પૌરાણિક પિતા પુત્રીને પ્રેમ કરતા, એની ચિંતા કરતા અને જરૂર પડ્યે એને ઠપકો પણ આપતા

0
990

(ગતાંકથી ચાલુ)
આ કથામાં બે બાબત ઊડીને આંખે વળગે છેઃ પિતા વૃષપર્વાના હિત માટે પુત્રી શર્મિષ્ઠાએ દાસી થવાનું સ્વીકાર્યું અને દીકરી દેવયાનીની દરેક હઠ સામે પિતા શુક્રાચાર્યે નમતું મૂક્યું હતું!
એ જ રીતે પ્રમુચ મુનિએ તેમની પુત્રી રેવતીની જીદ સામે નમતું મૂક્યું હતું. માર્કંડેય પુરાણ અનુસાર પ્રમુચ મુનિએ દુર્ગમ રાજા સાથે રેવતીનાં લગ્ન નક્કી કર્યાં. ત્યારે રેવતીએ કહ્યુંઃ આપને મારા પર પ્રીતિ હોય તો રેવતી નક્ષત્રમાં જ મારા વિવાહ કરો…. આ સાંભળીને પ્રમુચ મુનિ મૂંઝાયા, કારણ કે એ સમયે રેવતી નક્ષત્ર ચંદ્ર સાથે આકાશમાં ફરતું નહોતું. ઋતવાક ઋષિએ તેને શાપ આપીને પૃથ્વી પર ધકેલી દીધું હતું. એટલે મુનિએ કન્યાને કહ્યુંઃ ‘વિવાહ માટે અનેક શુભ નક્ષત્ર છે. તો પછી રેવતી નક્ષત્રનો આગ્રહ શા માટે?’ પણ રેવતી ન માની. તેણે જીદ પકડી. ‘ઋતવાકની જેમ આપ પણ તપસ્વી છો. તો આપના તપોબળથી રેવતી નક્ષત્રને પાછું આકાશમાં સ્થાપો અને તેના યોગમાં જ મારા વિવાહ કરો.’ એટલે પ્રમુચ મુનિએ પુત્રીને પ્રસન્ન કરવા તપના બળથી રેવતીને આકાશમાં પુનઃ સ્થાપિત કર્યું અને એના યોગમાં જ રેવતીને પરણાવી. આમ પ્રમુચ મુનિએ રેવતીની હઠ પૂરી કરી, પણ પછી કન્યાવિદાય વખતે તેમનું હૈયું ભરાઈ આવ્યું, કારણ કે રેવતી તેમને અત્યંત પ્રિય હતી.
કન્યાવિદાય વખતે મનુનું હૈયું પણ ભરાઈ આવ્યું હતું. શ્રીમદ્ ભાગવત પુરાણની કથા અનુસાર દેવહૂતિ લગ્ન પછી વિદાય લઈ રહી હતી ત્યારે મનુ અત્યંત વિહ્વળ થઈ ગયા. એ દેવહૂતિને ભેટી પડ્યા. એમનું ચિત્ત વ્યાકુળ થઈ ગયું. લાડકી પુત્રીનો વિરહ એ સહન ન કરી શક્યા. એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. પુત્રીના કેશને એ અશ્રુધારાથી ભીંજવવા લાગ્યા. એ જ રીતે ભીષ્મકે પણ પોતાની વહાલસોયી દીકરી રુક્મિણીને આંસુથી ભીંજવી દીધી હતી. રુક્મિણી લગ્ન પછી સાસરે જઈ રહી હતી ત્યારે ભીષ્મકે તેને છાતીએ વળગાડી દીધી. માતા સુભદ્રા પણ ઊંચા સ્વરમાં રડવા લાગીઃ માને છોડીને ક્યાં જાય છે? હું કઈ રીતે જીવી શકીશ? તું પણ મને છોડીને કઈ રીતે જીવીશ? આમ કહીને તેણે કન્યાને આંસુથી ભીંજવી દીધી. ભીષ્મક અને રુક્મિણી રડવા લાગ્યાં. રાજા સૃંજય અને તેમની કન્યાની પણ એવી જ હાલત હતી. સૃંજયની કન્યાનાં લગ્ન થયાં ત્યારે એમનું પિતૃહૃદય પોકે પોકે રડવા લાગ્યુંઃ ‘મારા ઘરને સૂનું કરીને તું ક્યાં જાય છે? તને ત્યાગીને હું ઘોર વનમાં જઈ રહ્યો છું, કારણ કે તારા વિના જીવિત જ હું મૃત થઈ ગયો છું. કન્યાવિદાયના આ તમામ પ્રસંગોમાં પિતાનો પુત્રી પ્રત્યેનો પ્રેમ જ વ્યક્ત થાય છે!
