પૌરાણિક કાળમાં કન્યાજન્મની કામના કરનારા પણ હતા

0
942

(ગતાંકથી ચાલુ)
પૌરાણિક પુત્રીના વિવિધ સંસ્કાર કરવાની સાથે જ તેની ઉંમર પ્રમાણે તેને જુદાં જુદાં નામે સંબોધવામાં આવતી. વિષ્ણુપુરાણ ધર્મશાસ્ત્રને ટાંકીને આઠ વર્ષની ગૌરી, નવ વર્ષની રોહિણી, દસ વર્ષની કન્યા અને તેનાથી મોટી ઉંમરની બાલિકાને રજસ્વલા કહે છે. ભવિષ્ય પુરાણમાં આઠ વર્ષની ગૌરી, નવ વર્ષની રોહિણી, દસ વર્ષની કન્યા અને બાર વર્ષની પ્રૌઢા કે રજસ્વલા કહેવાય છે. વરાહ મહાપુરાણમાં એકવાસા અર્થાત્ કેવળ દિશાઓરૂપી વસ્ત્રવાળી સાત વર્ષની ઉંમર સુધીની બાળા, આઠ વર્ષની ઉંમરની ગૌરી, નવ વર્ષની રોહિણી, દસ વર્ષની કન્યા, સોળ વર્ષની વય સુધીની બાળા કે શ્યામા, બત્રીસ વર્ષની ઉંમર સુધીની યુવતી, પચાસ વર્ષની વય સુધીની પ્રૌઢા તથા તે પછીની ઉંમરની વૃદ્ધા કહેવાય છે.

દેવી ભાગવત પુરાણમાં પણ જુદા જુદા વયની કન્યા માટે જુદી જુદી સંજ્ઞા પ્રયોજાતી. લજ્જાવતીએ નોંધ્યું છે કે, ‘બે વર્ષની કુમારી, ત્રણ વર્ષની ત્રિમૂર્તિ, ચાર વર્ષની કલ્યાણી, પાંચ વર્ષની રોહિણી, છ વર્ષની કલિકા, સાત વર્ષની ચંડિકા, આઠ વર્ષની શાંભવી, નવ વર્ષની દુર્ગા તથા દસ વર્ષની સુભદ્રા તરીકે ઓળખાતી. આ કન્યાઓને પૂજવાથી મનુષ્યને ધન, વિજય, સંતાન, ઐશ્વર્ય અને પરલોકમાં સુખ પ્રાપ્ત થતું. અગ્નિ પુરાણમાં કહ્યું છે કે, આવી કુંવારી કન્યા સામેથી પાણી ભરેલું બેડું લઈને આવતી મળે તો ઉત્તમ શુકન થાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણની નોંધ પ્રમાણે, રત્નોનાં આભૂષણોથી શોભતી આઠ વર્ષની કન્યા સ્વપ્નમાં જેના પર પ્રસન્ન થાય છે તે કવિ અને પંડિત થાય છે. સ્વપ્નમાં તે જેને પુસ્તક પ્રદાન કરે તે વિખ્યાત કવિરાજ અને પંડિત થાય છે.

