પૌરાણિક પુત્રી પિતાની તારણહાર બનતી

0
753
ડો. ટીના દોશી

(ગતાંકથી ચાલુ)
વસુદત્તે પરણાવેલી પુત્રીને ઘરમાં રાખીને ભૂલ કરી જ્યારે સત્યકેતુએ પરણેલી પુત્રીને સાસરેથી તેડાવીને લાંબો સમય સુધી પિયરમાં રાખવાની ભૂલ કરી. સત્યકેતુ વૈદર્ભના રાજા હતા. તેમણે પુત્રી પદ્માવતીને મથુરાના રાજા ઉગ્રસેન સાથે પરણાવી. સાસરે વળાવી, પણ પછી સૂનું ઘર ખાવા દોડ્યું. સત્યકેતુ અને તેમની રાણી દેવી પદ્માવતીના વિયોગમાં દુઃખી દુઃખી થઈ ગયાહૃ. તેમણે પોતાનો દૂત મથુરા મોકલ્યો. ઉગ્રસેનને સંદેશો આપ્યોઃ મારી પ્રિય પુત્રી પદ્માવતીનાં દર્શનની ઇચ્છા છે. તમે એને મારી પાસે મોકલો તો સારું… ઉગ્રસેને પદ્માવતીને પિયર મોકલી. પદ્માવતી પિતાને ઘેર આવી. તેમના ચરણસ્પર્શ કર્યા. સત્યકેતુ હર્ષ પામ્યો. તેમણે દાન, માન, વસ્ત્રો અને આભૂષણોથી પદ્માવતીને વધાવી. પદ્માવતી પિયરમાં જ રહી પડી. એમ કરતાં ઘણો લાંબો સમય થયો. છતાં પદ્માવતી સાસરે પાછાં જવાનું નામ લેતી નહોતી. રાજારાણી પણ તેને સાસરે મોકલવાની ઉતાવળ કરતાં નહોતાં. આખરે એક દિવસ ન થવાનું થયું. પદ્માવતીના સૌંદર્યથી ઘાયલ થયેલા ગોભિલ નામના દૈત્યે ઉગ્રસેનનું રૂપ ધારણ કરીને તેનો સંગ કર્યો. પછી પદ્માવતીને ખબર પડી કે પોતે છેતરાઈ ગઈ છે. પણ શું કરે? દૂધ ઢોળાઈ ગયું હતું. આંસુ સારવાનો અર્થ નહોતો. છતાં પદ્માવતીનાં આંસુ અટકતાં નહોતાં.
પદ્માવતી આંસુ સારતી રહી, પણ પ્રીતિકીરીએ પિતાનાં અશ્રુ લૂછ્યાં. એ સૌરાષ્ટ્રના રાજા ભદ્રશ્રવા અને રાણી ચંદ્રિકાની વહાલસોયી કુંવરી હતી. એ ભદ્રશ્રવાને અત્યંત પ્રીતિ કરનાર થઈ હતી. એટલે એનું નામ પ્રીતિકીરી પડ્યું. એનું બીજું નામ શ્યામાબાળા પણ હતું. એ ઉંમરલાયક થઈ એટલે રાજારાણીએ તેને પરણાવી. સાસરે મોકલી પછી એકાએક ભદ્રશ્રવાના નસીબનું ચક્કર ફર્યું. તેમનું અડધું ધન ચોરાઈ ગયું. આર્થિક સંકડામણ ઊભી થઈ. એટલે સહાયની આશાએ ભદ્રશ્રવા શ્યામાબાળાનું સાસરિયું જ્યાં આવેલું હતું તે નગરમાં ગયા. દાસીઓ સાથે દીકરીને સંદેશો મોકલ્યો. શ્યામાબાળાએ પોતાના સેવકો સાથે પુષ્પોનું તેલ, દિવ્ય અસ્ત્ર, ચંદન, પાનબીડું અને એક ઘોડો પિતાને મોકલ્યો. સેવકોએ ભદ્રશ્રવાને ઉત્તમ પોશાક પહેરાવ્યો. પછી શ્યામબાળાને ઘરે લઈ ગયા. શ્યામબાળાએ પોતાના દુઃખી પિતાની કાળજી રાખી. ઘી સાથે ભાત જમાડ્યો. માતા ચંદ્રિકાને પણ પોતાને ઘેર તેડાવી લીધી. તેનું પૂજન કર્યું. સરભરા કરી. ચાર દિવસ વીત્યા. પછી એક ગુપ્ત પાત્રમાં રાખેલું ધન અર્પણ કરી તેણે ભદ્રશ્રવાને વિદાય કર્યા. આમ પિતાના સંકટમાં પુત્રી તારણહાર બની.
