પ્રજાની નિઃશુલ્ક સેવામાં ડો. એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ-હોસ્પિટલ સમર્પિત

(ડાબે) નડિયાદમાં ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી દ્વારા સંચાલિત ડો. એન. ડી. દેસાઈ ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ હોસ્પિટલનું નિઃશુલ્ક સેવાથી સમર્પિત કરવાનો સમારોહ યોજાયો હતો. તસવીરમાં અદ્યતન સુવિધા યુક્ત તૈયાર થઈ રહેલ હોસ્પિટલનું મકાન. (જમણે) લોકાર્પણ સમારોહના મુખ્ય મહેમાન ગુજરાત વિધાન સભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ હોસ્પિટલ વિશે માહિતી આપી રહેલા ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. એચ. એમ. દેસાઈ નજરે પડે છે. (બંને ફોટોઃ અકબર મોમિન)

નડિયાદઃ નડિયાદમાં રાજ્ય સરકાર અને ખાનગી સાહસોના સંયુક્ત ઉપક્રમે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી દ્વારા સંચાલિત ડો. એન. ડી. દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલનું નિઃશુલ્ક સેવાથી સમર્પિત કરવાનો સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ, યુનિવર્ર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. એચ. એમ. દેસાઈ, હોસ્પિટલના ડિરેક્ટર અંકુર દેસાઈ સહિત શહેરના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડો. એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ-હોસ્પિટલ, નડિયાદમાં મુખ્યમંત્રી ચિરંજીવી યોજના, મા અમૃતમ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના, વગેરે યોજનામાં જોડાયેલી છે, જેનો લાભ દર્દીઓને મળશે. આ સંસ્થામાં હાલ 300 પથારી આઠ આધુનિક ઓપરેશન થિયેટર સાથે સજ્જ છે. આવનાર સમયમાં 700 પથારી અને 13 ઓપરેશન થિયેટર તૈયાર થશે.
કુલ પાંચ પ્રકારના આઇસીયુ વિભાગ આધુનિક સાધનોથી સજ્જ સારવાર હેતુથી ચાલુ કરી દેવામાં આવ્યા છે, જેમાં નવજાત શિશુ માટેના, સર્જરી માટેના, હૃદયરોગ માટેના અને મેડિસિનની બીમારીઓ માટેના સારવાર માટેના વોર્ડનો સમાવેશ થાય છે. ચાર એક્સ-રે મશીન અને બે યુએસજી, સોનોગ્રાફી મશીન સાથે કાર્યરત છે, જેમાં આવનારા સમયમાં 12 એક્સ-રે મશીન અને વધુ એક યુસીજી, સોનોગ્રાફી મશીન વસાવવાનું ધ્યેય છે.
આ હોસ્પિટલમાં આંખ, કાન, નાક, ગળા, હાડકા, સ્ત્રીઓ માટે, ચામડી માટે, માનસિક આરોગ્ય, છાતીની બીમારી અને બાળકોના નિષ્ણાત ડોક્ટરો દરરોજ સવારે 9થી સાંજના 4 સુધી ઉપલબ્ધ રહેશે. તાત્કાલિક સારવાર વિભાગ 24 કલાક કાર્યરત રહેશે. ડિલિવરી માટે અત્યાધુનિક સાધનો સાથે અલગ વોર્ડની વ્યવસ્થા કરી છે, જેમાં ડિલિવરી સંપૂર્ણ મફ્ત કરવામાં આવશે. લોહી પેશાબની તપાસ માટે અત્યાધુનિક સાધનો ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર, ઓપરેશન, તપાસ તથા સામાન્ય દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. આગામી ટૂંક સમયમાં દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા વિનામુલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે. હાલ આ હોસ્પિટલમાં 40 તબીબો સેવા આપી રહ્યા છે, જે આવનાર પાંચ વર્ષમાં 80 નિષ્ણાત તબીબો સેવા આપે તેવો લક્ષ્ય છે. આ સંસ્થામાં હાલ 100 પેરામેડિકલ તેમ જ 175 નર્સિંગ સ્ટાફ કાર્યરત છે, જે આવતાં પાંચ વર્ષના અંતે 200 પેરામેડિકલ તેમ જ 400 નર્સિંગ સ્ટાફ કરવામાં આવશે, જેથી નડિયાદ વિસ્તારના લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ થશે. આ સંસ્થામાં નવી મેડિકલ કોલેજનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાંથી દર વર્ષે 150 જેટલા તબીબો બહાર પડશે અને આ વિસ્તારના દરદીઓ માટે આરોગ્ય સુવિધામાં વધારો કરશે. કોલેજના નિર્માણમાં રાજ્ય સરકાર દ્વારા કુલ 120 કરોડની ગ્રાન્ટ સંસ્થાને મળશે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ વિવિધ લાભો મળશે. જેના થકી લોકોના જનહિતાય અને લોકકલ્યાણના કર્યો થઈ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here