પૌરાણિક કન્યાઓ વિવિધ પ્રકારનાં રૂપ ધારણ કરવામાં નિષ્ણાત હતી

0
989

(ગતાંકથી ચાલુ)
કુમારીએ કરેલી આ વહેંચણીથી પ્રભાવિત થયેલાં પાર્વતીએ કહ્યુંઃ તમે પૃથ્વીનું જાણે કે ચિત્રાલેખન કરી દીધું છે. એટલે ચિત્રલેખા નામે પ્રસિદ્ધ મારી સખી બનીને રહો….
અને, કુમારી ચિત્રલેખા બની. કુમારી ગણિતશાસ્ત્રમાં નિપુણ હતી, તો ચિત્રલેખા ચિત્રાંકનમાં કુશળ હતી. આબેહૂબ ચિત્ર બનાવવામાં નિષ્ણાત હતી. ચિત્રલેખાની ચિત્રકલાને કારણે જ ઉષા અને અનિરુદ્ધનો મેળાપ થયો. વિષ્ણુપુરાણ અને શિવ મહાપુરાણની કથા અનુસાર બાણાસુરની પુત્રી ઉષા સ્વપ્નમાં જોયેલા યુવકના પ્રેમમાં પડી. ઉષા એ યુવક સાથે મિલન માટે ઉત્સુક હતી, પણ એના વિશે કશું જ જાણતી નહોતી. એને ક્યાં શોધવો? ઉષાની ઉદાસી અને વ્યાકુળતા જોઈને સખી ચિત્રલેખા વહારે આવી. એણે ચિત્રકલા કામે લગાડી. વસ્ત્રના પરદા પર દેવો, દૈત્યો, ગંધર્વો, સિદ્ધો, નાગો અને યક્ષોને ચીતર્યા પછી મનુષ્યોનાં ચિત્ર બનાવ્યાં. યાદવોને, શૂરા વસુદેવને, બળરામને, શ્રીકૃષ્ણને, પ્રદ્યુમ્નને અને અનિરુદ્ધને ચીતર્યા. અનિરુદ્ધને જોઈને ઉષા શરમાઈ ગઈ. ચિત્રલેખાને કહ્યુંઃ ‘આ જ મારા સપનાનો રાજકુમાર છે. તું એને અહીં લઈ આવ.’
ચિત્રલેખા દિવ્ય યોગ જાણનારી હતી. જેઠ વદ ચૌદસે સવારથી માંડી ત્રીજું મુહૂર્ત ગયું ત્યારે તે આકાશમાર્ગે દ્વારિકા નગરીમાં જઈ પહોંચી. રાણીવાસના બગીચામાં અનિરુદ્ધને એણે જોયો. એ સ્ત્રીઓ સાથે રમતો હતો. મહુડાનું મદ્ય પીતો હતો. પલંગ પર બેઠેલા અનિરુદ્ધને ચિત્રલેખાએ અંધકાર પર અને તામસ યોગથી ઢાંકી દીધો. પછી તે પલંગ પોતાના માથા પર લઈ આંખના પલકારા જેટલા વખતમાં શોણિતપુરમાં ઉષા પાસે જઈ પહોંચી. પ્રસંગ પરથી એમ કહી શકાય કે ચિત્રલેખા ચિત્રકલા ઉપરાંત યોગશાસ્ત્રમાં પણ પારંગત હતી. શિવ મહાપુરાણમાં સ્વયં ચિત્રલેખા કહે છે કે, પૂર્વે વિષ્ણુએ દૈત્યોને મોહ પમાડવાની ઇચ્છાથી મોહિનીનું જ રૂપ ધર્યું હતું તે જ વિષ્ણુસંબંધી યોગનો આશ્રય કરી હું રૂપ ધારણ કરીશ. એનો અર્થ એવો થાય કે ચિત્રલેખા યોગબળથી રૂપ પણ બદલી શકતી હતી.
