પ્રસિદ્ધ સંતુર વાદક પંડિત શિવકુમાર શર્માનું ૮૪ વર્ષની  ઉંમરે અવસાન

 

નવી દિલ્હીઃ ખ્યાતનામ સંગીતકાર અને સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું ૮૪ વર્ષની ઉંમરે નિધન થયું છે. ભારતીય સંગીતમાં તેમના ખાસ અંદાઝથી અપાયેલા યોગદાન બદલ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી હતી. ફિલ્મ જગતમાં પણ સંગીત ક્ષેત્રે તેમનું યોગદાન ઉત્કૃષ્ટ રહ્યું. બોલીવુડમાં શિવ-હરી (શિવકુમાર શર્મા અને હરિ પ્રસાદ ચૌરસીયા)ની જોડીએ એક સમયે ખુબ ધમાલ મચાવી હતી. 

અત્રે ઉલ્લેખનિય છે કે  શિવકુમાર શર્માની ૧૫મી મેના રોજ એક ઈવેન્ટ યોજાયેલી હતી અને આ ઈવેન્ટની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા. જેમાં તેઓ હરિપ્રસાદ ચૌરસિયા સાથે ધમાલ મચાવવાના હતા. દુઃખદ વાત છે કે આ ઈવેન્ટ પહેલા જ તેઓ દુનિયાને અલવિદા કહી ગયા. તેમની જોડીએ અનેક ફિલ્મોમાં એવું જબરદસ્ત સંગીત આપ્યું કે લોકોને આજે પણ તે મોઢે છે. ચાંદની ફિલ્મનું મેરે હાથોમેં નો નો ચૂડિયા ગીત હજુ આજે પણ પ્રસંગોમાં એટલું જ લોકપ્રિય છે. આ ગીત શ્રીદેવી પર ફિલ્માવવામાં આવ્યું હતું. 

અભિનેત્રી અને પ્રોડ્યુસર દુર્ગા જસરાજે આ અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે પ્રકૃતિનું સંગીત ખામોશ થઈ ગયું. બાપૂજી પંડિત જસરાજજી બાદ હવે શિવકાકાનું અચાનક જવું એ મારા માટે બેવડી અને બધુ જ ચકનાચૂર કરી નાખનારી ઘડી છે. પંડિત શિવકુમાર શર્માનો જન્મ જમ્મુમાં થયો હતો. તેમણે ૧૩ વર્ષની ઉંમરે સંતુર શીખવાનું શરૂ કર્યું હતું. તેમણે ૮૪ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કરી. તેમના નિધનથી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રિમાં શોકની લહેર ફરી વળી છે. તેઓ છ મહિનાથી કિડનીની સમસ્યાથી પીડાઈ રહ્યાં હતા અને સારવાર હેઠળ હતા. ડોક્ટર્સે જણાવ્યું કે તેઓ લાંબા સમયથી ડાયાલિસિસ પર હતા. મંગળવારે અચાનક હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું.