પૌરાણિક ગ્રંથોમાં સ્ત્રીના અવયવોની સરખામણી પશુ-પક્ષી સાથે કરાઈ છે

0
1428

(ગતાંકથી ચાલુ)
સૌંદર્યઃ
સુશ્રોણી સુસ્તની શ્યામા ન્યગ્રોધપરિમંડલા ૤
શ્વેત ચંપકવર્ણાના બિમ્બોષ્ઠી મૃગલરોચના ૤૤
બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધાની સખી સુશીલાના સૌંદર્યનું આ શબ્દોમાં વર્ણન કરાયું છેઃ એ ઉત્તમ નિતંબવાળી, સુંદર પયોધરવાળી, શ્યામા – ઋતુને અનુરૂપ સુખ દેનારી, કઠોર વક્ષવાળી, સ્થૂળ સાથળવાળી તથા પાતળી કમરવાળી, શ્વેત ચંપાસમાન રૂપરંગવાળી, બિમ્બ ફળસમા હોઠવાળી અને મૃગ જેવા નયનવાળી હતી!
પૌરાણિક ગ્રંથોમાં સ્ત્રીસૌંદર્યનું આ પ્રકારનું વર્ણન ઠેકઠેકાણે જોવા મળે છે. સ્ત્રીના અવયવોની સરખામણી પશુ-પક્ષી સાથે કરવામાં આવી છે. સ્ત્રીનાં અંગોને ફળફૂલની ઉપમા આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે બ્રહ્મવૈવર્ત પુરાણમાં નિરુપાયેલું રાધાનું સૌંદર્ય જોઈએઃ એ સુંદરીઓમાં પણ સુંદરી હતી. વિશાળ નિતંબના ભારથી થાકેલી સ્થૂળ જંઘા તથા વક્ષથી શોભતી. તેના હોઠ બપોરિયાના પુષ્પ જેવા લાલ અને સુંદર હતા. મોતીઓની પંકિતની જેમ અત્યંત મનોહર દાંતોની પંકિત હતી. શરદકાલીન ચંદ્રની શોભાને ઝાંખી પાડે એવું મુખડું હતું. સીમંતનો ભાગ મનમોહક હતો. શારદીય સુંદર કમળ જેવાં નેત્ર હતાં. તેની મનોહર નાસિકા સામે પક્ષીરાજ ગરુડની ચાંચ પરાજિત થઈ ચૂકી હતી. રત્નોનાં આભૂષણોથી વિભૂષિત તેના બન્ને કાન સુંદર લાગતા હતા. તેની ચાલ હંસના ગર્વને ચૂર ચૂર કરનારી હતી.
રાધાની જેમ અન્ય પૌરાણિક કન્યાઓના સૌંદર્યનું વર્ણન પણ પુરાણોમાં જોવા મળે છે. પદ્મપુરાણમાં ઇલાના સૌંદર્યનું વર્ણન કરતાં કહ્યું છે કે, તેના વક્ષ પુષ્ટ, ઊંચાં તથા ઘટ્ટ હતાં. તેની કેડનો ભાગ તથા જાંઘ પણ ઊંચાં હતાં. તેનાં નેત્ર કમળની પાંખડી જેવાં વિસ્તૃત હતાં. મુખ પૂર્ણ ચંદ્ર જેવું હતું. શરીરે તે પાતળી હતી. આંખો કાળી હતી. બેય ભુજા પુષ્ટ, ઊંચી તથા લાંબી હતી. વાળ કાળા અને વાંકડિયા હતા. રુવાંટાં સૂક્ષ્મ હતાં. એ સોળ વર્ષની હતી. ગૌર વર્ણની. નખ પાતળા તથા તાંબા જેવા લાલ હતા. હંસ જેવા લાલ ચરણ હતા અને હંસની જેમ જ એ ચાલતી હતી. એ જ રીતે રબારીની કન્યા ગાયત્રી સૌંદર્યવાન હતી. એ સુંદર નાકવાળી તથા સુંદર નેત્રોવાળી હતી. બધાં અંગોમાં કાંતિને ધારણ કરતી. માથાના વાળ, ગાલ, નેત્રો તથા નીચલા હોઠમાં કાળાં વાદળાં, સોનેરી કમળ તથા પરવાળાંની શોભા ધારણ કરતી. કામદેવના આસોપાલવ વૃક્ષની કોઈ એક કળી પ્રકટી હોય એવી તે જણાતી હતી. માથાના વાળ વાંકડિયા હતા. બન્ને નેત્રના છેડા કાન સુધી લંબાયેલા હતા. તપેલા સોના જેવી તેની કાંતિ હતી.
ગાયત્રીની જેમ ક્ષેમંકરી પણ સાક્ષાત્ સૌંદર્યની મૂર્તિ હતી. સર્વાંગે સુંદર અને ચંદ્ર જેવી મનોહર. પાકાં ઘિલોડાં જેવા હોઠ. વક્ષ ભરાવદાર, કઠિન અને સુંદર. બન્ને બાહુ મૃણાલ – કમળની દાંડી જેવા કોમળ. નેત્રો સુંદર કીકીઓવાળાં. નાભિ ઊંડી અને ગોળ હોવા ઉપરાંત ત્રણ કચરલીથી યુકત. પેટ સુંદર, જાંઘો વિશાળ અને કેડનો પાછલો ભાગ ઉત્તમ. ચાલ ધીમી. સાથળો કેળના ગર્ભ જેવી સુંવાળી. ચરણો ઉત્તમ કાંતિથી યુકત. એ જ રીતે શુક્રાચાર્યની સોળ વર્ષની કન્યા અરજા પણ સુંદર હતી. તેનું મુખ ચંદ્ર જેવું હતું. તે પાતળી અને વિશાળ કેડવાળી હતી.
