પ્રદૂષણ મુક્ત ભારત અને િફટ ઈન્ડિયાના સંદેશ સાથે સક્ષમ સાયકલોથોન યોજાઈ

સુરતઃ કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય અને જાહેર ક્ષેત્રના ઉપક્રમે ‘ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) હજીરા’ દ્વારા સુરત શહેરમાં “સક્ષમ સાયક્લોથોન” યોજાઈ હતી. જેમાં આશરે ૬૦૦થી વધુ સાયકલવીરોએ વહેલી સવારના જીવંત અને ઊર્જાસભર માહોલમાં સહભાગી થઈને ‘ફિટ ઈન્ડિયા’નો સંદેશ આપ્યો હતો. પ્રદૂષણમુક્ત ભારત માટે એક નિશ્ચય અને સોનેરી ભવિષ્યની આશાઓ સાથે સૌએ પેડલ ચલાવ્યા હતા. પેટ્રોલિયમ મંત્રાલય અને પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસો.(PCRA)ના માર્ગદર્શન હેઠળ ઇંધણ અને ગેસ સંરક્ષણ માટેના જનજાગૃતિના ભાગરૂપે ‘સંરક્ષણ ક્ષમતા મહોત્સવ-૨૦૨૩’ અંતર્ગત ‘એનર્જી કન્ઝર્વેશન ટુવર્ડ્સ નેટ ઝીરો’ થીમ આધારિત આ સાયક્લોથોન યોજાઈ હતી. ‘સ્વસ્થ ભારત’ના નિર્માણ અને પેટ્રોલિયમ પેદાશોના સંરક્ષણ માટેના દ્રઢ સંકલ્પ સાથે સુરતના સાઇકલ સવારોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.
અલ્ટ્રાસાયકલિસ્ટ નીતિન પટેલ, કાર્યકારી પ્લાન્ટ મેનેજર જે. વી. એન. રાવ, OOMSના પ્રમુખ તનુજા બલોદી અને હજીરા પ્લાન્ટના વીસીસી સભ્યોએ સાયક્લોથોનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ભાગ લેનાર સાઈકલસવારોએ ઉર્જા સંરક્ષણ-નેટ ઝીરોના સંકલ્પને સાર્થક કરવા પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે અધિકૃત પ્લાન્ટ મેનેજર જે. વી. એન. રાવે ખરાબ હવામાન અને ભારે વરસાદ છતાં મોટી સંખ્યામાં જોડાયેલા સહભાગીઓના સમર્પણ અને ઉત્સાહ પ્રશંસનીય છે એમ જણાવી તેમણે સાયકલસવારોને ઇંધણ બચાવવાનો સંદેશ લોકોમાં ફેલાવવા અનુરોધ કર્યો હતો.
નોંધનીય છે કે, ઓ. એન. જી. સી. પર્યાવરણને સ્વચ્છતાના મિશનના ભાગરૂપે બળતણ સંરક્ષણ માટે ઝુંબેશ હાથ ધરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. સાયક્લોથોન એ ગ્રીન ઈન્ડિયા માટે પ્રતિબદ્ધતાની પહેલ છે. સાયક્લોથોનમાં અલ્ટ્રાસાયકલિસ્ટ અને ઓડેક્સ ક્લબ પેરિસિયનના સુપરરેન્ડન્યુર એવોર્ડ વિજેતા નીતિન પટેલ, OOMSના પ્રમુખ તનુજા બલોદી અને કાર્યકારી પ્લાન્ટ મેનેજરશ્રી જે. વી. એન. રાવ અને જી. એમ. વિભુ જોષી સહિત શહેરના સાયકલવીરો જોડાયા હતા.