
મોદી સરકારને ચૂંટણીના મતદાનનો પહેલો તબક્કો શરૂ થવા અગાઉ જ ત્રણ બાબતોમાં પીઠેહઠ કરવી પડી છે. બુધવારે 10મી એપ્રિલે સુપ્રીમ કોર્ટે રાફેલ સોદા અંગે કરવામાં આવેલી પુન- વિચારની પિટિશન પર સુનાવણી હાથ ધરવાની ઘોષણા કરી હતી. ત્યારબાદ ઈલેકશન કમિશને ભાજપ પ્રેરિત નમો ટીવી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ મોદીની બાયોપિક રીલિઝ કરવાની મંજૂરી આપી હતી, પણ ઈલેકશન કમિશને આ ફિલ્મ પર લોકસભાની ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી પ્રતિબંધ મૂક્યો હતો. વિવિધ રાજકીય પક્ષોએ મોડલ કોડ ઓફ કન્ડક્ટ અંતર્ગત, મોદીની બાયોપિક – પીએમ નરેન્દ્ર મોદીની રિલિઝ સામે ફરિયાદ દાખલ કરી હતી. આ ફિલ્મની રિલિઝની મતદાન અને મતદાતા પર અસર પડી શકે છે અને આ ફિલ્મની રિલિઝ ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરે છે એમ જણાવવામાં આવ્યું હતું. આ ફિલ્મોમાં એનટીઆર લક્ષ્મી, પીએમ નરેન્દ્ર મોદી અને ઉધમસિંહ વગેરેનો સમાવેશ થતો હતો. સુનાવણી દરમિયાન અરજી કરનાર એડવોકેટ અને કોંગ્રેસી નેતા અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મના એક ગીતનો ભાજપના ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મના ટ્રેલરમાં અમુક દ્રશ્યો એવાં છેકે જે મતદાતાઓને પ્રભાવિત કરી શકે છે. ઉપરાંત સેન્સરબોર્ડે આ ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું નહોતું. આ ફિલ્મમાં ચોકીદાર કેમ્પેઈન પણ દર્શાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ જણાવ્યું હતું કે, જો લોકસભાની ચૂંટણીમાં આ ફિલ્મને કારણે કોઈ સમસ્યા ઊભી થવાની સંભાવના લાગતી હોય તો એ અંગે હવે ચૂંટણી પંચ જ નિર્ણય લે. આથી આજે ચૂંટણી સુધી નરેન્દ્ર મોદીની બાયોપિકની રિલિઝ પર ચૂંટણી પૂરી થવા સુધી પ્રતિબંધ મૂક્યો હતો. ગત 31મી માર્ચથી નમો ટીવી દેશની અમુક ડીટીએચ સર્વિસ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના પર નરેન્દ્ર મોદીના ભાષણો, ભાજપનો ચૂંટણી પ્રચાર તેમજ મોદી સરકારની યોજનાો વિષે રજૂઆત કરવામાં આવતી હતી. તે અંગે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ ચૂંટણી પંચને પરિયાદ કરી હતી.