એ જ રીતે અશોકસુંદરીનું સૌંદર્ય – નિરૂપણ આ શબ્દોમાં કરાયું છે
તેનાં નેત્ર કમળની પાંખડી જેવાં વિશાળ હતાં. મુખ તથા હાથ પણ કમળ જેવા. એથી સોનાની મૂર્તિ જેવી જણાતી. તેના કેશ અતિશય લાંબા, ચમકતા, નિર્મળ પ્રભાવાળા, લીસા, વાંકડિયા તેમ જ ઝીણા અને પુષ્પોની વેણીથી ઢંકાયેલા હતા. સેંથામાં વૃક્ષોની પંકિત જેવી મોતીઓની માલતી હતી. સેંથાના મૂળમાં કરેલું ચંદ્ર જેવા તિલકનું તેજ તેના રૂપને પ્રકાશિત કરતું. મુખ ચંદ્ર જેવું શોભાયમાન. નાસિકા સુંદર ભ્રૂકુટિથી યુકત. કાન રત્નોથી શણગારેલા. ગાલ સોના જેવી કાંતિવાળા. ડોક પર ત્રણ રેખા. તે રેખા સૂચવતી કે સૌભાગ્ય, શીલ તથા શૃંગારરસ એ ત્રણે અહીં જ રહેલાં છે અને તે દ્વારા જ આ ત્રણ રેખા અહીં કરાયેલી છે. તેના વક્ષ પુષ્ટ તથા ગોળ હતા. જાણે કે કામદેવરૂપી રાજાને ત્યાં રાજ્યાભિષેક કરવા માટે બે કળશ તૈયાર કર્યા હોય. સ્ત્રીના બેય ખભા એકસરખા અને ભરાવદાર હતા. ભુજાઓ ગોળ, સુંવાળી તથા શ્રેષ્ઠ લક્ષણોથી યુકત હતી. બન્ને હાથરૂપી કમળ એકસરખાં, કમળ જેવાં રંગવાળાં, દિવ્ય લક્ષણોથી યુકત તથા કમળ અને સાથિયાની નિશાનીવાળા હતા. આંગળીઓ સીધી. નખ તીક્ષ્ણ અને પાણીનાં ટીપાં જેવાં શોભતાં. શરીરનો રંગ કમળના અંદરના ભાગ જેવો. એથી એના આખાયે શરીરમાં કમળની સુગંધ જેવી સુવાસ ફોરતી. લક્ષ્મીજી જેવી ભાસતી. તેના પગનો આગલો ભાગ રત્નની જ્યોત જેવા આકારનો હતો. બન્ને ચરણ લાલ કમળ જેવા સુંવાળા હતા.
અશોકસુંદરીની જેમ પુષ્પવંતીનાં ચરણ પણ લાલ કમળ જેવાં સુંવાળાં હતાં. તે રૂપનો ખજાનો હતી. તેના બેય બાહુઓને દેવે જાણે કે પોતાના કંઠના બે પાશ કર્યા હોય એમ લાગતું. લાલ છેડાવાળાં તે કન્યાનાં બે નેત્ર જાણે કે મદથી ઘેરાઈ ગયાં હોય એમ ચકળવકળ થતાં. તેની ડોક શંખ જેવી અને દિવ્ય અલંકારોથી શણગારેલી હતી. તેનાં વક્ષ સોનાના બે કળશની જેમ શોભી રહ્યાં હતાં. તેની કેડ મૂઠીમાં પકડાઈ જાય એવી પાતળી હતી. પણ એના નિતંબ ખૂબ મોટા હતા. મંજુઘોષા ચૈત્રરથ નામના કુબેરના બગીચામાં પુષ્પો તથા ચંદન વડે સેવાઈને શોભી રહી હતી. કામદેવે તેની બેય ભમ્મરોને પોતાના ધનુષની અણીરૂપ કરી હતી. તેના કટાક્ષને પોતાના ધનુષની દોરી કરી હતી. તેમ જ એનાં પાંપણોથી યુકત બેય નેત્રને પોતાનાં બે બાણ બનાવ્યાં હતાં. તેના વક્ષને પોતાના વસવાટ માટે પટકુરી તંબૂ બનાવ્યા. એ જ રીતે ચંદ્રકલા પોતાના મુખની સુંદરતાથી પૂર્ણિમાના ચંદ્રને શરમાવતી. બન્ને કાનમાં ધારણ કરેલાં સોનાનાં કુંડળોથી ગગનમંડળને શોભાવતી. લાંબા ચોટલાથી તેના નિતંબ ઢંકાઈ ગયા. સુવર્ણ જેવા કમળની કળીઓસમા સુંદર, પુષ્ટ અને ઉન્નત તેનાં બે પયોધર હતાં. સિંહ જેવી પાતળી કેડ હતી. વસંતમાં કોયલના ટહુકાર જેવો તેનો સ્વર હતો.

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.