પૌરાણિક કાળમાં પુત્રી રતન હોય એવું એનું જતન કરાતું

0
1135

(ગતાંકથી ચાલુ)
માર્કંડેય પુરાણમાં મહર્ષિ મૃકંડે પુત્રપ્રાપ્તિ માટે તપ કર્યું હતું. બ્રહ્મવૈવર્ત પુરાણમાં કશ્યપ મુનિએ મનુના પુત્ર પ્રિયવ્રત અને પુત્રવધૂ માલિની માટે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો. વરાહ મહાપુરાણમાં સુપ્રતીક નામના રાજાએ આત્રેય મુનિની સ્તુતિ કરીને પુત્રનું વરદાન મેળવ્યું હતું. અગસ્ત્ય મુનિએ દેવના દીધેલ દીકરા મેળવવા માટેના પુત્રપ્રાપ્તિ વ્રતનું વર્ણન કર્યું હતું. વસુકર્ણ અને તેની પત્ની સુશીલાએ શિવજીનું સ્નાન, ધૂપ, દીપ અને નૈવેદ્યથી પૂજન કરીને ગોકર્ણ નામનો પુત્ર પ્રાપ્ત કર્યો હતો. ગોકર્ણે પુત્રપ્રાપ્તિ માટે દેવોનું પૂજન કરીને વાવ, કૂવા અને તળાવ ખોદાવ્યાં. દેવમંદિરો બંધાવ્યાં. પરબ બેસાડી. અન્નક્ષેત્ર ખોલ્યાં. વૃક્ષો વાવ્યાં ને કૂવાઓમાં રહેંટ મૂક્યા. સ્કંદ મહાપુરાણમાં ધર્મસખ રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો. ઉલ્કામુખ રાજા અને રાણી ભદ્રશીલાએ પુત્રપ્રાપ્તિ માટે સમુદ્ર તીરે જઈને સત્યનારાયણનું વ્રત કર્યું હતું. વામન પુરાણમાં નૈષધ દેશના વપુષ્માન નામના રાજા અને રાણીએ પુત્ર મેળવવા માટે મંદાકિની નદીને કાંઠે તપ કર્યું હતું. અદિતિએ નક્ષત્રાંગ જનાર્દન ભગવાનની પૂજા કરીને પુત્ર પ્રાપ્ત કર્યો હતો. વિશ્વકર્મા મહાપુરાણમાં અંગ રાજાએ પુત્ર માટે યજ્ઞ કર્યો હતો. દેવી ભાગવત પુરાણમાં પુત્રપ્રાપ્તિ માટે વ્યાસે મેરુ પર્વત પર તપ કર્યું હતું.

ગણેશ પુરાણમાં રાજા ચક્રપાણિ અને રાણી ઉગ્રાએ સૂર્યદેવની ઉપાસના કરીને સિન્ધુ નામનો પુત્ર પ્રાપ્ત કર્યો હતો. શતરૂપાએ પુણ્યક વ્રત કરીને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના પુત્ર પ્રાપ્ત કર્યા હતા. પુણ્યક વ્રતથી જ દેવહૂતિએ કપિલ મુનિ, અરુંધતીએ શક્તિ અને શક્તિની પત્નીએ પરાશરને જન્મ આપ્યો હતો. અદિતિએ વામન અને ઇન્દ્રાણીએ જયંતને જન્મ દીધો હતો. આ વ્રત કરવાને કારણે જ ઉત્તાનપાદની રાણી સુનીતિએ ધ્રુવને અને કુબેરની પત્નીએ નલકુબેરને ઉત્પન્ન કર્યા હતા. સૂર્યપત્ની સંજ્ઞાએ સાવર્ણિ મનુ અને અત્રિનાં પત્ની અનસૂયાએ ચંદ્રને પ્રાપ્ત કર્યા હતા. અંગિરાની પત્નીએ બૃહસ્પતિ અને ભૃગુની પત્નીએ શુક્રાચાર્યને પ્રાપ્ત કર્યા હતા. આવો આ પુણ્યક વ્રતનો પ્રભાવ હતો!