કન્યાવિદાય વખતે પિતાની આંખો છલકાય ને હૈયું ભરાઈ આવે એ તો જાણે સમજી શકાય, પરંતુ કન્યાના જન્મ પહેલાં જ પિતામાં પુત્રી પ્રત્યે સ્નેહનો સંચાર થયો હોય એવો કિસ્સો પણ પુરાણગ્રંથોમાં નોંધાયો છે. વિષ્ણુપુરાણની કથા પ્રમાણે, કાશીરાજની રાણી ગર્ભવતી હતી. ગર્ભમાં કન્યા હતી. એ કન્યા પ્રસવકાળ પૂરો થયા છતાં ગર્ભમાંથી બહાર ન નીકળી. બાર વર્ષ વીતી ગયાં. એટલે કાશીરાજે ગર્ભમાં રહેલી કન્યાને કહ્યુંઃ ‘હે પુત્રી, તું ગર્ભમાંથી બહાર કેમ નીકળતી નથી? હું તારું મુખડું જોવા ઉત્સુક છું. માટે તું બહાર આવ…’ કન્યાએ ગર્ભમાં રહીને જ જવાબ આપ્યો કે, જો તમે રોજ જુદા જુદા બ્રાહ્મણોને એક ગાયનું દાન કરો તો હવે પછીનાં ત્રણ વર્ષ પછી હું ગર્ભમાંથી બહાર નીકળીશ… આ સાંભળીને કાશીરાજે રોજ બ્રાહ્મણને ગાયનું દાન દેવાનું શરૂ કર્યું. ત્રણ વર્ષ પછી કન્યા જન્મી. એ કન્યાના કહેવાથી કાશીરાજે ગાયનું દાન કર્યું હોવાથી એનું નામ ગાંદિની રાખ્યું. એ ગાંદિની પણ રોજ એક ગાયનું દાન કરતી. એને જોઈને કાશીરાજની આંખો ઠરતી.
એ જ રીતે શ્રીમતીને જોઈને શીલનિધિ રાજાની આંખો ઠરતી. શિવ મહાપુરાણ અનુસાર શીલનિધિને પુત્રી શ્રીમતી પ્રાણથીયે વહાલી હતી. એને કેવો વર મળશે એની રાજાને સતત ચિંતા રહેતી. એક વાર નારદ મુનિ શીલનિધિના દરબારમાં ગયા. રાજાએ શ્રીમતીને તેડાવી. તેને નારદના ચરણમાં દંડવત્ પ્રણામ કરાવ્યા. પછી રાજાએ મુનિને કહ્યુંઃ ‘આ શ્રીમતી મારી પુત્રી છે. તમે એનું ભાગ્ય તથા સઘળું જન્મફળ કહો, તેમ જ એ કેવો વર પ્રાપ્ત કરશે એ કહો.’ શીલનિધિના આ કથનમાં પુત્રી શ્રીમતી માટેની ચિંતા વ્યક્ત થાય છે.
