

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન ઉત્સાહ અને ઉષ્માથી એકમેકને મળ્યા હતા. બન્ને દેશના નેતાઓએ પરસ્પર નૂતન અને શાનદાર સંબંધોની શરૂઆતનું સ્વાગત કર્યું હતું. ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર, ટ્રમ્પ અને કિમ જોંગ ઉન સેન્ટોસા દ્વીપ પર સ્થિત કૈપેલા હોટેલમાં સિંગાપુરના સ્થાનિક સમય અનુસાર, સવારે નવ વાગે એકમેકને મળ્યાહતા અને ઉષ્માથી પરસ્પર હાથ મિલાવ્યા હતા. બન્ને નેતાઓએ આશરે 12 સેકન્ડ સુધી હસ્તધૂનન કર્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે, મને ખૂબ સારું લાગી રહ્યું છે. મને લાગે છે કે અમારી વચ્ચે ઉત્કૃષ્ટ કક્ષાની ચર્ચા થશે અને આ ચર્ચા સફળ પણ થશે, એ અંગે શંકાને કોઈ સ્થાન નથી. જો કે તેમણે એવી શરત મૂકી હતી કે, જયારે અમેરિકાને પૂરેપૂરી રીતે વિશ્વાસની પ્રતીતિ થશે કે નોર્થ કોરિયા હવે ન્યુ ક્લિયર મિસાઈલ ટેસ્ટ નહિ કરે. હવે મિસાઈલ ટેસ્ટનો મુદો્ સમાપ્ત થયો છે એવું અમને લાગશે ત્યારે ઉત્તર કોરિ્યા પર લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો અમેરિકા હટાવી લેશે.
નોર્થ કોરિયાના પ્રમુખ કિમ જોંહગ ઉને પ્રમુખ ટ્રમ્પને કહ્યું હતું કે, આ અગાઉ અમે કદી આવી રીતે પહેલ કરી નથી. અમેરિકાના ભૂતપૂવૅ પ્રમુખોમાંથી કોઈએ પણ આ પ્રકારની વાતચીત કરવા માટે અમારો વિશ્વાસ સંપાદિત કર્યો નહોતો.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુલાકાત અંગે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, અમે ફરીવાર મળીશું. અમે અનેકવાર મળીશું. મને આશા છેકે હવે બહુ જલ્દીથી ઉત્તર કોરિયામાં પરમાણુ નિશસ્ત્રીકરણની પ્રકિયાનો પ્રારંભ થશે.