ક્યારેક વ્રત, જપતપ ને યજ્ઞ નિષ્ફળ જતાં. એવા સંજોગોમાં રાજા પુત્રપ્રાપ્તિ માટે પોતાની રાણીને ઋષિમુનિ પાસે મોકલતા. વિષ્ણુ પુરાણમાં નિઃસંતાન રથીતરના કહેવાથી અંગિરા મુનિએ તેની પત્નીમાં પુત્ર ઉત્પન્ન કર્યો હતો. એ જ રીતે મિત્રસહ રાજાની રાણી મદયંતીમાં વસિષ્ઠ મુનિએ ગર્ભ સ્થાપીને પુત્ર ઉત્પન્ન કર્યો હતો. અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં દ્રુમિલે પુત્રપ્રાપ્તિ માટે પોતાની પત્ની કલાવતીને કશ્યપ મુનિ પાસે મોકલી હતી.

એક પતિ પોતાની પત્નીને પરપુરુષ પાસે મોકલે, એ સંબંધથી પુત્ર થાય અને એ પુત્રનું મહત્ત્વ પંડની કન્યા કરતાં વધી જાય…. પૌરાણિક ગ્રંથોની આ કરુણ વાસ્તવિકતા છે!
કન્યા પ્રત્યે સ્નેહઃ
દીકરી દીકરી દિવાળી સોનાની કાંચળી સીવડાવી… અર્થાત્ દીકરીને લાડ લડાવવા ને સોનાનાં વસ્ત્રો પહેરાવવાં!
પૌરાણિક કાળમાં આ કહેવત જોવા મળતી નથી, પણ કન્યાને લાડ જરૂર લડાવવામાં આવતાં. તેના કોડ પૂરા કરવામાં આવતા. માતાપિતા માટે દીકરી ઠીકરી નહોતી. કાળજાનો કટકો હતી. પુત્રી પારકું ધન હતી, પણ સાપનો ભારો નહોતી. રતન હોય એવું એનું જતન કરાતું. માતા કન્યાને અઢળક પ્રેમ કરતી, પણ પુત્રી સાથેનું પિતાનું પ્રેમબંધન વિશિષ્ટ પ્રકારનું હતું. પિતાના પુત્રી પ્રત્યેના સ્નેહનું ઝરણું નિરંતર ખળખળ કરતું વહેતું રહેતું. બસ વહેતું જ રહેતું…
બ્રહ્મપુરાણના મહાબલિ રાજા મહારાજ આવા જ એક પિતા હતા. તેમનું પુત્રી પ્રત્યેના સ્નેહનું સરોવર સતત છલકતું. તેમને સંતાનમાં એકમાત્ર પુત્રી હતી. રાજા માટે એ કન્યા પુત્રસમાન હતી, પણ કન્યાની આંખો નષ્ટ થઈ ગઈ હતી એનું રાજાને મોટું દુઃખ હતું. કન્યા યુવાન થઈ ત્યારે રાજાને એના ભાવિ વિશે ચિંતા થઈ. આખરે તેમણે સંકલ્પ કર્યો કે દેવતા, દાનવ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ગુણવાન કે નિર્ગુણ – કોઈ પણ કેમ ન હોય, હું કન્યા તેને જ દઈશ જે તેની આંખો સારી કરશે, અને મારા સંપૂર્ણ રાજ્ય સાથે જ કન્યાનું દાન કરીશ. ઘણા લોકોએ રાજકન્યાની આંખોનો ઇલાજ કરવાનો પ્રયત્ન કર્યો. અંતે વૈશ્યમણિ નામના વૈશ્યે પ્રયાસ કર્યો. અને રાજકુમારીની આંખો સારી થઈ ગઈ. મહારાજ ખુશીના માર્યા ભાવવિભોર થઈ ગયા. તેમણે સંકલ્પનું પાલન કર્યું અને વૈશ્યમણિને રાજ્ય સહિત કન્યાનું દાન કર્યું. લાડકી દીકરીના સુખ માટે મહારાજે રાજ્ય સહિત કન્યાદાન કર્યું એમાં એમનો પુત્રીપ્રેમ જ ઝળકે છે!

