પૌરાણિક કન્યાઓ રતિકળાની જેમ જ રણવિદ્યામાં પણ પારંગત હતી

0
1058

(ગતાંકથી ચાલુ)
આ સર્વવિજ્ઞાનમાં ગૃહકાર્યનો સમાવેશ પણ થતો હતો. પૌરાણિક કન્યાઓ આ કાર્યમાં પણ કુશળ હતી. શિવ મહાપુરાણની સુદેહા ઘરકામમાં નિપુણ હતી. નારદ મહાપુરાણની સંધ્યાવલી સ્વાદિષ્ટ ભોજન બનાવતી. તેના પતિ રુકમાંગદે કહેલું કે, સંધ્યાવલી અગ્નિની સહાય વિના ષડ્રસ ભોજન બનાવે છે. તેણે થોડી રસોઈ બનાવી હોય તેમાં પણ કરોડો મનુષ્ય જમી લે છે. એ જ રીતે વરાહ મહાપુરાણની રાજપુત્રી મિષ્ટાન્ન બનાવવામાં માહેર હતી. સ્કંદ મહાપુરાણના પ્રિયવ્રત બ્રાહ્મણની દીકરી ગૃહકાર્યમાં નિષ્ણાત હતી.
ગૃહકાર્યમાંથી ઘડીની નવરાશ મળે ત્યારે પૌરાણિક કન્યાઓ ગૃહઉદ્યોગ ચલાવતી. સુગંધી દ્રવ્યોનો લેપ બનાવતી. આ લેપ તૈયાર કરવો એ પણ એક કલા હતી. વિષ્ણુપુરાણ, શ્રીમદ્ ભાગવત પુરાણ, અગ્નિપુરાણ અને બહ્મવૈવર્ત પુરાણ અનુસાર કુબ્જા લેપ બનાવવાની કલામાં પારંગત હતી. એ કસ્તૂરી અને કુમકુમનું મિશ્રણ કરીને ચંદનને વાટીપીસીને લેપ તૈયાર કરતી. કુબ્જા સ્વયં કહે છેઃ ‘મારું નામ મેકવક્રા છે. હું વિલેપમન કરવાના કામ માટે પ્રખ્યાત છું. તેથી કંસે મને આ કામમાં નીમી છે. મારા સિવાય બીજા કોઈએ પીસીને તૈયાર કરેલું સુગંધી વિલેપન કંસને કદી ગમતું નથી. એથી હું કંસની કૃપાપાત્ર ને ધનપાત્ર થઈ છું.’ આ કુબ્જા વિલેપનની સાથે જ રતિકળામાં પણ નિપુણ હતી!
કુબ્જાની જેમ અન્ય પૌરાણિક કન્યાઓ પણ રતિકળામાં નિષ્ણાત હતી. પદ્મપુરાણની કેશિની કામક્રીડાશાસ્ત્રમાં કુશળ હતી, પદ્મગંધા ક્રીડારસની જાણકાર હતી અને સુપ્રજ્ઞા તેના પૂર્વજન્મમાં રતિશાસ્ત્રમાં પારંગત હતી. એ જ રીતે બ્રહ્મવૈવર્ત પુરાણની દક્ષિણા અને કલાવતી કામશાસ્ત્ર અને રતિકળામાં કુશળ હતી.
