પૌરાણિક પુત્રી પિતાની સામે પડી શકતી હતી…

0
1034

(ગતાંકથી ચાલુ)
સુકન્યાને આશીર્વાદ મળ્યા અને ચિત્રાંગદાને અભિશાપ મળ્યો. વામનપુરાણ અનુસાર ચિત્રાંગદાએ પોતાની મરજીથી સુરથ રાજાને પોતાના શરીરનું દાન કર્યું. એટલે ચિત્રાંગદાના પિતાએ રોષે ભરાઈને પુત્રીને શાપ આપ્યો કે, તેં તારા દેહનું સ્વતંત્રતાથી દાન કર્યું એથી હવે તારાં લગ્ન નહિ થાય. તને પતિનું સુખ નહિ મળે અને પુત્રનું ફળ નહિ મળે. ચિત્રાંગદાને પસ્તાવો થયો, પણ એનો શું અર્થ?
ચિત્રાગંદાની સરખામણીમાં શશિકલા નસીબદાર હતી. પિતા સુબાહુના વિરોધ છતાં એ પોતાના પ્રેમી સુદર્શનને વરી શકી હતી. દેવી ભાગવતપુરાણની કથા અનુસાર શશિકલા સ્વયંવરમાં સુદર્શનને વરમાળા પહેરાવવા માગતી હતી. સુબાહુએ એનો જોરદાર વિરોધ કર્યો. રાણી મારફત સમજાવવાનો પ્રયત્ન કર્યો. સુદર્શનને નહિ, પણ એના ભાઈ શત્રુજિતને પરણવાની સલાહ આપી, પણ શશિકલાએ વટથી કહ્યુંઃ ‘તો પછી તો સ્વયંવરનો કોઈ અર્થ જ નથી. હું સ્વયં વરને પસંદ ન કરું તો એ સ્વયંવર કેવી રીતે કહેવાય?’ આખરે સુબાહુએ પોતાનો વિરોધ પાછો ખેંચી લીધો. તેમણે પુત્રીની ઇચ્છાનું માન રાખ્યું.
પુત્રી પણ પિતાનું માન જાળવતી. રાજપુત્રી હોય કે રંકની દીકરી, એ પિતાની આજ્ઞાનું પાલન કરતી. પદ્મપુરાણમાં ગોરસ વેચતી ગોવાલણ એક રંકની પુત્રી હતી. એક વાર ઇન્દ્ર તેને બ્રહ્માની પત્ની બનાવવા બળજબરીથી લઈ જતો હતો. ત્યારે ગોવાલણ નમ્રતાથી બોલીઃ ‘જો તને મારી જરૂર હોય તો તું મારા પિતા પાસે મારી માગણી કર. તે નક્કી મને તારે હવાલે કરશે. મારા પિતાનો સ્વભાવ છે કે તેમની પાસે કોઈ કંઈ પણ માગે તો એ આપી જ દે છે. મારા પિતા મોટા દાતા છે. એથી એ મને અવશ્ય તને સુપરત કરશે, માટે હું તને મસ્તક નમાવીને પ્રાર્થના કરું છું કે તું મારા પિતા પાસે મારી માગણી કર. મારા પિતાની આજ્ઞા વિના જ હું તને મારો આત્મા અર્પણ કરી દઉં તો મારો ધર્મ નાશ પામે. માટે હું તને ફરીથી વિનંતી કરું છું કે તું મારા પિતા પાસે મારી માગણી કર. હું તેમની આજ્ઞાંકિત છું.’
પદ્મપુરાણમાં આ ગોવાલણની જેમ જ સરસ્વતી પણ પિતાની આજ્ઞા માનનારાં હતાં. પિતા બ્રહ્મા પ્રેમથી પુત્રી સરસ્વતીનું મસ્તક સૂંઘતા. સરસ્વતીએ કહેલુંઃ ‘હું સ્વતંત્ર નથી. કુમારીપણાનું વ્રત ધારણ કરનારી છું. તેથી મારા પિતાની આજ્ઞા વિના હું એક પગલું પણ ક્યાંય ન જઈ શકું.’ આવી આજ્ઞાંકિત પુત્રી કયા પિતાને પ્રિય ન હોય?