એ જ રીતે ઉષા પણ યોગની જાણકાર હતી. અને યોગબળે રૂપ બદલી શકતી હતી. એણે યોગબળથી જ પાર્વતીનું અદ્ભુત અને ઉત્તમ સ્વરૂપ ધારણ કર્યું હતું. એ વેળા ઉર્વશીએ પણ રૂપ બદલ્યું. અન્ય અપ્સારાઓએ પણ પોતાની યોગવિદ્યાથી રૂપ બદલ્યાં. ઘૃતાચીએ કલિનું રૂપ, વિશ્વાચીએ ચંડિકાનું રૂપ, રંભાએ સાવિત્રીનું રૂપ, મેનકાએ ગાયત્રીનું રૂપ, સહજન્યાએ જયાનું રૂપ અને પુંજિકસ્થલીએ વિજયાનું રૂપ ધર્યું.
યોગશાસ્ત્રમાં પારંગત હોય એવી અન્ય કન્યાઓનાં ઉદાહરણો પણ પુરાણગ્રંથોમાં જોવા મળે છે. પદ્મપુરાણ અને મત્સ્ય મહાપુરાણ અનુસાર મેનાની ત્રણ કન્યા ઉમા, એકપર્ણા તથા અપર્ણા યોગની જાણકાર હતી. એ જ રીતે પિતૃઓની અચ્છોદા નામની કન્યા યોગિની હતી તે યોગબળે ચાલતી ત્યારે પૃથ્વીનો સ્પર્શ ન કરતી. ઉપરાંત પિતૃઓની માનસી કન્યા પીવરી યોગનું સેવન કરીને યોગમાતા કહેવાઈ. તેની કન્યા કૃત્વી પણ યોગને જાણનારી હતી. વિષ્ણુપુરાણની શૈબ્યાએ તેના બીજા જન્મમાં યોગબળથી પતિનું સ્વરૂપ જાણી લીધું હતું. શિવ મહાપુરાણ અને વિશ્વકર્મા મહાપુરાણ અનુસાર બૃહસ્પતિની બહેન યોગસિદ્ધા હતી. શ્રીમદ્ ભાગવત પુરાણમાં સતીએ યોગબળથી દેહત્યાગ કર્યો હતો. સતી પીળાં વસ્ત્રો પહેરી ઉત્તર દિશા તરફ મુખ કરી પૃથ્વી પર બેસી ગયાં. પછી જળનું આચમન લઈ આંખો બંધ કરીને યોગમાર્ગમાં પ્રવેશ કર્યો. આસનનો જપ કરી પ્રાણ તથા અપાનને એકરૂપ કરી તે બન્નેને નાભિચક્રમાં સ્થાપ્યા. પછી ઉદાનવાયુને તેના સ્થાનમાંથી ઊંચો લઈ બુદ્ધિની સાથે હૃદયમાં સ્થાપી કંઠના માર્ગે બે ભ્રમરની વચ્ચે લીધો. સતીએ શરીરના અવયવોમાં વાયુ તથા અગ્નિની ધારણા કરી. તરત જ સમાધિથી ઉત્પન્ન થયેલા અગ્નિ વડે તેમનું શરીર બળવા લાગ્યું. એટલે એમ કહી શકાય કે સતીએ યોગની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એ જ રીતે બ્રહ્મવૈવર્ત પુરાણની માલાવતી, વામનપુરાણની કલી તથા કૂર્મપુરાણની મના અને વૈતરણી પણ સિદ્ધહસ્ત યોગિની હતી. ઉપરાંત કલાવતી યોગનીતિમાં વિશારદ હતી. એ સિદ્ધયોગિની હતી તથા વિવિધ પ્રકારનાં રૂપ પણ ધારણ કરી શકતી હતી.
