પ્રાણીઓનાં શરીરમાંથી કોરોનાનું મ્યુટેશન?

 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોને દુનિયાભરમાં કહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે. ભારતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે. આ દરમિયાન અમેરિકાની એક સંસ્થાની રિસર્ચ સામે આવી છે. જેમાં ખુલાસો થયો છે કે જ્યારે કોરોના સંક્રમિત માણસ જાનવરોના સંપર્કમાં આવે છે અને સંક્રમિત જાનવર કોઈ સ્વસ્થ માણસના સંપર્કમાં આવે છે ત્યારે નવા પ્રકારના વેરિઅન્ટનો જન્મ થઈ શકે છે. આ પ્રક્રિયાને રિવર્સ જુનોસિસ કહેવામાં આવે છે એટલે કે સાર્સ કોવ-૨ જેવો પ્રકાર ઉત્પન્ન થઈ શકે છે. 

ઓમિક્રોન પણ સાર્સ કોવ-૨ પ્રકારનો જ વેરિઅન્ટ છે. અમેરિકાની કોલેજ ઓફ વેટરનરી મેડિસિન એન્ડ બાયોમેડિકલ સાયન્સમાં રિસર્ચ ટીમે બિલાડી, શ્વાન અને હેમ્સ્ટર્સમાં સંક્રમણ બાદ કોરોના વાઇરસમાં થતા પરિવર્તનનું વિશ્લેષણ કર્યું છે. આ રિસર્ચ નેશનલ એકેડમી ઓફ સાયન્સની સત્તાવાર પત્રિકામા પીએનએએસમાં પ્રકાશિત થયું હતું. જેમાં વિભિન્ન પ્રકારના જાનવરો ઉપર રિસર્ચ કરવામાં આવ્યું છે. રિસર્ચથી શંકા ઉભી થઈ રહી છે કે ઓમિક્રોન પણ રિવર્સ જુનોસિસ પ્રક્રિયાનો જ હિસ્સો હોઇ શકે છે. 

અમેરિકામાં માઈક્રોબાયોલોજી, ઈમ્યુનોલોજી અને પેથોલોજી વિભાગમાં ડોક્ટરેટની છાત્રા લારા બશોરના કહેવા પ્રમાણે સામાન્ય રીતે કોઈપણ પ્રકારના વાઇરસ જાનવરોની અન્ય પ્રજાતિઓને સંક્રમિત કરતા નથી. પરંતુ કોરોના ફેમિલીનો સાર્સ કોવ-૨ અલગ છે. જ્યારે પેન્સિલવેનિયા વિશ્વવિદ્યાલયમાં વન્યજીવ રોગના સહાયક પ્રોફેસર એરિક ગગ્નેના કહેવા પ્રમાણે મનુષ્યો આસપાસ રહેતા જાનવરો માટે વાયરલ વધારે જોખમી છે કારણ કે તેણે કોરોના ફેમિલીના વિભિન્ન વેરિઅન્ટને ઉત્પન્ન કરવાની તક આપી છે. ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન મામલે વૈજ્ઞાનિકોએ થોડા સમય પહેલા ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું હતું કે, ઓમિક્રોન ઉંદર જેવા જીવ મારફતે માણસો સુધી પહોંચ્યો છે.