પુત્રી પિતાને પ્રિય હતી અને પિતા પુત્રીને પ્રિય હતા. પદ્મપુરાણમાં હુંડ દૈત્યની પુત્રીને તેના પિતા અત્યંત વહાલા હતા. એક વાર તેણે ચારણો અને સિદ્ધ પુરુષોને પરસ્પર વાત કરતા સાંભળ્યા કે આયુ રાજાને વિષ્ણુ જેવો પરાક્રમી પુત્ર થશે. તે હુંડ દૈત્યનો નાશ કરશે. આવી અશુભ અને અપ્રિય વાત સાંભળીને હુંડની પુત્રી પિતા પાસે આવી. અને રક્ષણનાં પગલાં લેવાનું સૂચન કર્યું. એ જ રીતે દક્ષે અસિકની નામની પત્નીમાં ઉત્પન્ન કરેલી સાઠ પુત્રીઓ પિતા પર પ્રીતિ રાખનારી હતી, પરંતુ વરાહ મહાપુરાણની સુરતિ એક પિતાના પિતૃપ્રેમની પરાકાષ્ઠા સમાન હતી. પિતા રિપુજિતનું મૃત્યુ થયું ત્યારે સુરતિ એટલી શોકમગ્ન થઈ ગઈ કે એણે બળતા અગ્નિમાં પ્રવેશ કરીને દેહત્યાગ કર્યો હતો!
સુરતિની જેમ જ સતીએ પણ દેહત્યાગ કર્ર્યોહતો. પણ એ દેહત્યાગ પિતૃપ્રેમને કારણે નહિ, પણ પિતા સામેના વિરોધને વ્યક્ત કરવા માટે હતો. શિવ મહાપુરાણની કથા અનુસાર સતીએ શંકર સાથે લગ્નની વાત કરી ત્યારે માતા વીરિણી હર્ષથી પુત્રીને ભેટી પડ્યાં. તેનું મસ્તક સૂંઘીને વારંવાર તેની પ્રશંસા કરી, પરંતુ પિતા દક્ષ પ્રજાપતિને શંકર પસંદ નહોતા. છતાં સતીની જીદને વશ થઈને તેમણે પુત્રીને શિવ સાથે પરણાવી. ત્યાર બાદ એક વાર દક્ષે યજ્ઞનું આયોજન કર્યું. તેમાં બધાને આમંત્રણ હતું. માત્ર સતી અને શંકરને જ નહોતું, પણ સતીએ શંકરને કહ્યુંઃ ‘હું મારી જન્મભૂમિનાં દર્શન કરવા ઇચ્છું છું. પિતાને ઘેર મંગળ મહોત્સવ છે ને મારું હૈયું ત્યાં જવા થનગની રહ્યું છે. વળી પોતાના મિત્ર, પતિ, ગુરુ અને પિતાને ઘેર તો વગર બોલાવ્યે પણ લોકો જાય છે. એટલે હું પણ પિતાને ઘેર જઈશ. આમંત્રણ નથી તો શું થયું.’
આખરે શંકરની રજા લઈને સતી દક્ષના યજ્ઞમાં ગયાં. વીરિણી અને બહેનોએ સતીનો સત્કાર કર્યો, પણ દક્ષે તો સતીને બોલાવ્યાં પણ નહિ. અપમાનથી સતી વિસ્મય પામ્યાં. તેમણે માતાપિતાને વંદન કર્યાં. યજ્ઞમાં વિષ્ણુ અને અન્ય દેવોના ભાગ જોયા, પણ શંકરનો ભાગ ન જોયો. એટલે સતી ક્રોધે ભરાયાં. દક્ષને દઝાડી મૂકે એવી નજરે જોઈને બોલ્યાંઃ ‘જે શંકર યજ્ઞસ્વરૂપ, યજ્ઞ જાણનારાઓમાં શ્રેષ્ઠ, યજ્ઞના અંગરૂપ, યજ્ઞની દક્ષિણારૂપ અને યજ્ઞના કર્તા છે તેમના વિના યજ્ઞ કેમ થઈ શકે? જેમનું માત્ર સ્મરણ કરવાથી બધું પવિત્ર થાય છે તેમના વિના કરેલું બધું અપવિત્ર થશે. જેમને લીધે સમગ્ર જગત પવિત્ર થાય છે તે પાવન શંકરને કેમ નથી બોલાવ્યા? શંકરને સામાન્ય દેવ જાણીને શું આપે તેમનો અનાદર કર્યો છે?