એ જ રીતે પદ્મપુરાણના ત્વષ્ટાએ દીકરી સંજ્ઞાના સુખ માટે જમાઈ સૂર્યદેવનું તેજ ઓછું કર્યું હતું. બન્યું એવું કે એક વાર સંજ્ઞા ઘર છોડીને ચાલી ગઈ એટલે તેની શોધમાં સૂર્યદેવ સંજ્ઞાના પિતા ત્વષ્ટાને ઘેર ગયા. ત્વષ્ટાએ જમાઈનો આદરસત્કાર કર્યો, પછી કહ્યુંઃ‘સંજ્ઞા તમારા તેજને સહન કરી શકતી નથી. એટલે ઘર છોડીને અહીં મારી પાસે આવી હતી, પણ મેં તેને તમારી પાસે પાછી જવા સમજાવી. એટલે એ મારવાડ તરફ ગઈ છે અને ઘોડીનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર ભ્રમણ કરી રહી છે. જો તમે આજ્ઞા કરો તો તમારું જે ઉગ્ર તેજ છે તેને યંત્ર-સરાણ પર ચડાવીને હું દૂર કરી દઈશ. એથી તમારું રૂપ આનંદ ઊપજાવે તેવું થઈ શકશે. સૂર્યદેવે હા પાડી. એટલે ત્વષ્ટાએ વિષ્ણુના ચક્રનો સરાણ તરીકે ઉપયોગ કર્યો. સૂર્યના મંડળને સરાણ પર ચડાવ્યું અને વધુ પડતા તેજને ઘર્ષણથી દૂર કરી દીધું. પરિણામે સૂર્ય અને સંજ્ઞાનું પુનઃ મિલન થયું.
સૂર્ય અને સંજ્ઞાનો ફરી એક વાર મેળાપ થયો, પણ સુદેવા અને શિવશર્માએ વિરહ વેઠવો પડ્યો હતો. સુદેવા કલિંગ દેશના શ્રીપુર નામના નગરમાં રહેતા બ્રાહ્મણ વસુદત્તની દીકરી હતી. વસુદત્તને એ અત્યંત પ્રિય હતી. સુદેવા ઉંમરલાયક થઈ ત્યારે ઘણા યુવકો તેનો હાથ માગવા આવતા, પણ પુત્રીપ્રેમમાં અંધ થઈ ગયેલા વસુદત્તે સુદેવાને પરણાવી જ નહિ. એટલે સુદેવાની માતાએ દુઃખી હૈયે વસુદત્તને સમજાવ્યુંઃ ‘આપણી દીકરી યૌવનમાં ડગ માંડી ચૂકી છે. એને પરણાવો…’ વસુદત્તે કહ્યુંઃ ‘સુદેવા સુંદર વર્ણવાળી છે. તેથી હું તેના ઉપર મોહ પામ્યો છું. જે મારા ઘરમાં ઘરજમાઈ રહેવા તૈયાર હોય તેવા બ્રાહ્મણને જ હું કન્યા આપીશ.’

એવા બ્રાહ્મણની શોધખોળ ચાલી. આખરે શિવશર્મા નામનો બ્રાહ્મણ ઘરજમાઈ બનવા તૈયાર થયો. સુદેવા અને શિવશર્માનાં લગ્ન થયાં, પણ સુદેવા લાડ-કોડમાં ઊછરેલી. મોઢે ચડાવેલી હતી એટલે એનો સંસાર લાંબો ન ચાલ્યો. એનાં કુલક્ષણોને કારણે શિવશર્મા ઘર છોડીને ચાલ્યો ગયો. વસુદત્ત પર ચિંતાનો પહાડ તૂટી પડ્યો. એ સુદેવાના દુઃખે દુઃખી થયો. રોગથી ઘેરાઈ ગયો. ત્યારે સુદેવાની માતાએ કહ્યુંઃ ‘તમારા જ મોહ તથા સ્નેહને લીધે પુત્રી બગડી છે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી જ તેને લાડ લડાવવાં જોઈએ. માતાએ કન્યાને મારવી જોઈએ. તો જ તે સુધરે. તમે લાડ લડાવી લડાવીને પુત્રીને બગાડી છે. શિવશર્મા સાથે પરણાવીને પણ ઘરમાં જ રાખી અને નિરંકુશ કરી મૂકી. કન્યાને આઠ વર્ષની ઉંમર સુધી ઘરમાં રાખવી, પણ પરણાવી દીધા પછી તો તે કન્યાને ક્યારેય ઘરમાં ન રાખવી જોઈએ. વસુદત્ત મૂંગે મોઢે સાંભળી રહ્યો. એ શું બોલે? ભૂલ એણે કરી હતી, પણ ભૂલનો ભોગ લાડકી દીકરી બની હતી! (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.