પ્રત્યેક જિંદગી એક આગવો પ્રવાહ હોય છે જેનું પોતીકું સંગીત હોય છે

0
948

મારા પરિચયમાં આવનાર બે વ્યક્તિઓ વિશે વાત કરવી છે જેને હું વર્ષોથી ઓળખું છું. પ્રકૃતિ, સ્વભાવ અને જીવનશૈલી એ બધામાં બન્ને તદ્દન વિપરીત છેડાઓ ઉપર છે. એક વ્યક્તિ જે ખાવાપીવાની બાબતે ખૂબ શોખીન છે. હરવું – ફરવું – આપણે જેને અનિયમિતતા કહીએ એવું ઘણું બધું – કોઈ બાબતે ગંભીરતા નહિ. આમ છતાં અત્યંત સાહજિક કહી શકાય એવું એમનું વ્યક્તિત્વ છે. એ ક્યારેય નિયમિત વ્યાયામ કરતા નથી, શરીર સંભાળ એ એમનો વિષય નથી. ખાવાપીવામાં કોઈ ચોખલિયાપણું નથી. મુક્ત મને વિહરવું એમનો સ્વભાવ છે. જિંદગીના સાડાસાત દાયકાની સફર પછી હાલ પણ એ નોર્મલ જિંદગી જીવી રહ્યા છે. ઘણી વાર સાઇકલ ચલાવતાં પણ નજરે ચડે છે. એમને જોઈ સૌ કોઈ પરિચિતોને આશ્ચર્ય અને નવાઈ લાગે છે.
બીજી વ્યક્તિ જે હંમેશાં સુઘડ કપડાંમાં સજ્જ, ક્લીન શેવ્ડ ચહેરો અને ભાષા ચોખ્ખી અને ઉચ્ચારણોમાં એકદમ શિસ્તબદ્ધ રહેનાર છે. ખાવાપીવાની બાબતમાં અત્યંત આગ્રહી, ચુસ્ત અને મક્કમ વિચારો ધરાવે છે. નિયમિત ઊંઘવું, નિયમિત ચાલવું, વાણીવ્યવહાર સંયમિત અને ફિઝિકલ ફિટનેસ માટે યોગ, વ્યાયામ જેવી બાબતે અત્યંત હઠાગ્રહી ગણી શકાય એવું એમનું વ્યક્તિત્વ છે. આ તમામ બાબતો હોવા છતાં હજી વનપ્રવેશના તબક્કે જ અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓથી ઘેરાઈ ગયેલા જોવા મળે છે. એમને ઓળખનાર સૌ કોઈને માટે આ બાબત આશ્ચર્યજનક લાગે છે. એમને જોઈને અનેકાનેક પ્રશ્નો થાય છે કે આવું કેમ?
આ બન્ને ઘટનાઓ સમાંતરે જોવા મળી છે. એમાં બાહ્ય રીતે દેખાતી હકીકતો સિવાયનાં પણ બીજાં અનેક પરિબળો કે કારણો પણ જવાબદાર હશે. આમ છતાં દુનિયામાં ઘણી બધી જગ્યાએ ‘અહો આશ્ચર્યમ્’ કે સીધેસીધું ગળે ન ઊતરે એવું ઘણું બધું બનતું જોવા મળે છે. આવું બને ત્યારે આપણે ઘડીભર વિચારતા થઈ જઈએ છીએ. જાણે કે આશ્ચર્ય સાથે અવાચક પણ થઈ જઈએ છીએ.
આવું માનવા પાછળ મોટા ભાગે આપણો રૂટીન જીવનવ્યવહાર અને અમુક ચોક્કસ રીતે જ વસ્તુ કે બનાવને જોવાની માનસિકતા જ આમ તો મુખ્યત્વે જવાબદાર ગણી શકાય. કાર્યકારણનો સિદ્ધાંત આમ જોઈને તો દરેક ભૌતિક પદાર્થને લાગુ પાડી શકાય, પરંતુ માનવજીવન અને માનવમન એવા પ્રકારના પ્રદેશો છે જ્યાં આવા કોઈ પ્રચલિત નિયમોથી ચાલી શકાતું નથી. પરિણામે ઘણી વાર આપણે જેને સ્વાભાવિક કે અપેક્ષિત પ્રતિભાવ ગણતા હોઈએ એના બદલે આપણી સમજણ કે માન્યતાની કસોટી કરે એવું પણ બનતું જોવા મળે છે. આવું બનવું એટલા માટે સ્વાભાવિક છે કે માણસનો સંબંધ હંમેશાં જીવંતતા સાથે રહેલો હોય છે. એમાં ભૌતિકતા કે સ્થૂળ લાગતી બાબતો પણ ભાગ ભજવતી જોવા મળે છે. આમ છતાં ચોક્કસપણે કહી શકાય કે આપણું જીવન સ્વયં એક મોટું રહસ્ય છે, જેનો ઉકેલ આપણા માપદંડોથી જ કરી શકાય એવું નથી હોતું. જીવવાના કોઈ ચોક્કસ નિયમો કે રસ્તાઓ નથી હોતા. દરેક જિંદગી અનોખી અને મૌલિક હોય છે.
