પ્લેનવ્યુમાં લોન્ગ આઇલેન્ડ સિનિયર ફોરમ દ્વારા જુલાઇ માસની સભાનું આયોજન

લોન્ગ આઇલેન્ડઃ લોન્ગ આઇલેન્ડ સિનિયર ફોરમ ની આ માસની સભા પ્લેનવ્યૂમાં આઠમી જુલાઈ, રવિવારે દાદા ભગવાનના મંદિરમાં બપોરના 12થી ત્રણના ગાળામાં મળી હતી. ફોરમના સૌ સભ્યો બ્લુપોઇન્ટમાં એકઠા થયા હતા અને ત્યાંથી વાન મારફતે મંદિરમાં લઈ ગયા હતા. દાદાનાં દર્શન પછી ફોરમની મિટિંગ થઈ હતી. ત્યાં જરૂરી સૂચનાઓ પછી પ્રાર્થના અને સભ્યોની જન્મતિથિ અને લગ્નતિથિની ઉજવણી કરવામાં આવી હતી. ફોરમના કન્વીનર જયંતીભાઈએ ટૂંકમાં પરિચય આપતાં કહ્યું કે સંસ્થાની શક્તિ તેની સભ્યસંખ્યાથી જ ન મપાય, તેના કાર્યકરોનાં સ્વપ્ન અને દષ્ટિ પર તેના ભાવિનો આધાર હોય છે. લોન્ગ આઇલેન્ડ સિનિયર ફોરમ ભવિષ્યમાં એક નમૂનારૂપ સંસ્થા બને તેવું તેનું કૌવત છે!
એલઆઇજીસીએસના પ્રમુખ વિજયભાઈ હાલ માંદગીમાં આરામ કરી રહ્યા હોવાથી તેઓ જલદીથી સાજા થાય તેવી સર્વ સભ્યોએ શુભેચ્છા વ્યક્ત કરી હતી.
મંદિરના અધિકારીઓએ દાદા ભગવાનનો કોઈ ધર્મના વાડામાં સ્થગિત ન થતાં સર્વ ધર્મનો તેમની પ્રવૃત્તિઓમાં સમાવેશ થયો છે તે સમજાવ્યું હતું. હાલ દાદાના સ્થાને દીપકભાઈ છે. તેમનાં પ્રવચનોનો સૌને લાભ આપી જીવનના, કુટુંબોના વિખવાદો કેવી રીતે દૂર થઈ શકે છે તે ખૂબ સરસ રીતે સમજાવ્યું હતું.
દાદાની જ્ઞાનવિધિ લેનારા તેમનો ક્રોધ અને તેના જેવા બીજા દોષો પર કાબૂ મેળવી શકે છે. તેમની આગામી જ્ઞાનવિધિમાં ભાગ લેવા ઇચ્છનારની નોંધણીમાં સભ્યોએ ઉત્સાહપૂર્વક નામો નોંધાવ્યાં હતાં. હરેશભાઈ શેઠે આ જ્ઞાનવિધિ લીધી હતી અને તેની તેમને કુટુંબમાં કેવી શાંતિ પ્રાપ્ત થઈ હતી તેનું અસરકારક નિરૂપણ કર્યું હતું. હરેશભાઈ શેઠે આભારવિધિ કરી હતી. તેમને ફોરમ વતી દેવેન્દ્રભાઈ વોરાએ અમારા સૌની સુંદર વ્યવસ્થામાં લીધેલી જહેમત માટે તથા મંદિરની બહેનોએ સ્વાદિષ્ટ ભોજન પ્રેમપૂર્વક સૌને જમાડ્યા તે માટે આભાર માન્યો હતો.