પ્રેમનગર મત જાના મુસાફિર

0
752

(ગતાંકથી ચાલુ)
નાના હતા ત્યારે અમારા ફળિયામાં કેટલાક બાવાઓ હાથમાં એકતારો લઈને આવી પહોંચતા. એમની ગરિમા એવી કે ઘરમાંથી લોટ લાવીને આપવાનું મન થાય. તેઓને ભિખારી કહેવામાં સંકોચ થતો. તેઓ ભિક્ષાર્થી હતા, ભિખારી નહોતા. મારા બાપુ એમને આદરપૂર્વક ઘરની આગલી પરસાળમાં બેસાડતા અને એકતારાના સૂર સાથે અમને ભજનો સાંભળવાનો લહાવો પ્રાપ્ત થતો. આ રીતે સાંભળવા મળેલા બ્રહ્માનંદના એક ભજનના શબ્દો હજી યાદ છેઃ
પ્રેમનગર મત જાના મુસાફિર, પ્રેમનગર મત જાના!
અયોધ્યા, કાશી, દ્વારકા કે જેરુસલેમ જેવાં પુરાતન નગરો પવિત્ર ગણાય છે. આજે પણ લાખો લોકો ભીના હૃદયે બેથલહમ જઈને ઈસુનો જન્મ થયો હતો તે સ્થાને રચાયેલા ચર્ચ ઓફ નેટિવિટીની મુલાકાતે જાય છે અને પ્રાર્થનામય ચિત્તે કોઢારમાં જન્મેલા બાળ ઈસુનું સ્મરણ કરે છે. આવાં બધાં તીર્થનગરો પવિત્ર ગણાય છે, પરંતુ એ નગરો કરતાંય અધિક પવિત્ર એવા એક નગરનું નામ છેઃ ‘પ્રેમનગર.’ જગતમાં ક્યાંય આ નગરનો પત્તો નથી મળતો. ગોકુળ હતું ખરું, પરંતુ પૃથ્વી પર ક્યાંય આજે ગોકુળમાં હતી તેવી ઋજુતા નથી. ગોકુળ જાણે એક ભાવવાચક નામ બની ગયું છે. દુનિયામાં ક્યાંય ગોકુળતા ઝટ જડતી નથી. સર્વત્ર કપટયુક્ત માનવસંબંધોની બજાર ખીલી રહી છે. જ્યાં બજાર હોય ત્યાં મોહબ્બત ક્યાંથી? બજાર હોય ત્યાં તો સંવનન પણ બજારુ!
પ્રેમનગરમાં જવાની ના પાડવાનું કારણ શું? કારણ એ જ કે એ નગરમાં કાચાપોચા આદમીનું કામ નહિ. એ પવિત્ર નગરમાં કપટ, સ્વાર્થ, ગણતરી અને અશ્રદ્ધા સાથે પ્રવેશી ન શકાય. પવિત્ર નગરમાં નિર્મળ થઈને પ્રવેશવું પડે. પવિત્ર કોણ? જેણે જીવનમાં નિર્મળ પ્રેમ કર્યો હોય એ વ્યક્તિ પવિત્ર છે. એ વ્યક્તિ સામેથી એવો પ્રેમ ન પામે તોય પવિત્ર છે. કોઈના પ્રગાઢ પ્રેમમાં પાગલ બનવું, એ જેવી તેવી સંપ્રાપ્તિ નથી. આ જગતમાં બધી કક્ષાના પ્રેમીજનો પવિત્ર છે. અરે! એમની નિષ્ફળતા પણ પવિત્ર છે અને એમની ભૂલ પણ પવિત્ર છે. લોકો ધૂળમાં રગદોળાયેલી કે કાદવમાં પડેલી સોનામહોરને પણ ‘સોનામહોર’ જ કહે છે!
હિમાલય એ જ શિવાલય છે. શિવ અચલ છે. અકૃત્રિમ છે અને અનાકુલ છે. હિમાલય પવિત્ર છે, કારણ કે એ પ્રેમતીર્થ છે. હિમાલય તો શિવ-પાર્વતીનું પ્રેમાલય છે. જ્યાં પણ બે ‘મળેલા જીવ’ વચ્ચે જન્મેલી મુગ્ધતાનું માધુર્ય છે, ત્યાં અન્યને કાને ન પડે તેવી ગુફ્તેગો હોવાની. થોડીક ક્ષણો માટે કોઈ કોલેજના કેમ્પસ પર આવેલા વૃક્ષની નીચે આવું પ્રેમતીર્થ રચાય ત્યારે ત્યાં આગળથી પસાર થનારા વડીલે મૌનપૂર્વક બીજી દિશામાં જોવાનું રાખીને ચાલી જવું જોઈએ. એથી ઊલટું બને છે, કારણ કે સમાજના ઘણાખરા ઉંમરલાયક માણસો પાસે ઉંમર સિવાયની બીજી કોઈ જ પાત્રતા નથી હોતી. આપણો રુગ્ણ સમાજ અતૃપ્ત બુઝુર્ગોના વણદીઠા ઉપદ્રવોથી પરેશાન છે. જે સમાજમાં બે જણ વચ્ચે અનાયાસ ઊગેલો સહજ પ્રેમ પવિત્ર ગણાતો ન હોય, એવા સમાજમાં ઈર્ષ્યા, દ્વેષ, હરીફાઈ અને નિંદાકૂથલીનું નરક ઓટલે ઓટલે હોવાનું! ક્યાંક પ્રેમનો ટહુકો સંભળાય ત્યાં ખલનાયકો આપોઆપ એકઠા થઈ જાય છે. આવા ખલનાયકો ક્યારેક અયોધ્યા, કાશી, મક્કા, જેરૂસલમ કે બેથલહમની યાત્રાએ પણ જતા હોય છે.
