પ્રાર્થના ક્યારેય ઉછીની, ઉધારની કે ઉત્સાહહીન ન હોવી જોઈએ!

0
1611

કવિ સુરેશ દલાલે કહ્યું છે કે
ફૂલમાં વસેલી ફોરમ એ એની પ્રાર્થના છે.
પ્રાર્થના થતી નથી એ હોય છે!
જ્યાં સુધી પ્રાર્થનાનો અર્થ ન સમજાય ત્યાં સુધી પ્રાર્થનાનું મહત્ત્વ સમજવાનું પોસિબલ જ નથી!
આપણે પ્રાર્થનાનો અર્થ બહુ છીછરો કરી મૂક્યો છે. પ્રાર્થના કરવી એટલે પરમાત્મા સામે કાલાવાલા કરવા, કશીક માગણી કરવી, કોઈ ફરિયાદ કરવી એવો અર્થ કરીને આપણે પ્રાર્થનાનું અપમાન કરી રહ્યા છીએ.
પ્રાર્થના તો આભાર માનવાની એક વિધિ છે.
પ્રાર્થના તો આદર વ્યક્ત કરવાની એક સંવેદના છે. પ્રાર્થનામાં શબ્દો કેવા હોવા જોઈએ?
હે ઈશ્વર! મારી કશી લાયકાત ન હોવા છતાં તેં મને ઘણું બધું સુખ આપી દીધું છે, તે માટે હું તારો આભાર માનું છું અને ભવિષ્યમાં તું મને કોઈ દુઃખ આપીશ કે કોઈ સંકટની સ્થિતિમાં મૂકી દઈશ તો પણ હું એમ જ સમજીશ કે તેં ચોક્કસ મારા કોઈ હિત માટે જ આ નિર્ણય કર્યો હશે. હું એવા સંજોગોમાં પણ તારો આભાર માનીશ અને તને પ્રેમ કરવાનું ક્યારેય નહિ ભૂલું! – આવું પ્રોમિસ આપીએ એ જ સાચી પ્રાર્થના!
મને આ સુખ આપજે અને પેલું સુખ આપજે… મને કોઈ દુઃખ ન આપીશ… એવી અપેક્ષાઓ અને માગણીઓ એ પ્રાર્થના નથી. ઈશ્વરને માત્ર સ્વમાની માણસો જ ગમતા હોય છે અને સ્વમાની માણસ ક્યારેય કશી માગણી કે અપેક્ષા કરતો નથી. ઈશ્વર સામે ચાલીને રાજીરાજી થઈને કશુંક વરદાન માગવાનું કહે ત્યારે પણ સ્વમાની માણસ કેવું વરદાન માગે છે એ વાત કરતાં કવિ વિપિન પરીખે કહ્યું છે કેઃ
માગવાનું કહે છે તો માગી લઉં છું, હે પ્રભુ!
દઈ દે મન એવું કે માગે એ કશુંય નહિ …!
પ્રાર્થના માટે શબ્દો અનિવાર્ય નથી. પ્રાર્થના માટે કોઈ ભાષા પણ અનિવાર્ય નથી. પ્રાર્થના માટે હૃદયના માત્ર શુદ્ધ ભાવ અનિવાર્ય છે. શબ્દો વગર અને ભાષા વગર પણ સાચી પ્રાર્થના હૃદયથી થઈ શકે છે. પ્રાર્થના એ હૃદયનું સ્નાન છે અને આત્માનું મંગલ ગાન છે. એ સ્નાન અને એ ગાન દ્વારા જીવનને ઉન્નત બનાવવાનો સંદર્ભ પ્રાર્થના સાથે જોડાયેલો રહેવો જોઈએ.
જેવી રીતે શિક્ષક બનવું હોય તો બી.એડ્.ની ડિગ્રી જોઈએ, ડોક્ટર બનવું હોય તો એમ.બી.બીએસ.ની ડિગ્રી જોઈએ એ રીતે પ્રાર્થના કરવા માટે પણ આપણી પાસે પ્રસન્નતાની ડિગ્રી હોવી જરૂરી છે. પ્રસન્નતા ન હોય તો બીજું ઘણું બધું થઈ શકે, પણ સાચી પ્રાર્થના ક્યારેય ન થઈ શકે – આ વાત બહુ ઓછા ભક્તો જાણતા હોય છે.
આપણે કોઈને બર્થ-ડે ગિફ્ટ આપવાની હોય, એ ગિફ્ટ ગમે તેટલી મોંઘી હોય, પરંતુ જો એ ગિફ્ટ આપતી વખતે આપણા ચહેરા પર પ્રસન્નતા ન હોય તો એની કિંમત ફૂટી કોડીની પણ નથી રહેતી. પ્રાર્થના એ આપણા તરફથી ઈશ્વરને આપેલી ગિફ્ટ બનવી જોઈએ અને એ ગિફ્ટ જો પ્રસન્નતાનો પર્યાય ન બને તો તે સાર્થક પણ ક્યાંથી થાય? કોઈ ગમે તેવો મોટો ભક્ત હોય કે સાધુમહારાજ હોય, પરંતુ જો એના ચહેરા પર પ્રસન્નતા ન હોય તો એની સાથે કોઈ સત્સંગ કે ભક્તિભાવનો વ્યવહાર ન કરવો જોઈએ.
હું તો માનું છું કે આ પુષ્પો એ ઈશ્વરે સ્વયં કરેલી પ્રાર્થના છે! તમે માર્ક કરજો, દરેક પુષ્પ પાસે તાજગી અને પ્રસન્નતા ભરપૂર હોય છે. આપણે પ્રાર્થના કરતી વખતે ફૂલની જેમ તાજગી અને પ્રસન્નતા પ્રગટાવી શકીએ એ માટે ઈશ્વરે કદાચ ફૂલોને ડેમોસ્ટ્રેશન તરીકે રજૂ કર્યાં હશે. આપણે તો પ્રાર્થનામાં શબ્દો પણ ઉછીના લઈએ છીએ અને ફૂલો પણ ઈશ્વરે ખિલાવેલાં લઈએ છીએ! આપણું પોતાનું કશુંય અર્પણ જ ક્યાં કરીએ છીએ? પ્રાર્થના ક્યારેય ઉછીની, ઉધારની કે ઉત્સાહહીન ન હોવી જોઈએ!