આ પ્રકારે કન્યા બીજાની કિસ્મત ચમકાવી શકતી, પણ તેનું પોતાનું નસીબ ગ્રહો, નક્ષત્રો અને રાશિને આધીન હતું. એ વિશે ગરુડ મહાપુરાણમાં નોંધ્યું છે કે, ‘જો કન્યા મેષ લગ્નમાં જન્મે તો તે વાંઝણી થાય છે. વૃષભ લગ્નમાં જે કન્યા જન્મે તે વધુ પ્રમાણમાં કામવાસનાયુકત થાય છે. મિથુન લગ્નમાં જન્મે તે સુભગા એટલે કે સારા ભાગ્યવાળી થાય છે. કર્ક લગ્નમાં જન્મે તે કન્યા ભવિષ્યમાં વેશ્યા થાય છે. સિંહ લગ્નમાં જન્મે તે ભવિષ્યમાં થોડા પુત્રોવાળી થાય છે. કન્યા લગ્નમાં જન્મે તે રૂપસંપન્ન થાય છે. તુલા લગ્નમાં જન્મે તે કન્યા રૂપ તથા ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે. વૃશ્ચિક લગ્નમાં જન્મે તે કન્યા કર્કશા કે તીવ્ર સ્વભાવની થાય છે. ધન લગ્નમાં જન્મે તે કન્યાને ભવિષ્યમાં સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. મકર લગ્નમાં જન્મે તે નીચ કુળમાં જાય છે. કુંભ લગ્નમાં જન્મે તે ભવિષ્યમાં થોડાં સંતાનોવાળી થાય છે અને મીન લગ્નમાં જન્મે તે કન્યા વૈરાગ્યથી યુકત થાય છે.
પૌરાણિક કન્યાના આ પ્રકારના અનિશ્ચિત ભાવિને પગલે પુત્રી પ્રત્યે પ્રેમ હોવા છતાં લોકો પોતાને દીકરી ન થાય તે માટે પ્રાર્થના કરતા. આ સંદર્ભમાં ડો. શંકરસિંહ ઝાલાએ ‘પુરાણકાલીન સમાજ’માં નોંધ્યું છે કે, ‘એ કાળમાં તમામ પિતૃસત્તાક પરિવારોમાં કન્યાનો જન્મ અપ્રસન્નતાનો વિષય હતો. કન્યા અસંખ્ય દુઃખોનું કારણ ગણાતી. આ દષ્ટિકોણ પાછળ કંઈ કન્યા પ્રત્યે ઘૃણા નહોતી, પણ તેને જીવનમાં સુખી જોવાની ઇચ્છા હતી. કન્યા માટે યોગ્ય પતિ શોધવાની ચિંતાને કારણે જ પુત્રીનો જન્મ આનંદની ઘટના ન ગણાતી.’

પુરાણગ્રંથોમાં આ કથનનો પડઘો પડતો દેખાય છે. બ્રહ્મપુરાણમાં મહર્ષિ ભરદ્વાજને પોતાની કુરૂપા બહેન રેવતીને પરણાવવાની ચિંતા કોરી ખાતી હતી. એ ગંગાજીના તટે બેસીને નિસાસા નાખતા કે, આવી કદરૂપી બહેનના વિવાહ કોની સાથથ કરું? કોઈ તેને સ્વીકારતું નથી. અહો, કોઈને કન્યા ન થાય. કન્યા કેવળ દુઃખ દેનારી હોય છે. જેને કન્યા હોય તેનું જીવતેજીવ ડગલે ને પગલે મૃત્યુ થાય છે. પદ્મપુરાણમાં પણ કહ્યું છે કે, ઉંમરલાયક કન્યાને કેવો વર મળશે એવી ચિંતાઓથી ઘેરાઈ રહેતા લોકો સુખી થતા નથી. સ્કંદ મહાપુરાણમાં મેના કહે છે કે, કન્યા તો સ્ત્રીઓને શોખમાં ડુબાડનારી હોય છે. એ જ રીતે મત્સ્ય મહાપુરાણમાં હિમાલય કહે છે કે, અતિશય પુણ્ય આપનારી પુત્રીનો જન્મ લોકો ઇચ્છતા નથી. કારણ કે એને યોગ્ય સ્થળે વરાવવામાં ઘણી મુશ્કેલી પડે છે.