એકમેકમાં ઓતપ્રોત એવાં બે પ્રેમીઓ ક્યારેક વિખૂટાં પડી જાય છે. સંજોગોના ષડ્યંત્રને કારણે વિખૂટાં પડેલાં બે પ્રેમીજનો વર્ષો પછી ટ્રેનની એસી ચેરકારમાં અચાનક ભેગાં થઈ જાય ત્યારે સામસામે બેસીને કોફી શા માટે ન પીએ? બળી ગયેલી ધૂપસળી અને મનગમતી મૈત્રીની તો રાખ પણ સુગંધીદાર હોય છે. મૌનપૂર્વક છૂટા પડેલા બે રસ્તાઓ પણ એકબીજાથી દૂર દૂર ચાલી નીકળે છે. બે પ્રેમીજનો વિખૂટાં પડે, તે ઘટના તો દુઃખદાયક હોય તોય કાવ્યમય હોય છે. જ્યાં વિરહની વેદના હોય કે મજબૂરી હોય ત્યાં વિખૂટાં પડવાની કળા પ્રગટ થાય છે. જ્યાં સંબંધ કેવળ ચર્મકક્ષાનો હોય ત્યાં આકર્ષણ પણ હંગામી હોય છે. આવો પ્રેમસંબંધ પવિત્ર નથી. એ સેક્સ અફેર છે, લવ અફેર નથી. જ્યાં સાચકલો પ્રેમસંબંધ રચાય ત્યાં ઉદાત્ત જવાબદારીનો ભાવ હોય છે. જ્યાં કેવળ સેક્સ કે સ્વાર્થની જ બોલબાલા હોય, ત્યાં વિખૂટાં પડતી વખતે ટનબંધ કટુતા પ્રગટ થતી હોય છે. પ્રેમસંબંધ તૂટે પછી બન્ને જણ ભૂતપૂર્વ પાર્ટનરના કલ્યાણ માટે પ્રાર્થના કરે ત્યારે એમને સાધુ કહેવાનું ફરજિયાત નથી.
વનસ્પતિ સૃષ્ટિમાં જે સ્થાન પુષ્પનું છે,
વસંતોત્સવમાં જે સ્થાન ટહુકાનું છે,
વાદળોના ભીના સામ્રાજ્યમાં
જે સ્થાન મેઘધનુષ્યનું છે,
તે સ્થાન ચહેરાઓના વનમાં પ્રેમનું છે.
પુષ્પમાં સુગંધ ન હોય,
નદીમાં જળ ન હોય,
આકાશમાં તારા ન હોય,
નીંદરમાં સમણાં ન હોય,
અને આંખમાં આંસુ ન હોય,
તો માણસ કેવો, ને પ્રેમ કેવો!
ગોકુળ પવિત્ર છે, કારણ કે એ સમગ્ર વિશ્વનું પ્રેમગ્રામ છે. ગોકુળ કેવળ પ્રેમતીર્થ નથી, એ વિરહતીર્થ પણ છે. જ્યાં વિખૂટાં પડવાની કલા પ્રગટ થાય ત્યાં આજે પણ ગોકુળ સર્જાય છે. પ્રેમ કોઈ દ્રવ્ય નથી કે એમાં વધઘટ થઈ શકે. પ્રેમ પ્રવાહી નથી કે એની સપાટી ઊંચી કે નીચી જઈ શકે. પ્રેમ તો આકાશ છે, જેમાં બધું જ ઓગળી શકે અને નિઃશેષ શૂન્યતામાં વિલીન થઈ શકે. તૃપ્ત થવું એટલે જ લુપ્ત થવું! શરદની શીતળ ચાંદનીમાં સ્નાન કરી રહેલા પ્રસન્ન અંધકારને તમે જોયો છે? એ અંધકાર તો શ્યામ-ઘનશ્યામના વિરહમાં શેકાઈ રહેલી રાધાનો પાલવ છે. બે પ્રેમીજનોનું મિલન પવિત્ર છે, પરંતુ બે વિખૂટાં પડેલાં પ્રેમીજનોનું દર્દ અધિક પવિત્ર છે. સંસ્કૃત સાહિત્યમાં એને વિપ્રયોગ કહ્યો છે. પ્રેમ આરોહણ છે. એ તો તળેટીથી ટોચ ભણીની ઊર્ધ્વયાત્રા છે. એવરેસ્ટની ટોચ પર જાહેરસભા ન થઈ શકે. ત્યાં તો મૌન જ શોભે!

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.