પૌરાણિક પુત્રી પિતાની તારણહાર બની હોય એવાં અન્ય ઉદાહરણ પણ જોવા મળે છે. એવું જ એક ઉદાહરણ ઇન્દ્રની પુત્રી જયંતીનું છે. ઇન્દ્રને આપત્તિમાંથી ઉગારવા તેણે શુક્રાચાર્યની સેવા કરી હતી. કથા એવી છે કે દાનવોના ગુરુ શુક્રાચાર્ય ઇન્દ્રના શત્રુ હતા. તે દૈત્યોના કલ્યાણ માટે અને ઇન્દ્રના નાશ માટે કઠોર તપ કરી રહ્યા હતા. એ જાણીને ઇન્દ્ર ડરી ગયા. તેમણે જયંતીને કહ્યુંઃ ‘પુત્રી, હું શુક્રાચાર્યથી ગભરાયો છું. માટે તું એમની પાસે જા. એમની સેવા કર. એમને અનુકૂળ હોય એવો વ્યવહાર કર અને મારું કલ્યાણ થાય એવા પ્રયત્ન કર. મારા હિત માટે હું તને શુક્રાચાર્યને સોંપું છું. તું જા. અને એમને પ્રસન્ન કર.’ જયંતીએ એક પણ સવાલ કર્યા વિના પિતાની આજ્ઞા માથે ચડાવી. પિતાએ કહ્યું એ પ્રમાણે કર્યું. શુક્રાચાર્યની સેવા કરી. સ્તુતિ કરી અને અંતે તેમને પ્રસન્ન કર્યા. આમ ઇન્દ્રની આફત ટળી.
એ જ રીતે સુકન્યાએ શર્યાતિ રાજાની આફત ટાળી. જોકે શર્યાતિ પર આવેલી આફતના મૂળમાં સુકન્યા જ હતી. બન્યું એવું કે શર્યાતિ પોતાના પરિવાર સાથે નર્મદા નદીના તટે ફરવા ગયા. ત્યાં ભૃગુપુત્ર ચ્યવન ઋષિ એક હજાર વર્ષથી તપ કરતા હતા. તેમની ફરતે રાફડો થઈ ગયો હતો. સુકન્યા વનમાં ફરતી ફરતી ત્યાં આવી પહોંચી. રાફડા પાસે જઈ બેઠી. તેમાં ચળકતો પદાર્થ જોયો. એટલે તેને સળીઓ ભોંકીને વીંધી નાખ્યો. તરત તેમાંથી લોહી ઝરવા માંડ્યું. એવામાં એકાએક વાતાવરણ બદલાયું. ચારેકોર ઉત્પાત મચી ગયો. શર્યાતિ રાજાને ખબર પડી કે ચ્યવન ઋષિ તપ કરી રહ્યા છે. એટલે એ ઋષિ પાસે ગયા. ચ્યવને કહ્યુંઃ ‘રાજન, તારી પુત્રીએ મારી આંખો ફોડી નાખી છે. એટલે તમારી એ પુત્રી મને વિધિથી પરણાવી દો. તો જ બધા ઉત્પાત શાંત થશે.’ આ સાંભળી રાજા દુઃખી થયો, પણ ઋષિના શાપથી બચવા તેમણે ચ્યવન જેવા વૃદ્ધ અને અંધ મુનિ સાથે પુત્રીને પરણાવી દીધી. સુકન્યાએ વિરોધનો એક હરફ પણ ન ઉચ્ચાર્યો, કારણ કે ઋષિની આંખોને ચળકતો પદાર્થ સમજવાની ભૂલ એણે જ કરી હતી.
પદ્માએ તો કોઈ ભૂલ કરી નહોતી, છતાં પિતાને મુશ્કેલીમાંથી બચાવવા તેણે વૃદ્ધ પિપ્પલાદ મુનિ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં. શિવ મહાપુરાણની કથા અનુસાર અનરણ્ય ઇંદ્રસાવર્ણિ નામના 14મા મનુના વંશમાં જન્મેલો રાજા હતો. સાત દ્વીપ સહિત આખી પૃથ્વીનો રાજા હતો. તેને સો પુત્ર હતા અને પદ્મા નામની એકમાત્ર કન્યા હતી. રાજાને સો પુત્ર માટે જે પ્રેમ હતો તેના કરતાં પણ વધુ સ્નેહ પદ્મા પર હતો. એ યુવાન થઈ ત્યારે રાજાએ તેના માટે ઉત્તમ વર શોધવા ઠેકઠેકાણે પત્ર લખ્યા. એવામાં પુષ્પભદ્રા નદીમાં સ્નાન કરવા જઈ રહેલા પિપ્પલાદ ઋષિની નજર પદ્મા પર પડી, અને તેની દુનિયા બદલાઈ ગઈ.
