પ્રાણીપ્રેમી પરેશ જાનીએ દત્તક હાથણી ‘રૂપા’ પાછળ ૧૪ વર્ષમાં ૫૦ લાખનો ખર્ચ કર્યો

 

અમદાવાદઃ બોડકદેવ વિસ્તારમાં આવેલી બા સારથી વિભાગ-૩માં રહેતા સેવાભાવી અને પ્રાણીપ્રેમી પરેશભાઈ જાની અને તેમના પરિવાર દ્વારા છેલ્લાં ૧૪ વર્ષથી રૂપા નામની હાથણી દત્તક લઇને તેનો સમગ્ર ખર્ચ ઉઠાવી રહ્યા છે. વર્ષ ૧૯૯૨માં કર્ણાટકના બન્નરઘટ્ટા નેશનલ પાર્કમાંથી કાંકરિયા ઝૂમાં લવાયેલી હાથણીને ‘રૂપા’ નામ અપાયું હતું. વર્ષ ૨૦૦૮માં કાંકરિયા ઝૂ દ્વારા પ્રાણીઓને દત્તક લેવાની યોજના બહાર પડાઈ ત્યારે આ યોજના અંતર્ગત એડવોકેટ અને સોલિસિટર તરીકે સેવા આપતા પરેશભાઇ જાનીએ રૂપા દત્તક લીધી હતી. તેઓએ કહ્યું કે, વર્ષ ૨૦૦૮માં ૮૦ વર્ષીય માતૃશ્રી જશુબા જાનીના અવસાન પછી તેમના પાછળ પુણ્યનું કામ કરવાના વિચાર કર્યો હતો ત્યારે માતૃશ્રીના તેરમાના દિવસે પરિવારના બધા સભ્યો એકત્રિત થયા હતા ત્યારે આ વાતને રજૂ કરી હતી. ત્યાર પછીના દિવસે અમે કાંકરિયા ઝૂ દ્વારા ફેઝ ઓફ ‘ઝૂ’ની આપવામાં આવેલી યોજનાને જાણીને હું મારા પરિવાર સાથે કાંકરિયા ઝૂ ખાતે ગયો હતો. કાંકરિયા ઝૂમાં જઇને તમામ પ્રાણીઓ અને પક્ષીઓને જોયા પછી મારા પરિવાર દ્વારા રૂપા હાથણીને એક વર્ષ માટે દત્તક લેવાનું નક્કી કર્યું હતું. એક વર્ષનો ખર્ચ ૨,૫૮,૨૬૦ હજાર થતો હતો.

૧૪ વર્ષમાં રૂપા પાછળ ૫૦ લાખનો ખર્ચ કર્યો છે અમારા જાની પરિવારના સભ્યો દ્વારા રૂપાને એક વર્ષ માટે દત્તક લીધા પછી અમે તેમાં દર વર્ષે વધારો કરતા ૧૪ વર્ષ થઇ ગયા છે. વર્ષ ૨૦૦૮થી દત્તક લીધેલ રૂપાનો એક વર્ષનો ખર્ચ ૨,૫૮,૨૬૦ લાખ છે સાથે ૩૩ ટકા ઇન્કમ ટેક્સની રકમ ચૂકવવામાં આવે છે. અમે છેલ્લાં ૧૪ વર્ષમાં કાંકરિયા ઝૂને ૫૦ લાખની રકમ સેવાકાર્યમાં આપી ચૂક્યા છીએ. દેશના વિવિધ ઝૂમાં આવા પ્રાણીઓને દત્તક લેવા માટે વપરાતી રકમમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઇન્કમ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે તે ઇચ્છનીય છે. સાથે તેના પર વિચાર કરવાની જરૂરિયાત છે. વર્ષે ત્રણ-ચાર વાર પરિવારના સભ્યો મળવા જાય છે એક વર્ષ માટે દત્તક લીધેલી રૂપાને દર વર્ષે વધારો થતા આ વર્ષે ૧૪ વર્ષ થયા છે. અમારા પરિવારના બાળકો જ્યારે ટેલિવિઝન કે કોઇ રસ્તામાં જ્યારે હાથીને જુએ તો તેઓ કહે કે, દાદા આ આપણી રૂપા છે. પરિવારના બધા સભ્યો દરેક દિવસે રૂપાને મનથી યાદ કરે છે સાથે પરિવારના સભ્યો બધા જ દર વર્ષે ત્રણથી ચાર વાર સભ્યો રૂપાના દર્શન કરવા માટે જાય છે.

એશિયાનો પ્રથમ કિસ્સો હોવાનું કહી શકાય આપણા ત્યાં પરિવારમાંથી કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય તો બાળકો, વડીલો તેમજ ધાર્મિક સ્થળની યાત્રા કરીને તેમની સ્મૃતિમાં ખર્ચ કરવામાં આવે છે. પરેશભાઇ જાનીના પરિવાર દ્વારા રિદ્ધિ-સિદ્ધિના ભગવાન ગણશેનું મુખ હાથી છે અને હાથીની સેવા કરવી એ સૌથી સારું કાર્ય છે અને તેને માટે અમે રૂપાને દત્તક લીધી છે. એક દિવસ સવારે મારા પર લિમ્કા બુકના પ્રતિનિધિનો ફોન આવ્યો અને તેમણે મારી પાસેથી દત્તક રૂપા વિશેની માહિતી મેળવી હતી. વર્ષ ૨૦૧૫ની આવૃત્તિમાં ‘ફર્સ્ટ એડોપ્શન ઓફ એલિફન્ટ’ના મથાળા હેઠળ પરેશ જાની અને તેમના પરિવારની માહિતી આપવામાં આવી હતી.