કન્યાને યોગ્ય સ્થળે પરણાવવા ઉપરાંત તે અવળે રસ્તે ન ચડી જાય એની ચિંતા પણ્ણરહેતી. કયારેક કન્યા ખોટે રસ્તે ચડી પણ જતી. આવી ખરાબ કન્યાનો ત્યાગ કરવાની સલાહ ગરુડ મહાપુરાણમાં આપવાાં આવી છે. એટલું જ નહિ, જે માત્ર કન્યાઓને જ જન્મ આપતી હોય તેવી કન્યાપ્રજા સ્ત્રીઓનો પણ અગિયારમાં વર્ષે ત્યાગ કરવાનું સૂચન કરાયું છે.
આ પ્રકારના સૂચનને પગલે જ કદાચ પૌરાણિક સ્ત્રીઓ ગર્ભમાં જ કન્યા ભ્રુણ હત્યા કરવા કે પછી ગર્ભમાંની પુત્રીને પુત્રમાં ફેરવવા માટે ઔષધિના અખતરા કરતી. પદ્મપુરાણમાં આ સંદર્ભમાં એક કથા જોવા મળે છે. એ મુજબ, એક બ્રાહ્મણ ધનના લોભથી સ્ત્રીઓને ગર્ભ રહે તેવું અને ગર્ભપાત માટેનું ઔષધ પણ આપતો. એક વાર કોઈ ગર્ભવતી સ્ત્રીએ પૂછ્યું કે, મને પુત્ર થશે કે પુત્રી? બ્રાહ્મણે કહ્યુંઃ નને કન્યા થશે. એટલે એ સ્ત્રી કહેવા લાગી કે, મને છ પુત્રી છે. અને તમે કહો છો કે તને સાતમી પુત્રી થશે. તો એ સાતમી દીકરી જીવે નહિ એું તમે કરો. મારા પ્રાણનો નાશ કરનારી કન્યાને હું જન્મ નહિ આપું. એથી બ્રાહ્મણે કહ્યું, હું તને પુત્ર થાય એવું ઔષધ પ્રસૂતિ સમયે આપીશ. એટલે પેલી સ્ત્રીએ બ્રાહ્ળને ચાર તોલા સોનું આપ્યું. અને ઘેર ગઈ. બ્રાહ્મણ ચિંતિત થઈ ગયો. એને કાંઈ પુત્રીને પુત્રમાં ફેરવવાનો કરતબ આવડતો નહોતો. એટલે ચાર તોલા સોનાની લાલચમાં તેણે પેલી સ્ત્રીને ગર્ભપાત કરનારું ઔષધ આપ્યું. પરિણામે પેલી સ્ત્રીને ત્રીજે મહિને જ ગર્ભપાત થઈ ગયો. એ સ્ત્રીના ગર્ભમાં પુત્રી હતી કે નહિ એ તો ખબર નથી, પણ એને સાતમી દીકરી જોઈતી નહોતી એ સ્પષ્ટ છે. એટલે જ એ કન્યા ભ્રુણહત્યા કરવા તૈયાર થઈ હતી!

પૌરાણિક કાળમાં કન્યા ભ્રુણહત્યા કરનારાઓની સાથે જ કન્યા જન્મની કામના કરનારાઓ પણ હતા. એટલે જ કન્યા જન્મ કયારે થાય છે તેની વિગતો જોવા મળે છે. શ્રીમદ્ ભાગવત પુરાણ મુજબ પુરુષનું વીર્ય અધિક હોય તો પુત્ર થાય છે અને સ્ત્રીરજ અધિક હોય તો પુત્રી થાય છે. કર્દમ ઋષિએ દેવહૂતિ સાથે ક્રીડા કરી હતી પણ આસકિત રાખી નહોતી એટલે જ દેવહૂતિને પ્રથમ સંતાન પુત્રી થઈ. અગ્નિપુરાણ મુજબ ગર્ભમાંનું બાળક પુત્ર છે કે પુત્રી તેનો નિર્ણય થઈ શકે છે. પ્રશ્ન કરનારી વ્યકિતના પ્રશ્ન વાકયમાં જે જે અક્ષરોનું ઉચ્ચારણ થાય છે તે સર્વ મળીને વિષમ સંખ્યા થાય તો તે ગર્ભમાં પુત્રની ઉત્પત્તિ સૂચવે છે જો સમ સંખ્યા વધારે રહે તો કન્યા જન્મે છે. ગરુડ મહાપુરાણ અનુસાર સ્ત્રીના અંગૂઠાના મૂળમાં મોટી રેખાઓ હોય તો પુત્ર પ્રસવે છે પણ એ જ રેખાઓ ક્ષીણ થઈ ગઈ હોય તો પુત્રીઓ થાય છે. અને હરિવંશ મહાપુરાણ કહે છે કે કમંડળનું દાન કરવાથી પુત્ર જન્મે છે. અને બ્રાહ્મણીઓની ઇચ્છા પૂરી કરનાર દ્રવ્યનું દાન દેવાથી પુત્રી પ્રપ્ત થાય છે. (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.