આવા પ્રકારની વિરોધાભાસી કે આપણે જેને સીધી રીતે ગણતરી કરીને મૂકેલી અપેક્ષા અનુસારની બાબતો જ્યારે ન જોવા મળે ત્યારે સામાન્ય સંજોગોમાં આપણે એને સ્વીકારવાની તત્પરતા દાખવી શકતા નથી. વર્ષો સુધી આપણે જેનો ઉછેર કર્યો હોય, ઉત્તમ સંસ્કારો આપ્યા હોય અને નિર્વ્યાજ પ્રેમ આપ્યો હોય એવાં સંતાનો કે નજીકનાં સ્વજનો જીવનના એવા તબક્કે તમારાથી વિમુખ થઈને ઊભા રહે ત્યારે તમારા માટે એ બાબત સહન કરવી મુશ્કેલ થઈ જાય છે. એનાથી તદ્દન વિરુદ્ધ જે સંતાનો માટે મા-બાપે ભાગ્યે જ ગંભીરતાપૂર્વક આયોજન કર્યું હોય એવાં બાળકો જીવનમાં અત્યંત સફળ પુરવાર થાય અને માબાપ કે વડીલોને પારાવાર સુખનો અનુભવ પણ કરાવે. આવું થાય ત્યારે આપણને કદાચ આવી પંક્તિઓ પણ યાદ આવી જાય.
ખુદા તારી કસોટીની પ્રથા સાચી નથી હોતી
જે સારા હોય છે, એની દશા સારી નથી હોતી.’
અમુક બાબતે આપણી ચોક્કસ ગણતરી કે માપદંડોના કારણે પણ આપણે આવી ઘટનાઓને યથાતથ સ્વરૂપમાં સ્વીકારી શકતા નથી. ઘણી વાર આપણામાં રહેલી માલિકી હકની પ્રબળતા કે લાગણી પણ બળવત્તર બનીને આમાં રુકાવટ ઊભી કરતી જોવા મળે છે. જે માણસો વધારે પડતા ભાવુક કે લાગણીથી વિચારનારા હોય છે એમના માટે અમુક પ્રકારની વાસ્તવિક સ્વીકૃતિ અને એ માટેનું અનુકૂલન એટલું સ્વાભાવિક હોતું નથી. આપણે સૌએ એ બાબત સમજવી જરૂરી હોય છે કે જીવન હઠાગ્રહથી નહિ, પરંતુ સાક્ષીભાવથી જીવવાની કલા છે. માનવમનની ભીતર અને જિવાતી જિંદગીની અનેક ક્ષણો અને એમાંથી આકાર લેતી ઘટનાઓમાં ઘણું બધું અવ્યાખ્યાયિત હોય છે.
આપણી આસપાસ બનતી ઘણી બધી ઘટનાઓને આપણે પ્રચલિત માપદંડો થકી માફી શકતા નથી. એને સીધેસીધી સ્વીકારીને ચાલવાનું શાણપણ દરેકમાં હોતું નથી. એ સંજોગોમાં વ્યવહારુ ભાષામાં કહીએ તો આપણે આ બાબતને આપણી જીવનસમજણ અથવા અનુકૂલ શક્તિથી સ્વીકૃત કરી શકીએ. નરસિંહ મહેતા જેવા કોઈક ભક્તજન એને ‘રામ રાખે તેમ રહીએ’ અથવા તો કોઈક ફિલોસોફર એને ‘મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા’ એવા ભાવો સાથે સ્વીકારે. સરવાળે આ એક વ્યવહારુ અભિગમ જ ગણી શકાય! જીવનમાં ઘણી બધી બાબતો અકથ્ય અને અધ્યાહાર પણ હોય છે, પરંતુ જીવનની આવી અનિશ્ચિતતા અને મૌલિકતાના કારણે જ એ ગતાનુગતિક નથી બનતું. પ્રત્યેક જિંદગી એક આગવો પ્રવાહ હોય છે જેનું પોતીકું સંગીત હોય છે, પોતાના વળાંકો હોય છે. એ રીતે દરેક જીવન એ મૌલિક પ્રકારનું આવર્તન હોય છે. આવી સીધી બાબતને સ્વીકારીએ તો પણ ઘણી વાર કારણ વગર બોજરૂપ બની જતી કે દુઃખદાયક લાગતી ઘટનાઓ સામે ટકી રહેવાનું બળ આપોઆપ પ્રાપ્ત થઈ જતું હોય છે.

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here