
તાજેતરમાં અમેરિકામાં વસતા ભારતીય- અમેરિકન સમુદાયને દિવાળીની શુભકામનાઓ આપતા ટવીટમાં દિવાળીને બૌધ્ધો , શીખ અને જૈન સમુદાયનો તહેવાર ગણાવ્યો હતો.ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી ભૂલને કારણે અમેરિકામાં વસતા હિંદુ સમાજે નારાજગી વ્યક્ત કરી છે.જો કે બીજા એક ટ્વીટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, વાઈટહાઉસમાં હિંદુઓના મહત્વના તહેવાર દિવાળીની ઉજવણી માટે સમારંભનું આયોજન કરવું એ મારે માટે અતિ સન્માનની બાબત છે.
વાઈટ હાઉસમાં ભારતીય- સમુદાયના અગ્રણી નાગરિકો સાથે ટ્રમ્પે દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે ભારત અને અમેરિકાના મજબૂત બની રહેલા સંબંધોની ખૂબ પ્રશંસા કરી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાીપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર ગણાવ્યા હતા. વાઈટ હાઉસના રુઝવેલ્ટ રૂમમાં મંગલ દીપ પ્રગટાવવા અગાઉ તેમણે કાર્યક્રમાં ઉપસ્થિત રહેલા મહેમાનોને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, અમેરિકા ભારત સાથે સારી રીતે વ્યાપારિક આદાન- પ્રદાન કરવાની પૂરી કોશિશ કરી રહ્યું છે. ટ્રમ્પે નરેન્દ્ર મોદી સાથેની પોતાની મૈત્રીની વાત કરવા ઉપરાંત તેમનાં પુત્રી ઈવાન્કાની ભારત મુલાકાત અંગે પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મોદી મારા મિત્ર છે અને હવે ઈવાન્કાના પણ મિત્ર છે. હું માત્ર એટલું જ કહીશ કે ભારત અને ભારતના લોકો માટે મારા મનમાં અપાર સન્માનની લાગણી છે.