ફરાર વિજય માલ્યાના લંડનમાં આવેલ ઘરનો સ્વિસ બેન્ક કબજો કરશે

 

લંડન: ભારતીય બેંકોની સાથે રૂ. 9000 કરોડની છેતરપિંડી કરીને બ્રિટન નાસી છૂટેલા લિકર કિંગ વિજય માલ્યાને હવે યુકેની કોર્ટે મોટો આંચકો આપ્યો છે. ભારતની જેમ સ્વિસ બેંક સાથે પણ ફ્રોડ કરવાના એક કેસમાં બ્રિટિશ અદાલતે મધ્ય લંડનના લક્ઝુરિયસ ઘરમાંથી રવાના થઈ જવાનો આદેશ આપ્યો છે.

સ્વિત્ઝર્લેન્ડની અગ્રણી યુબીએસ બેંક પાસેથી આ મધ્ય લંડનના રિજન્ટ્સ પાર્કમાં સ્થિત ભવ્ય મકાન પર વિજય માલ્યાએ મોર્ગેજ લોન લીધેલી છે, જે ભરપાઈ કરવામાં ન આવતા યુબીએસ બેન્ક દ્વારા વિજય માલ્યા વિરૂદ્ધ બ્રિટિશ હાઈ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી બાદ બ્રિટનની અદાલતે વિજય માલ્યાને લંડન સ્થિત તેના ઘરમાંથી પરિવાર સહિત હાંકી કાઢવાનો આદેશ આપ્યો છે. જેના પછી હવે યુબીએસ બેંક આ આલિશાન ઘરનો કબજો મેળવશે.

લંડન હાઈકોર્ટના જજે ગત સપ્તાહે માલ્યાના કરોડો પાઉન્ડના આ આલિશાન ઘર કબજો કરી લેવાના આદેશ પર પ્રતિબંધ લગાવવા અંગેનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. જો કે બ્રિટિશ અદાલતે લંડન સ્થિત ઘરમાંથી હાંકી કાઢવાના કોર્ટના આદેશને રોકવા માટેની માલ્યાની અરજી નકારી દીધી હતી. 

ભારતીય બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડીને બ્રિટન નાસી ગયેલા વિજય માલ્યાએ યુકેમાં પણ એ જ ખેલ આદર્યો. વિજય માલ્યાએ વર્ષ 2012માં લંડન સ્થિત પોતાના આલિશાન ઘરને યુબીએસ બેન્ક પાસે પાંચ વર્ષ માટે ગિરવે મૂકીને 20.4 મિલિયન પાઉન્ડ (રૂ. 2,06,76,68,923.92)ની લોન મેળવી હતી. આ લોનની મુદત 26 માર્ચ, 2017ના રોજ પૂરી થઈ હતી અને એ સમયે બેંકને ચૂકવવા પાત્ર રકમ ભરપાઈ કરવામાં ન આવતા વસૂલાત માટે યુબીએસ બેંક દ્વારા વિજય માલ્યાના લંડન સ્થિત લક્ઝુરિયસ ઘર પર કબજો મેળવવાની અરજી કોર્ટમાં કરવામાં આવી હતી. વિજય માલ્યા લંડન સ્થિત પોતાના ભવ્ય મકાનમાં 95 વર્ષીય માતા લલિતા અને પુત્ર સિદ્ધાર્થ સાથે રહે છે