ફલોરલ પાર્ક-બેલેરોસ ઇન્ડીયન મર્ચન્ટ્સ એસોસિયેશનની ઇન્ડીયા ડે પરેડ

ન્યુ જર્સીઃ ધ ફલોરેલ પાર્ક-બેલેરોસ ઇન્ડીયન મર્ચન્ટ્સ એસોસિયેશન દ્વારા 11મી ઓગસ્ટ શનિવારે ત્રીજી ઇન્ડીયા ડે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલીવુડના કલાકારો વત્સલ શેઠ અને ઇશિતા દત્તા ઉપસ્થિત રહ્યા હતા.
વરસાદની આગાહી હોવા છતાં 25થી વધુ સંસ્થાઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં એનવાયપીડી હોર્સ માઉન્ટેડ પોલીસ, એનવાયપીડી ગ્રાઉન્ડ યુનીટસ, ફાયર ટ્રક વીથ ફાયર માર્શલ્સ કલર ગાર્ડ, વેટરન્સ કલર ગાર્ડ, અમેરિકન માર્ચિંગ બેન્ડ વગેરેનો સમાવેશ થતો હતો.
આ પરેડની શરૂઆત 263મી સ્ટ્રીટ અને હીલસાઇડ એવન્યુના કોર્નર પરથી થઇ હતી અને પૂર્ણાહુતિ પેડાવન-પ્રેલર ફીલ્ડમાં થઇ હતી.
પરેડ દરમિયાન અમેરિકન અને ભારતીય રાષ્ટ્ર્ગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ પછી લેફટનન્ટ ગવર્નર કેથી હોચલ સહિત અન્ય ચૂંટાયેલા સત્તાવાળાઓ અને મહાનુભાવોના પ્રવચનો થયા હતા.
આ પ્રસંગે ધ ફલોરેલ પાર્ક-બેલેરોસ ઇન્ડીયન મર્ચન્ટ્સ એસોસિયેશનના ચેરમેન સુભાષ કાપડિયા, પ્રેસિડન્ટ કિરપાલ સિંહ, એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડન્ટ હેમંત શાહ અને વાઇસ પ્રેસિડન્ટ કોશીએ પણ પ્રવચનો આપ્યા હતા. પરેડ પછી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પછી સ્વાદના શોખીનો માટે ફૂડ કોર્ટ તેમજ શોપિંગની તકો પણ ઉપલબ્ધ થઇ હતી.