દક્ષે હિમ જેવી ઠંડકથી કહ્યુંઃ ‘તું અહીંથી જતી રહે. તારું કંઈ કામ નથી. તું અહીં આવી જ શા માટે? તારો પતિ અમંગળ છે. યજ્ઞ જેવાં શુભ કાર્યોમાં નિમંત્રણને યોગ્ય નથી. એ ભૂતપ્રેત અને પિશાચોનો રાજા છે. એ કારણથી મેં જાણીજોઈને જ દેવો તથા ઙ્ગષિઓની આ સભામાં રુદ્રને યજ્ઞ માટે બોલાવ્યા નથી.’ શંકરનું આવું અપમાન સતીથી સહન ન થયું. તેમણે શબ્દોના તીરથી દક્ષને વીંધી નાખ્યાઃ ‘તમે શિવનો અપરાધ કર્યો છે. આપનાથી ઉત્પન્ન થયેલા મારા આ દેહનો જન્મ નિંદ્ય છે. એથી હું આ શરીરને તજી દઈશ. આપના જેવા દુર્જન સાથે પિતાપુત્રી તરીકે મારો સંબંધ રહે એથી મને શરમ આવે છે. આપ શંકરની નિંદા કરો છો તેથી પસ્તાવાનો વખત આવશે. અને આ લોકમાં મોટું દુઃખ ભોગવીને છેવટે નરકની યાતના પ્રાપ્ત કરશો.’ આમ કહીને સતીએ યોગબળથી અગ્નિ પ્રગટાવ્યો. અને એ અગ્નિમાં ભડ ભડ સળગી ગયાં.
આ કથા પરથી ખ્યાલ આવે છે કે પૌરાણિક પુત્રી પિતાની સામે પડી શકતી હતી. પતિનું અપમાન કરનાર પિતાને શાપ આપી શકતી હતી અને પિતા પ્રત્યેનો વિરોધ પ્રગટ કરવા દેહત્યાગ પણ કરી શકતી હતી. દક્ષપુત્રી સતીએ એ જ તો કર્યું હતું!
આ સતીનો પુનઃ જન્મ થયો. હિમાલય અને મેનાના ઘરમાં એ પાર્વતી બનીને જન્મ્યાં. હિમાલયને પાર્વતી અત્યંત પ્રિય હતાં. પાર્વતીના ભવિષ્યની ચિંતા હતી. એક વાર નારદ મુનિ હિમાલયને ઘેર આવ્યા. હિમાલયે તેમને નમન કર્યા, તેમનું પૂજન કર્યું. મેના પાર્વતીને લઈને આવ્યાં. મુનિને વંદન કર્યા. પછી નારદને પૂછ્યુંઃ ‘મારી ભાગ્યશાળી પુત્રી કોની પત્ની થશે? તમે મારી પુત્રીના ગુણદોષ અને એનું જન્મફળ કહો.’
નારદે પાર્વતીનો હાથ જોયો. પછી ટીખળી સ્વરે કહ્યુંઃ ‘આ તમારી પુત્રી વૃદ્ધિ પામેલા ચંદ્રની પહેલી કલા જેવી છે. સર્વ લક્ષણોથી શોભતી છે. પોતાના પતિને અત્યંત સુખ દેનારી, માતાપિતાની કીર્તિ વધારનારી અને સ્ત્રીઓમાં ઉત્તમ છે. તમારી કન્યાના હાથમાં બધાં લક્ષણ સારાં છે. માત્ર એક જ રેખા વિલક્ષણ છે. તેનું ફળ તમે બરાબર સાંભળો. આ કન્યાનો પતિ યોગી, નાગો, ગુણ વિનાનો, કામ વિનાનો, માબાપ વિનાનો અને અમંગળ વેશવાળો હશે.’ આ સાંભળીને મેના અને હિમાલયને ખૂબ દુઃખ થયું. હિમાલયનું પિતૃહૃદય દ્રવી ઊઠ્યું. એ મ્લાન થઈને બોલ્યાઃ ‘આપની વાતોથી હું મૂંઝાઉં છું. સુકાઉં છું. ગ્લાનિ પામું છું. આપ મારી કન્યાનું દુઃખ દૂર કરવાનો ઉપાય દર્શાવો. એટલે નારદે હસતાં હસતાં કહ્યુંઃ ‘ચિંતા ન કરો. તમારી આ કન્યા શંકરને વરશે. તે લીલા કરનારા પ્રભુ છે. તેમનાં ખરાબ લક્ષણો પણ સદ્ગુણોની તુલ્ય જ છે. તમારી પુત્રી તપ વડે શંકરને સંતોષશે. સોના જેવી ઉજ્જવળ અને વીજળી જેવી અતિશય ગૌરવર્ણી થશે. તે ગૌરી નામે પ્રસિદ્ધ થશે. તમારી પુત્રી પહેલાં દક્ષકન્યા સતી હતી. રુદ્રની પત્ની હતી. દક્ષના યજ્ઞમાં શંકરનો તથા પોતાનો અનાદર થવાથી તેણે કોપ કરીને દેહત્યાગ કર્યો હતો. હિમાલય આ ચરિત્ર સાંભળીને પુત્રીને સ્પર્શ કર્યો. તેનું માથું સૂંઘ્યું અને પોતાના આસન પાસે બેસાડી. આમ પુત્રી પ્રત્યેનો સ્નેહ દર્શાવ્યો. (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.