
પ્રિયંકા ગાંઘીનું સક્રિય રાજકારણમાં આગમન થવાને કારણે આખો કોંગ્રેસ પક્ષ આનંદ- ઉત્સાહ ને જોમ અનુભવી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ વરતાય છે. પ્રિયંકાને પૂર્વ ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ પૂર્વીય વિસ્તારમાં જ વારાણસી છે. . કોંગ્રેસના મહાસચિવની જવાબદારી સંભાળતા પ્રિયંકા ગાંધીને રાહુલ રાયબરેલીમાંથી ઉમેદવારી કરાવે એવી શક્યતા છે. વરસોથી આ વિસ્તારનું લોકસભામાં પ્રતિનિધિત્વ સદગત વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી કરતાં હતા. ત્યારબાદ સોનિયા ગાંધીએ રાયબરેલીનું સંસદમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. આથી હવે પ્રિયંકા ગાંધીને રાયબરેલીના ઉમેદવાર તરીકે ઊભા રાખવા બાબત કોંગ્રેસનું મોવડીમંડળ વિચારણા કરી રહ્યું છે. તાજેતરમાં રાયબરેલીની મુલાકાતે ગયેલા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચોકીદાર હંમેશા ખોટા નિવેદનો કરે છે. રાહુલે રાફેલ યુધ્ધ વિમાનો, નોટબંધી, બેરોજગારી અને સીબીઆઈના ડિરેકટરના મુદા્ઓનો ઉલ્લેખ કરીને મોદીની ટીકા કરી હતી.