પ્રસિધ્ધ અને પીઢ નિર્દેશક  બાસુ ચેટરજીનું  જૈફ વયે દુખદ નિધન 

 

      બોલીવુડના પ્રસિધ્ધ નિર્માતા – નિર્દેશક બાસુ ચેટરજીનું મુંબઈમાં દુખદ નિધન થયું હતું. બોલીવુડમાં મહત્વનું યોગદાન કરનારા બાસુદાએ અનેક રોમેન્ટિક અને સરલ કથા- વસ્તુ ધરાવતા વિષયો પર સુંદર ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. રજનીગંધા, છોટી સી બાત., બાતોં બાતોં મેં, પિયાકા ઘર. એક રૂકા હુઆ ફેંસલા, ચિતચોર, ચમેલી કી શાદી વગેરે ફિલ્મો ટિકિટબારી પર ખૂબ સફળ નીવડી હતી. એટલું નહિ, ફિલ્મ- વિવેચકોએ પણ બાસુદાની સર્જનશીલતાની- ટેલેન્ટની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે માત્ર બોલીવુડની જ નહિ, પરંતુ બંગાળી ફિલ્મોનું પણ નિર્માણ અને નિર્દેશન કર્યું હતું. બાસુ ચેટરજીનું વ્યક્તિત્વ સરળ હતું. તેમણે ફિલ્મ સારા આકાશના નિર્દએશનથી હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું. તેમણેે દૂરદર્શનની પ્રખ્યાત સિરિયલ વ્યોમકેશ બક્ષી અને રજનીનું પણ નિર્દેશન કર્યું હતું.તેઓ  એક એવા ફિલ્મ – સર્જક હતા કે, જેમણે હિન્દી ફિલ્મ-નિર્માણ જગતમાં પોતાની આગવી મૌલિક કેડી કંડારી હતી. 70-80ના દાયકામાં રાજેશ ખન્ના , અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, રેખા, ઝિનત અમાન, હેમા માલિનીની  ગ્લોસી મસાલા ફિલ્મોનો દૌર હતો ત્યારે બાસુદાએ  આપણી આસપાસ જીવાતા સામાન્ય માનવીના જીવનને સ્પર્શતી નાની મોટી સમસ્યાઓ કે મૂંઝવણો પર, એના સુખ- દુખ, આશા- નિરાશા, પ્રેમ- સંઘર્ષના વિષયો પર સાદી સીદી મનોરંજક અને કલાત્મક ફિલ્મો પેશ કરીને પોતાનું આગવું સ્થાન મેળવી લીધું હતું. અમોલ પાલેકર, ઝરીના વહાબ. વિદ્યા સિન્હા, ટીના મુનીમ, અનિલ ધવન સહિત અનેક કલાકારોને તેમણે રૂપરી પરદે રજૂ કર્યા હતા. 

 તેમના નિધનથી ફિલ્મજગતમાં ઊંડા દુખની લાગણી પ્રસરી હતી. બોલીવુડના અનેક કલાકાર કસબીઓ અને નિર્માતા- નિર્દેશકોએ તેમને ટવીટર પર ભાવભરી અંજલિ આપી હતી. બાસુ ચેટરજી એક કુશલ અને અનન્ય કલા-સૂઝ ધરાવતા નિર્દેશક હતા. તેમની જેટલી કદર થવી જોઈએ, તેમને જેટલાં યશ- માન- સન્માન મળવા જોઈએ તેટલા મળ્યાં નથી એવી લાગણી અભિનેતા અમોલ પાલેકરે વ્યક્ત કરી હતી. જોકે બાસુ ચેટરજીને ફિલ્મના ઉત્તમ નિર્દેશન માટે પાંચથી વધુ ફિલ્મફેયર એવોર્ડ તેમજ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.