કલાવતીની જેમ અન્ય પૌરાણિક કન્યાઓ પણ વિવિધ પ્રકારનાં રૂપ ધારણ કરવામાં નિષ્ણાત હતી. પદ્મપુરાણમાં વિપ્રચિત્તિ દૈત્યની પુત્રી મહિષ્મતીએ ભેંસનું સ્વરૂપ ધારણ કર્યું હતું. વિષ્ણુપુરાણ, શિવ મહાપુરાણ, ભવિષ્યપુરાણ, માર્કંડેય પુરાણ, વરાહ મહાપુરાણ અને મત્સ્ય મહાપુરાણમાં સૂર્યની પત્ની સંજ્ઞાએ ઘોડીનું રૂપ ધારણ કર્યું હતું. શ્રીમદ્ ભાગવત પુરાણમાં પુરંજન રાજાએ બગીચામાં એક સ્ત્રી જોઈ હતી, જે ઇચ્છાનુસાર રૂપ બદલી શકતી હતી. માર્કંડેય પુરાણમાં મેનકા અપ્સરાની પુત્રી મદનિકા સ્વેચ્છાનુસાર રૂપ ધારણ કરી શકતી હતી. તેણે પક્ષિણીનું રૂપ ધર્યું હતું. એ જ રીતે તાર્ક્ષી અપ્સરા પણ ઇચ્છે તેવાં રૂપ ધારણ કરવાની કલામાં કુશળ હતી.
પૌરાણિક કન્યાઓ અન્ય કલાઓમાં પણ નિપુણ હતી. પદ્મપુરાણમાં પાર્વતીએ રમતાં રમતાં વૃક્ષ બનાવ્યું. તે આસોપાલવના નામે પ્રસિદ્ધ થયું. પાર્વતીએ વૃક્ષને સંસ્કારો દ્વારા મંગળસ્વરૂપ બનાવ્યું અને ઉછેરવા માંડ્યું. ઉપરાંત શરીર ચોળવાના ચૂર્ણમાંથી હાથીના મોઢાવાળો પુરુષ બનાવ્યો. વળી દિવ્ય મંત્રોથી કડાં ને કંકણ બનાવ્યાં. પુત્ર વીરકને પહેરાવ્યાં. શિવ મહાપુરાણમાં મત્સ્યગંધા નૌકા ચલાતી. તે પરાશર મુનિને નાવમાં બેસાડીને યમુના પાર લઈ ગઈ. માર્કંડેય પુરાણની વિભાવરી પ્રાણીમાત્રની બોલી સમજવાની વિદ્યામાં નિપુણ હતી. એ જ રીતે કલાવતી સાક્ષાત્ લક્ષ્મીએ જેનું પૂજન કર્યું છે તે પદ્મિની વિદ્યા જાણતી હતી. વરાહ મહાપુરાણની ત્રિકલાદેવીને સર્વત્ર ગમન કરવાનું વરદાન હતું. સ્કંદ મહાપુરાણની બકુલમાલિકા ઘોડેસવારીમાં નિષ્ણાત હતી. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર પૂતના માયાશાસ્ત્રમાં પારંગત હતી. એ જ રીતે ગણેશપુરાણમાં માયાવતી પણ માયાશાસ્ત્રમાં કુશળ હતી. તેણે મદનને અનેક પ્રકારની માયાઓ શીખવી હતી. દૈત્યમાતા ભ્રમરી મૃતદેહ જાળવવાનું વિજ્ઞાન જાણતી હતી. પુત્ર અમ્ભકાસુરનું મસ્તક કપાયું ત્યારે ભ્રમરીએ તેને તેલમાં જાળવી રાખવા કહ્યું હતું. હરિવંશ મહાપુરાણાં એક ધાત્રી રસાયણશાસ્ત્ર જાણતી હતી. તેણે બાળક પ્રદ્યુમ્નને રસાયણના પ્રયોગથી મોટો કર્યો હતો. આ સ્ત્રીઓ કોઈ એક વિજ્ઞાનની જાણકાર હતી, પણ વિષ્ણુ પુરાણની શૈબ્યા સર્વ વિજ્ઞાનથી પરિપૂર્ણ હતી.

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.