શીલનિધિની જેમ દિવોદાસને પણ દીકરીની ચિંતા થતી. પદ્મપુરાણ અનુસાર પ્લક્ષદ્વીપ ટાપુ પર રહેતા રાજા દિવોદાસને પ્યારી પુત્રી દિવ્યાદેવીની ચિંતા થયા કરતી. એ ઉંમરલાયક થઈ ત્યારે દિવોદાસે એના માટે યોગ્ય વર શોધ્યો, પણ લગ્ન પહેલાં જ વરનું મૃત્યુ થયું. એટલે દિવોદાસે તપસ્વી પુરોહિત જાતૃકર્ણને પ્રમાણ કરીને દીકરી દિવ્યાદેવીના વિધિના લેખ વિશે અને એનાં પાપ વિશે પૂછ્યું હતું.
દિવોદાસ દિવ્યાદેવીનાં પાપ વિશે બેખબર હતા, પણ મૃત્યુદેવ સુનીથાનાં પાપ અંગે જાણતા જ હતા. પદ્મપુરાણની કથા અનુસાર સુનીથા એના પિતા મૃત્યુદેવનું અનુસરણ કરતી. એ સુશંખ નામના ગંધર્વને મારતી રહેતી. અને બેધડક કહેતીઃ ‘મારા પિતા ત્રણે લોકમાં વસતા લોકોને માર્યા કરવાનો સ્વભાવ ધરાવે છે. એટલે હું પણ લોકોને મારતી ફરું છું…’ એટલે એક વાર સુશંખે સુનીથાને શાપ આપ્યો કે, તને દેવોની તથા બ્રાહ્મણોની નિંદા કરનાર પાપી પુત્ર થશે… આ જાણીને મૃત્યુદેવ અત્યંત દુઃખી થયા. અને દીકરીની ચિંતા કરવા લાગ્યા, હવે એનું શું થશે?
પૌરાણિક પિતા પુત્રીને પ્રેમ કરતા, એની ચિંતા કરતા અને જરૂર પડે તો એને ઠપકો પણ આપતા. પદ્મપુરાણ અને શ્રીમદ્ ભાગવત પુરાણ અનુસાર શર્યાતિ રાજાએ સુકન્યાને ઠપકો આપવો પડ્યો હતો. કથા એવી છે કે શર્યાતિએ સુકન્યાને વૃદ્ધ ચ્યવન ઋષિ સાથે પરણાવી હતી. અશ્વિનીકુમારોની કૃપાથી ચ્યવનને રૂપયૌવન પ્રાપ્ત થયું, પણ આ વાત શર્યાતિ જાણતા નહોતા. એટલે એક વાર એ ચ્યવન ઋષિના આશ્રમે ગયા અને ત્યાં વૃદ્ધ મુનિને બદલે નવયુવાન તેજસ્વી પુરુષને જોઈને ચોંકી ઊઠ્યા. સુકન્યાએ શર્યાતિનાં ચરણોમાં વંદન કર્યાં. ત્યારે પુત્રીને આશીર્વાદ આપવાને બદલે શર્યાતિએ ઘાંટો પાડ્યોઃ ‘હે પુત્રી, તેં આ શું કરવા ધાર્યું છે? લોકો જેને નમે છે એવા તારા વૃદ્ધ પતિ ચ્યવનને તેં ઠગ્યા છે. તેમનો ત્યાગ કરી આ જાર પુરુષને સેવી રહી છે? તને આવી કુબુદ્ધિ કેવી રીતે સૂઝી? તેં કુળને કલંક લગાડ્યું છે. આ રીતે તું નિર્લજ્જ બનીને પરપુરુષને સેવે છે તેથી પિતાના અને પતિના કુળને નીચું પાડ્યું છે.’ સાંભળીને સુકન્યા મંદ મંદ હસી. બોલીઃ ‘આ નવયુવાન આપના જમાઈ ચ્યવન ઋષિ જ છે!’ શર્યાતિ તો એકદમ ખુશ થઈ ગયા. એ સુકન્યાને ભેટી પડ્યા અને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.