પ્લાનો, ડલાસમાં 32 એકર કેમ્પસમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું નૂતન ભવન


ડલાસઃ ડલાસમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિશાળ નૂતન સંકુલમાં અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે પવિત્ર સંતોએ નૂતન સાધુ આશ્રમમાં ભગવાનની પ્રથમ મહાપૂજા અને થાળ કર્યાં હતાં.
32 એકરના કેમ્પસમાં આકાર લઈ રહેલા ગુરુકળના આ નૂતન સંકુલમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી સીતારામજી, શ્રી વેંકટેશ્વર બાલાજી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી વિઘ્નવિનાયક ગણપતિજી, શ્રી કષ્ટભંજન હનુમાનજી આદિ દેવોના નયનરમ્ય મંદિર સાથે બાલ સંસ્કાર ક્લાસીસ, સાંસ્કૃતિક ફંક્શન હોલ, વેદિક સંસ્કૃતિ પ્રદર્શન, મહેમાનો માટેના ઉતારા વગેરેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
બારે માસ ખળખળ વહેતી નદી, મનોહર સરોવર અને વૃક્ષોની હરિયાળી વચ્ચે ઘેરાયેલા આ નૈસર્ગિક અને રમણીય મંદિર, આજુ-બાજુમાં વસતા હજારો પરિવારો માટે આ એક એવું સ્થળ બની રહેશે જ્યાં આબાલવૃદ્ધ સૌને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક માર્ગદર્શન મળશે.
અહીં બાળકો માટે શનિવાર અને રવિવારે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક વર્ગોનું આયોજન થશે, જે અમેરિકામાં જન્મેલાં બાળકોને હિન્દુ સંસ્કૃતિનો વારસો જાળવવામાં ખૂબ મદદરૂપ થશે. 17મીથી 19મી ઓગસ્ટ દરમિયાન આ નૂતન મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઊજવવામાં આવશે.
અખંડ ભગવાનને ધરી રહેલા, સદ્ગુરુ મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના દિવ્ય સાંનિધ્યમાં 30થી વધારે બ્રહ્મનિષ્ઠ સંતો તથા 5000થી વધારે હરિભક્તો આ મહોત્સવનો લાભ લેવા પધારશે. આ મહોત્સવમાં વૈદિક વિધિ અનુસાર 25 કુંડીય મહાવિષ્ણુયાગ, 1008 સમૂહમહાપૂજા, શ્રીમદ્ સત્સંગીજીવન સપ્તાહ પારાયણ, સંત સત્સંગ વ્યાખ્યાનમાળા, 51 કલાક આખાં ધૂન-અખંડ મંત્રલેખન, બાળકો-યુવાનો-મહિલાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ, આરોગ્ય નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ જેવા અનેકવિધ ધાર્મિક-સામાજિક કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.