પૌરાણિક કન્યાઓ રતિકલાની જેમ જ રણવિદ્યામાં પણ પારંગત હતી. એ જરૂર પડ્યે રણમેદાનમાં ધસી જતી. અને દુશ્મનોનો ઘડોલાડવો કરી નાખતી. પદ્મપુરાણમાં ક્ષેમંકરી દેવીએ મહિષાસુર સામે સંગ્રામમાં ઝંપલાવ્યું હતું. ક્ષેમંકરીએ પોતાના પરિવાર તરીકે રહેલી કરોડો કન્યાઓને યુદ્ધ માટે તૈયાર થઈ જવાની હાકલ કરી. એ કન્યાઓએ તલવારો, ઢાલો એ ધનુષ્યો ધારણ કર્યાં. દૈત્યોની સાથે યુદ્ધ કરવા લાગી. ક્ષણવારમાં તો કન્યાઓએ દૈત્યોના ચતુરંગી સૈન્યનો સંહાર કરી નાખ્યો. એટલે મહિષાસુર ક્ષેમંકરી તરફ ધસી ગયો. દેવી વીસ ભુજાવાળાં થઈ ગયાં. એ વીસે ભુજાઓમાં દેવીએ અનુક્રમે ધનુષ, તલવાર, શક્તિ બાણ, શૂલ, ગદા, એક હજાર આરાઓવાળું ચક્ર, મુસળ, ભિડિપાલ, ફરશી, ડમરુ, ઘંટા, વિશાલિની, શતઘ્ની, ઘોર મુદ્ગર, ભુશુંડી, ભાલો, ધોકો, પાશ, ધ્વજ તથા કમળ – એમ વીસ હથિયાર ધારણ કર્યાં. સિંહરૂપી વાહન પર આરૂઢ થઈને બખ્તર ધારણ કર્યું. રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. રુદ્રદેવનું સ્મરણ કર્યું અને મહિષાસુર પર આક્રમણ કર્યું. અંતે દેવીએ તલવારથી મહિષાસુરનું મસ્તક કાપી નાખ્યું. આમ ક્ષેમંકરીએ યુદ્ધકૌશલ્યનો પરચો દર્શાવ્યો હતો.
ક્ષેમંકરીની જેમ કાત્યાયનીએ પણ યુદ્ધકૌશલ્ય દર્શાવ્યું હતું. તેણે સમરાંગણમાં દૈત્યોનો સંહાર કર્યો. વિવિધ દેવતાઓએ કાત્યાયનીને જુદાં જુદાં શસ્ત્ર આપ્યાં હતાં. વામનપુરાણ અનુસાર વરદાન આપનારા ત્રિશૂળધારી ભગવાને ત્રિશૂળ આપ્યું. વિષ્ણુ ભગવાને ચક્ર આપ્યું. વરુણે શંખ આપ્યો. અગ્નિદેવે શક્તિ આપી. વાયુદેવે ધનુષ આપ્યું. સૂર્યદેવે બાણવાળો અક્ષય ભાથો આપ્યો. ઇન્દ્રે ઘંટ સહિત વજ્ર આપ્યું. યમરાજે દંડ આપ્યો. કુબેરે ગદા આપી. કાળ ભગવાને મ્યાન સાથે તલવાર આપી. હિમાલયે સિંહ આપ્યો અને વિશ્વકર્માએ કુહાડી આપી. આ શસ્ત્રોની સહાયથી કાત્યાયની દેવીએ દાનવોનો નાશ કર્યો. એ જ રીતે સિદ્ધિદેવી અને બુદ્ધિદેવીએ પણ દેવાન્તક અસુર સામે પરાક્રમ દાખવ્યું હતું.
દેવીની જેમ દાનવી પણ પરાક્રમ દાખવી શકતી. સ્કંદ મહાપુરાણ અનુસાર મુર દાનવની પુત્રી કામકંટકટા શૌર્ય અને સાહસથી ભરપૂર હતી. તેણે શાઙ્ગ ધનુષ્યમાંથી છૂટેલાં સર્વ બાણોને પોતાના ખડગથી કાપી નાખ્યાં હતાં.
