પૌરાણિક કન્યાને આભૂષણો પ્રિય હતાંઃ વિવિધ પ્રકાર અલંકારોથી અંગ અંગ સજાવતી

0
1183

(ગતાંકથી ચાલુ)
વસ્ત્રાભૂષણઃ
રત્નકુંડલગણ્ઽસ્થા ભૂષિતા રત્નમાલ્યા ૤
ગજમૌક્તિકનાસાગ્રા મુક્તાહાર વિરાજિતા ૤૤
રત્નકંકણકેયૂર ચારુશંકકરોજ્જવલા ૤
કિંકિણીજાલશબ્દાઢ્યા રત્નમંજીરરંજિતા ૤૤
બ્રહ્મવૈવર્ત પુરાણના આ શ્લોકનો અર્થ છેઃ રાધા રત્નોનાં કુંડળોથી આભૂષિત કપોલવાળી, રત્નોની માળા, નાકમાં ગજમુક્તા, ગળામાં મોતીનો હાર, હાથમાં રત્નોનાં કંકણ, કેયૂર અને શંખનાં આભૂષણ તથા કિંકિણીઓના રણકાર અને રત્ન-નૂપુરના ઝણકારથી સુશોભિત હતી!
આ જ પુરાણમાં રાધાનાં અન્ય આભૂષણોનું નિરૂપણ પણ કરવામાં આવ્યું છેઃ મસ્તક પર અમૂલ્ય રત્નોનો મુગટ, સીમંતમાં સિંદૂરની બિંદી, લલાટ પર કસ્તૂરીમિરશ્રત ચંદનની બિંદી, કપાળ પર મલ્લિકાપુષ્પ, ગાલ પર ચંદન, અગર, કસ્તૂરી, કુમકુમ અને સિંદૂરનાં ટપકાંની પત્રરચના, વાંકડિયા વાળમાં માલતીની માળા અને સુગંધી વેણી, નાકમાં મોતી, કાનમાં મણિનાં આભૂષણ, ગળામાં ઉત્તમ રત્નોના સારમાંથી બનેલી મનોહર વનમાળા, હીરાનો હાર, અમૂલ્ય રત્નની કંઠી, કૌસ્તુભ મણિમાળા, લાલ દોરીમાં ગૂંથેલી રત્નગુટિકા, પારિજાતના ફૂલની માળા, હાથમાં રત્નનિર્મિત કેયૂર કે બાજુબંધ, કંકણો ને આંગળીઓમાં રત્નોની વીંટીઓ, પગમાં ઝાંઝર, પગની આંગળીઓમાં રત્નના વીંછિયા, નાજુક નમણી કેડ પર અમૂલ્ય રત્નોનો કટિબંધ કે ઘૂઘરીવાળો કંદોરો કિંકિણી ને એ ઉપરાંત દિવ્ય શંખમાંથી બનેલાં જાતજાતનાં આભૂષણ…
આ વર્ણન પરથી સ્પષ્ટ થાય છે કે પૌરાણિક કન્યાને આભૂષણો પ્રિય હતા. એ નખશિખ ઘરેણાંથી સજેલી ધજેલી ને મઢેલી રહેતી. એ સમયમાં વિવિધ અંગોમાં કયા કયા અલંકારો ધારણ કરાતાં એનો રાધાનાં આભૂષણો પરથી ખ્યાલ આવે છે. વેદ, ઉપનિષદ ને સૂત્રકાળમાં પણ આ પ્રકારનાં આભૂષણો જોવા મળે છે, પરંતુ એ સમયે આ અલંકારો જુદા નામે ઓળખાતાં. જોકે વૈદિક યુગમાં નાકમાં આભૂષણ પહેરવાનો કોઈ ઉલ્લેખ સાંપડતો નથી. પુરાણોમાં પ્રથમ જ વાર નાકમાં આભૂષણ પહેરવાની પ્રથા જોવા મળ છે. એટલે સંભવતઃ પૌરાણિક યુગમાં જ નાકમાં અલંકાર ધારણ કરવાની પ્રથાનો ઉદ્ભવ થયો હશે. એથી જ આ યુગમાં ગજમુક્તાના રૂપમાં નાકના ઘરેણાંનો ઉલ્લેખ થયો છે. રાધા ઉપરાંત ગોપીઓ પણ ગજમુક્તા પહેરતી, પણ અન્ય કન્યાઓ નાકમાં ગજમુક્તા ધારણ કરતી હોવાના ઝાઝા ઉલ્લેખ મળતા નથી. છતાં પૌરાણિક કાળમાં ગજમુક્તા નામનું અલંકાર નાકમાં ધારણ કરાતું હતું એ સ્પષ્ટ છે. ઇન્દ્રે હાથીમાંથી ઝરેલું આ દુર્લભ મોતી ગજેન્દ્રમુક્તા શ્રીકૃષ્ણને આપ્યું. શ્રીકૃષ્ણે એ ગજમુક્તા રાધાને પહેરાવ્યું. આમ ગજમુક્તા અને કૌસ્તુભ મણિ રાધાનાં આભૂષણ બની ગયાં.