પદ્માની રૂપરાશિએ પિપ્પલાદ ઋષિને કામબાણથી વીંધી નાખ્યા. એ અનરણ્યની સભામાં આવ્યા. રાજાએ ભયભીત થઈ પ્રણામ કર્યા. મુનિએ કહ્યુંઃ ‘તું મને તારી કન્યા આપ. અન્યથા ક્ષણવારમાં બધું ભસ્મ કરી દઈશ…’ પિપ્પલાદ વૃદ્ધ હતા, ખરતું પાન હતા. આવા ઘરડા ઋષિને પોતાની યુવાન કન્યા પરણાવવાના વિચાર માત્રથી રાજા રડવા લાગ્યા. રાણીઓ પણ રડવા લાગી. કન્યાની માતા આઘાતને કારણે મૂર્છિત થઈ ગઈ. રાજાના પુત્રો શોકમાં ગરકાવ થઈ ગયા.
એ વખતે રાજાના ગુરુ એવા બ્રાહ્મણ પંડિત અને પુરોહિતે કહ્યુંઃ ‘આજે કે કાલે કન્યા કોઈને તો આપવાની જ છે. તો પછી બ્રાહ્મણ સિવાય બીજું ઉત્તમ પાત્ર ત્રણે લોકમાં અમે જોતા નથી. માટે મુનિને પુત્રી આપી દઈને તું સઘળી સંપત્તિનું રક્ષણ કર. એકના કારણે સર્વ સંપત્તિ વિનાશ પામે છે તો તે એકનો ત્યાગ કરી તું સૌની રક્ષા કર.’ આ સાંભળીને રાજાએ વારંવાર વિલાપ કર્યો. પછી પદ્માને શણગારીને પિપ્પલાદ મુનિને આપી દીધી, પણ મનોમન ખૂબ દુઃખી થયો. એટલે રાજકાજ છોડીને તપ કરવા વનમાં જતો રહ્યો. રાણીએ પતિ અને પુત્રીના શોકમાં પ્રાણ ત્યજી દીધા. આમ કન્યાને આપી દઈને અનરણ્ય રાજાએ આખા વંશની તથા સઘળી સંપત્તિની રક્ષા કરી, પણ એના મૂળમાં હતાંઃ પોતાનું તથા રાજ્યનું હિત અને શાપનો ભય!
અનરણ્ય રાજાએ પોતાના તથા રાજ્યના હિતની રક્ષા કરવા માટે અને શાપથી બચવા માટે પદ્માને પિપ્પલાદ સાથે પરણાવી દીધી, પણ માંધાતાએ શાપનો ડર હોવા છતાં પોતાની યુવાન કન્યાને વૃદ્ધ ઋષિ સાથે ન પરણાવવાનો નિશ્ચય કર્યો. વિષ્ણુપુરાણની કથા અનુસાર માંધાતા રાજાની પચાસ કન્યા હતી. સૌભરિ ઋષિએ એમાંથી એક પુત્રીનો હાથ માગ્યો. સૌભરિ વૃદ્ધ હતા. ઘડપણથી શિથિલ હતા. આવા ઋષિને કન્યા આપવાનું માંધાતાને મન ન થયું, પણ એ ઋષિના શાપથી ડરતા હતા. એટલે કન્યા આપવાની સીધેસીધી ના ન પાડી, પણ કહ્યુંઃ ‘અમારા કુળનો રિવાજ છે કે કન્યાએ પસંદ કરેલો જે કુળવાન વર હોય તેને અમારે કન્યા આપવી.’ સૌૈભરિ સમજદાર હતા. રાજાની ચાલ સમજી ગયા, પણ કંઈ ન બોલ્યા. પોતાની શક્તિઓથી તેમણે રૂપયૌવન પ્રાપ્ત કર્યું. પરિણામે માંધાતાની પચાસે કન્યા સૌભરિના પ્રેમમાં પડી. એટલે માંધાતાએ બધી કન્યાને સૌભરિ સાથે પરણાવી. (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.