પ્રધાનમંત્રી મોદીએ અરૂણાચલમાં એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યુ

 

અરૂણાચલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરૂણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘટન કર્યું હતું. આ રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. આ સિવાય પ્રધાનમંત્રીએ ૬૦૦ મેગાવોટનું હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

આ દરમિયાન કેન્દ્રીયપ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે અમારા રાજ્યની રાજધાનીમાં એરપોર્ટ હોય તે અમારૂં સપનું હતું. આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી તે સપનું સાકાર થયું છે. તેમણે આ એરપોર્ટના નિર્માણ માટે વિશેષ નિર્દેશો આપ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઈટાનગરમાં લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે અમે નવું વર્ક કલ્ચર લાવ્યા છીએ, જેમાં અમે જે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરીએ છીએ એનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ. આ એરપોર્ટનો શિલાન્યાસ ફેબ્રુઆરી ૨૦૧૯માં કરવામાં આવ્યો હતો અને મને આ સૌભાગ્ય મળ્યું હતું. અટકાવો, લટકાવો અને ભટકાવવાનો સમય ગયો.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં કહ્યું કે જ્યારે પણ હું અરૂણાચલ આવું છું ત્યારે હું મારી સાથે એક નવો જોશ, ઉર્જા અને ઉત્સાહ લઈને આવું છું. અરૂણાચલના લોકોના ચહેરા પર ક્યારેય ઉદાસીનતા અને નિરાશા નથી હોતી. શિસ્ત એટલે શું તે અહીં દરેક વ્યક્તિમાં અને ઘરમાં દેખાય છે. આજે દેશમાં જે સરકાર છે, તેની પ્રાથમિકતા દેશનો વિકાસ, દેશના લોકોનો વિકાસ છે. વર્ષના ૩૬૫ દિવસ, ૨૪ કલાક અમે દેશના વિકાસ માટે જ કામ કરીએ છીએ.