દેવકુળ અને દાનવકુળની કન્યાની જેમ ગંધર્વકુળની કન્યા પણ અસ્ત્રશસ્ત્ર વિદ્યામાં નિપુણ હતી. માર્કંડેય પુરાણમાં ઇન્દીવરાક્ષ ગંધર્વની કન્યા મનોરમા સર્વ અસ્ત્રસમૂહના હાર્દને જાણતી હતી. એ વિશે સ્વારોચિ નામના રાજકુમારને મનોરમાએ કહ્યુંઃ ‘આ આસ્ત્રહૃદયની વિદ્યા ભગવાન પિનાકપાણિએ પ્રથમ બ્રહ્મદેવને આપી. બ્રહ્મદેવે તે વિદ્યા સિદ્ધોમાં શ્રેષ્ઠ એવા વસિષ્ઠ ઋષિને આપી. વસિષ્ઠ ઋષિ પાસેથી મારી માતાના પિતા ચિત્રાયુધને તે પ્રાપ્ત થઈ. તેમણે તે વિદ્યા મારા પિતાને લગ્ન સમયે કન્યાદાન સાથે આપી. મારી બાલ્યાવસ્થામાં હું મારા પિતા પાસેથી આ વિદ્યા શીખી છું. આ અસ્ત્રહૃદયમાં એવી અદ્ભુત શક્તિ છે કે તે સર્વ શત્રુઓનો નાશ કરે છે. હવે આ વિદ્યા હું તમને શીખવું છું.’ એમ કહીને મનોરમાએ જળથી આચમન કરીને સ્વારોચિને વિધિપૂર્વક અસ્ત્રહૃદયની વિદ્યા શીખવી. અસ્ત્ર કેમ ફેંકવું ને પાછું કેમ વાળવું તેની વિધિ શીખવાડી. એના પરથી પુરવાર થાય છે કે મનોરમા અસ્ત્રશાસ્ત્રમાં નિષ્ણાત હતી.
પૌરાણિક કન્યાઓ અસ્ત્રશાસ્ત્ર ઉપરાંત વિવિધ પ્રકારનાં શાસ્ત્રોનું શિક્ષણ પ્રાપ્ત કરતી. શિવ મહાપુરાણની વૃંદા સ્વપ્નશાસ્ત્રમાં પારંગત હતી. તે શુભ-અશુભ સ્વપ્નનું અર્થઘટન કરી શકતી. એક વાર તેણે સ્વપ્નાં જોયું કે પોતાનો પતિ જલંધર પાડા પર બેઠેલો, તેલ ચોપડેલો, નગ્ન, કાળાં પુષ્પોના શણગારવાળો, માંસાહારી પ્રાણીઓથી સેવાયેલો, મસ્તકે મૂડંન કરેલો અને અંધકારથી ઘેરાયેલો દક્ષિણ દિશામાં જઈ રહ્યો છે તેમ જ પોતાનું શહેર પોતાની સાથે એકાએક સમુદ્રમાં ડૂબી રહ્યું છે. આવાં ઘણા દુષ્ટ સ્વપ્ન એણે રાત્રિના અંતે જોયાં. પછી વૃંદા જાગી. પોતાના સ્વપ્નનો વિચાર કરવા લાગી. એટલામાં ઉદય પામેલા સૂર્યને કાણાંવાળો અને કાંતિ વિનાનો જોયો. એણે જાણ્યું કે આ તો અનિષ્ટ છે. એટલે ભયથી વિહ્વળ બની રડવા લાગી.
વૃંદાની જેમ કમલા પણ શુભ-અશુભ સ્વપ્નની જાણકાર હતી. ગણેશપુરાણની કમલાના પુત્ર દક્ષે એક વાર સ્વપ્નમાં ભારે શરીરવાળો ગણપતિ જેવો હાથી જોયો. એ હાથીએ એક બહુમૂલ્ય રત્નમાળા તેની સૂંઢમાં ધારણ કરી હતી. તે એણે દક્ષની ડોકમાં આરોપી. પછી એ હાથીએ એને પોતાની સૂંઢથી જ ઊંચકીને પોતાની પીઠ પર બેસાડ્યો. અને એને ધજા, પતાકા તથા તોરણથી શણગારેલા એક નગરમાં લઈ ગયો. દક્ષે માતા કમલા સમક્ષ આ વર્ણન કરીને પૂછ્યુંઃ ‘મારું સ્વપ્ન શુભ છે કે અશુભ?’ કમલાએ સ્વપ્નનું અર્થઘટન કરતાં કહ્યુંઃ ‘દીકરા, તું ભાગ્યશાળી છે. સ્વપ્નમાં તેં જે હાથી જોયો એ સ્વયં ભગવાન ગણપતિ હતા. તેં સ્વપ્નમાં હાથી પર સવારી કરી એનો અર્થ એ છે કે તું જલદી જ રાજ્ય પ્રાપ્ત કરીશ.’ એનો અર્થ એ કે કમલા સ્વપ્નશાસ્ત્રની જાણકાર હતી.

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.