રાધાની જેમ અન્ય પૌરાણિક કન્યાઓ પણ આભૂષણો ધારણ કરતી. વિવિધ પ્રકારનાં અલંકારોથી અંગ અંગ સજાવતી. રાધા હીરા, મણિ, મોતી, રત્ન, શંખ અને ફૂલનાં ઘરેણાં ધારણ કરતી. એનાં અલંકારોમાં સોનાનાં આભૂષણોનો ઉલ્લેખ જોવા મળતો નથી, પરંતુ પુરાણ કાળની અન્ય કન્યાઓ સોનાનાં ઘરેણાં પણ પહેરતી. પદ્મપુરાણમાં સરસ્વતીએ શરદઋતુનાં કમળો સમાન ઉત્તમ કાંતિવાળો ઉજ્જવળ હાર ધારણ કર્યો હતો. પુષ્કર ક્ષેત્રમાં ક્ષેમંકરી દેવીની કુમારીઓએ કેડને કંદોરાની સેરથી સજાવી અને પગમાં ઝાંઝર પહેર્યાં. એ જ રીતે એક સ્ત્રીએ સોનાનો હાર, મોતીનાં કડાં તથા કંકણો ધારણ કર્યાં. આ જ પુરાણમાં અશોકસુંદરીએ અતિશય લાંબા, ચમકતા, લીસા અને વાંકડિયા વાળને સુગંધી પુષ્પોની વેણીથી સજાવ્યા. સેંથામાં મોતીઓની માલતી દીપી રહી હતી. સેંથાના મૂળમાં કરેલા ચંદ્ર જેવા તિલકનું તેજ તેના રૂપને પ્રકાશિત કરતું હતું. તેણે કાનમાં રત્ન, ગળામાં હાર, હાથમાં કડાં, પગમાં ઝાંઝર અને કેડે કંદોરો ધારણ કર્યો હતો. એ જ રીતે પ્રમોહિની, સુશીલા, સુસ્વરા, સુતારા અને ચંદ્રિકા નામની ગંધર્વકન્યાઓ સોનાનાં શણગારોથી શોભતી હતી. એ જ પ્રમાણે સુકન્યાએ ગળામાં ઉત્તમ પુષ્પમાળા અને મહામૂલો હાર પહેર્યો હતો. ડોકમાં કંઠી, હાથમાં કંકણો ને પગમાં ઝણકતાં ઝાંઝર પહેર્યાં હતાં. કપાળે ચાંલ્લો કર્યો હતો. ને કટિમાં રત્નજડિત સોનાનો કંદોરો ધારણ કર્યો હતો. આ જ પુરાણની અન્ય કન્યાએ કાનમાં સોનાનાં કુંડળો ને કંઠમાં સોનેરી કમળની માળા ઉપરાંત ઉત્તમ ચણોઠીની માળા ધારણ કરી હતી. વળી ગોપીઓ ગળામાં મોતીની માળાથી શોભતી. મોતી જડેલાં ઝાંઝર, કડાં, બાજુબંધ, વીંટીઓ અને દિવ્ય કુંડળો ધારણ કરતી. ગોળાકાર અને કસ્તૂરીયુક્ત સિંદૂરના બિંદુ જેવું તિલક કરતી તેમ જ લલાટમાં પણ ચંદન તથા રંગબેરંગી પદાર્થોથી યુક્ત તિલક ધારણ કરતી. એ જ રીતે પુષ્પવંતી અને ચંદ્રકલા કાનમાં કુંડળોથી શોભતી. મંજુઘોષા અપ્સરા ઝણકાર કરતાં ઝાંઝર અને કંદોરો ધારણ કરતી. ગંધર્વકન્યાઓ સોનવરણાં ચંપાનાં પુષ્પોની માળા પહેરતી.
પદ્મપુરાણની અન્ય કન્યાઓની તુલનામાં અશોકમાલિની દેવી જુદાં પડતાં. એ હંમેશાં એક જ રંગનાં વસ્ત્રો ને આભૂષણો ધારણ કરતાં. એ કહે છેઃ ‘હું હંમેશાં લાલ વસ્ત્રો, લાલ પુષ્પમાળા તથા લાલ વિલેપન ધારણ કરું છું તેમ જ લાલ સિંદૂર જેવી કળી અને લાલ રંગનું કમળ કાનના આભૂષણ તરીકે ધારણ કરું છું. લાલ માણેકથી જડેલા બાજુબંધો અને મુગટ જેવાં આભૂષણોથી શણગાર કરું છું. એટલે એમ કહી શકાય કે અશોકમાલિની વિશિષ્ટ પ્રકારનાં આભૂષણોથી શણગાર કરતી. (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.