પ્રાર્થના આપણી ક્વોલિફિકેશન નક્કી કરે છે. આપણે ભિખારી છીએ કે ભક્ત છીએ એ આપણી પ્રાર્થનાના શબ્દો દ્વારા પુરવાર થતું હોય છે.
છતાં ઈશ્વર મહાન છે અને તેની પાસે કશુંક માગીએ તો તેમાં કશું ખોટું પણ નથી, પરંતુ માગવામાં વિવેક હોવો જરૂરી છે. આપણે હંમેશાં સ્વાર્થી માગણી કરીએ છીએ કે, હે ઈશ્વર! તું મારું ભલું કરજે. એટલે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળતો નથી, કારણ કે આપણી માગણી સ્વાર્થી છે, આપણા એકલાના હિત માટેની છે. જો આપણે એવી પ્રાર્થના કરીએ કે, હે ઈશ્વર! તું સમગ્ર સંસારનું કલ્યાણ કરજે… સૌને સુખ આપજે… તો સૌના સુખમાં આપણું સુખ સમાયેલું જ હોય છે, સૌના કલ્યાણમાં આપણું કલ્યાણ સમાયેલું જ હોય છે. ઈશ્વર આવી સર્વવ્યાપી – વિશ્વવ્યાપી પ્રાર્થનાઓ જ સાંભળતો હોય છે. કોઈની વ્યક્તિગત અને સ્વાર્થી પ્રાર્થનાઓ એ શા માટે સાંભળે? અને આપણે પણ એવી સંકુચિત પ્રાર્થનાઓ કરીએ જ શા માટે?
પ્રાર્થના હૃદયને વિશાળ બનાવવાનો એક ધન્ય અવસર છે. પ્રાર્થના દ્વારા રાગ-દ્વેષ અને મોહ-માયાના મેલ સાફ કરવાના હોય છે, એના બદલે આપણે પ્રાર્થના દ્વારા નવાનવા રાગ-દ્વેષ પેદા થાય, અસમાનતા પ્રગટે એવી માગણીઓ કરીએ તો ઈશ્વર શા માટે એવી પ્રાર્થના સાંભળે?
ઈશ્વરને આપણે કેવો મૂર્ખ માની લીધો છે! ઈશ્વરને આપણે કેમ ભ્રષ્ટાચારી અને લાંચરુશવત લેનારો અધિકારી માની બેઠા છીએ? ઘણા લોકો કહે છે કે હે દેવી, હે દેવ! મારું આટલું કામ કરી દેશો તો હું તમને પાંચ દીવા કરીશ અથવા આટલી સુખડીનો પ્રસાદ ચઢાવીશ, વગેરે વગેરે… ઈશ્વરને લાંચ આપવાના પ્રયત્નો પ્રાર્થનાના નામે કરવામાં આવે, એ શું ઈશ્વર નહિ સમજતો હોય? ઈશ્વરને શું પલાખાં નહિ આવડતાં હોય? એ આપણું બહુ મોટું કામ કરી નાખે અને આપણે એને માત્ર અગિયાર રૂપિયાનો પ્રસાદ ચડાવીએ એટલાથી જ એ સંતોષ માની લેશે એવું આપણે કેમ સમજીએ છીએ? ઈશ્વર આપણો પ્રસાદ કે પુરસ્કાર લીધા વગર આપણા ઉપર કૃપા નહિ જ વરસાવે એવી અશ્રદ્ધાભર્યો પ્રેમ આપણે કેમ બતાવીએ છીએ?
છેલ્લે મારે સંક્ષેપમાં જો વાત કરવી હોય તો એટલું જ કહેવું છે કે પ્રાર્થનામાં કાલાવાલાના શબ્દો ન હોવા જોઈએ અને માગણીઓ કે અપેક્ષાઓ તો બિલકુલ ન હોવી જોઈએ. દરેક પ્રાર્થનાના શબ્દોમાં માત્ર આદર અને આભાર જ હોવા જોઈએ. આદર અને આભાર વગરની કોઈ પ્રાર્થના આપણને શોભતી નથી અને ઈશ્વર તેવી પ્રાર્થનાઓ ગણકારતો નથી કે સાંભળતો નથી… મારે જો ઈશ્વરને પ્રાર્થના કરવાની હોય તો હું એક જ પ્રાર્થના કરું કે, હે ઈશ્વર! હું સ્વમાન અને સન્માનપૂર્વક જીવી શકું તેવું જીવન તેં મને આપ્યું છે અને હવે વિશેષ મારે કોઈ જ અપેક્ષા નથી. હવે મારે જે કંઈ સિદ્ધિઓ મેળવવી છે, જે કંઈ સુખો મેળવવાં છે તે પુરુષાર્થ અને પરાક્રમ દ્વારા હું જાતે જ મેળવી લઈશ. તેં મને પાંચેય ઇન્દ્રિયો, સંવેદનશીલ હ્રદય અને વિચારશીલ દિમાગ આપીને મારા ઉપર અનરાધાર કૃપા કરી છે. હવે હું પુણ્યના માર્ગે અને પરોપકારની દિશામાં ચાલીને મારું જીવન જાતે સફળ અને સાર્થક બનાવીશ. આભાર!

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.