં લેશે. તે પાર્કલેન્ડ ખાતે જઈને ત્યાંના પરિવારોની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. વ્હાઈટહાઉસ ખાતે તેમણે આપેલા (ટેલિવિઝન પ્રસારિત) વકતવ્યમાં કહ્યું હતું કે, અમેરિકાના તમામ બાળકો, તમે તમારી જાતને એકલી- અટૂલી ના સમજતા. જરા પણ ભયભીત થશો નહિ. તમારી સલામતી માટે અમે તમારી સાથે જ છીએ. તમે કશી દ્વિધા કે મૂંઝવણનો અનુભવ કરશો નહિ . તમારી કાળજી લેનારા, તમને ચાહનારા લોકો સતત તમારી સાથે જ છે. તમારા રક્ષણ – સલામતી માટે અમે કંઈ પણ કરવા સજ્જ છીએ.
પ્રમુખે વધુમાં ઉમેર્યું હતું કે, દેશની શાળાઓમાં સુરક્ષા અને સલામતીનો સઘન બંદોબસ્ત કરવા માટેના પગલાં ભરવા માટે તેઓ રાજ્યના ગવર્નરો અને એટર્ની જનરલ સાથે આ મહિનાના અંતે મળનારી બેઠકમાં ચર્ચા- વિચારણા કરશે. પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, જીવનનું ગૌરવ જળવાય એવી સંસ્કૃતિ અને જીવન-રીતિની રચના કરવા માટે આપણે સહુ સાથે મળીને કાર્ય કરીશું.
બાળકોને નિર્ભય અને સ્વસ્થ રહેવાની શીખ આપતાં તેમણે જણાવ્યું હતું કે, – અમે તમને સહાય કરવા હમેશા તમારી સાથે છીએ. તમારું દુખ અને ગ્લાનિ ઓછી કરવા માટે અમે ઉપલબ્ધ છીએ.
– – – – બે વરસ અગાઉ પેન્સિલવેનિયાની સ્કૂલમાં બનેલી બાળકો પરના સામૂહિક ગોળીબારની નિંદનીય ઘટના બાદ આવી ઘટના ફરી બની તે અતિ ચિંતાજનક છે. જગતના સંપન્ન અને સમૃધ્ધ રાષ્ટ્રમાં શાળામાં ભણતા બાળકોના જીવનની સલામતી માટે ભયજનક પરિસ્થિતિ સતત માથે ઝળુંબતી હોય ત્યારે જગત આખાના ક્ષેમ-કુશળની ચિંતા કરનારા અમેરિકાના સરકારી વહીવટીતંત્ર પાસે આનું કોઈ નિરાકરણ, કોઈ ઉત્તર છે ખરો અમેરિકાની તમામ પ્રજા , સમાજશાસ્ત્રીઓ અને સામાજિક સંગઠનો આનો કોઈ ઈલાજ શોધી શકશે ખરાં?
સમગ્ર વિશ્વના માનવ સમાજ માટે આ અતિ દુખદ અને ચિંતા જગાડતી ગંભીર ઘટના છે. આવી દુખભરી ઘટનાના પ્રસંગે ગુજરાત ટાઈમ્સ ઊંડા દુખની લાગણી અનુભવી રહ્યું છે. ઘટનાનો ભોગ બનનારા દરેક માટે સહાનુભૂતિ અને ખેદ વ્યક્ત કરીને પરમેશ્વરને પ્રાર્થના કરીએ છીએઃ– —સબકો સન્મતિ દે ભગવાન….!