પૌરાણિક કન્યાઓ જપતપ કરીને મનવાંછિત ફળ પ્રાપ્ત કરતી

0
1384

(ગતાંકથી ચાલુ)
જેઠ મહિનાની પૂનમે રાત્રિમાં વસ્ત્રો અને ભોરીંગણીનાં પુષ્પો વડે શંકરનું સારી રીતે પૂજન કર્યું. નિરાહાર રહી તે મહિનો ગાળ્યો. અષાઢ મહિનાની સુદ ચૌદશે કાળાં વસ્ત્રો વડે તથા ભોરીંગણીનાં પુષ્પો વડે શિવની પૂજા કરી. શ્રાવણ મહિનાની સુદ આઠમે અને ચૌદશે પવિત્ર જનોઈ તથા વસ્ત્રો વડે શિવપૂજન કર્યું. ભાદરવામાં વદ તેરસે જાતજાતનાં ફૂલ અએ ફળ વડે શંકરનું પૂજન કરી તેમણે જળનું ભોજન કર્યું હતું. એમ દરેક મહિને તે તે કાળમાં ઉત્પન્ન થતાં જાતજાતનાં ફળફૂલ વડે અને ધાન્યો વડે શંકરનું પૂજન કરતાં હતાં.
સતીએ શિવપૂજન કર્યું અને મેનાએ શિવાદેવીનું તપ કર્યું. સંતાનની ઇચ્છાવાળી મેનાએ સત્યાવીસ વર્ષ સુધી ચૌત્ર મહિનાથી માંડીને શિવાદેવીનું પૂજન કર્યું. આઠમે ઉપવાસ કરી નોમની તિથિએ ગંગાકિનારે ઔષધથી યુકત ટેકરા પર ઉમાદેવીની માટીની મૂર્તિ બનાવી લાડવા, બલિદાનના લોટ, દૂધપાક અને ચંદનપુષ્પ સહિત જાતજાતની વસ્તુઓ અર્પણ કરી તેમની પૂજા કરતી. કોઈ વેળા વ્રત ધારણ કરી તે આહાર વિનાની રહેતી. કોઈ વેળા વાયુનો ને કોઈ વેળા જળનો આહાર કરતી. એમ શિવાદેવીએ ચિત્ત સ્થાપી દઈ મેનાએ સત્યાવીસ વર્ષ પસાર કર્યાં. એથી એ અત્યંત તેજસ્વી બન્યાં. મેનાના તપથી શિવાદેવી પ્રસન્ન થયાં અને સો પુત્ર તથા એક પુત્રીનું વરદાન આપ્યું.
મેનાએ સંતાનની પ્રાપ્તિ માટે તપ કર્યું, જ્યારે દિતિએ સંતાનશોક દૂર કરવા વ્રત કર્યું. દેવોના હાથે દૈત્યો હણાયા ત્યારે માતા દિતિ શોકાતુર થઈને પુષ્કર ક્ષેત્રમાં ગયાં. સરસ્વતી નદીના કિનારે તપ કરવા લાગ્યાં. છતાં મનનો સંતાપ દૂર ન થયો. એટલે વસિષ્ઠને કહ્યુંઃ ‘એવું કોઈ વ્રત કહો જેનાથી મારો પુત્રશોક દૂર થાય. વસિષ્ઠે દિતિને જેઠ મહિનાની પૂનમનું વ્રત કરવાનું કહ્યું. વ્રતની વિધિ સમજાવીઃ ચોખાથી ભરેલો છિદ્રરહિત એક ઘડો સ્થાપવો. તે ઘડો અનેક પ્રકારનાં ફળોથી યુક્ત હોવો જોઈએ. સાથે શેરડીનો એક સાંઠો હોવો જોઈએ. ધોળાં બે વસ્ત્ર વડે તે ઘડો ઢાંકેલો હોય, ધોળાં ચંદન વડે અર્ચેલો અને જાતજાતના ખાવાલાયક પદાર્થોથી પણ યુક્ત હોય તેમ જ પોતાની શકિત અનુસાર તે ઘડા સાથે સુવર્ણ પણ રાખવું. ઘડા ઉપર ગોળ ભરેલું તાંબાનું પાત્ર પણ મૂકવું. એ પરના પાત્ર પર સોનાનું એક કમળ સ્થાપી તેની કળી ઉપર બ્રહ્માનું સ્થાપન કરવું અને બ્રહ્માની ડાબી બાજુ સાકર સહિત સાવિત્રીદેવીનું સ્થાપન કરવું. તેમને સુગંધી ચંદન તથા ધૂપ અર્પણ કરવાં. પછી તેમની આગળ ગીત તથા વાજિંત્ર કરાવવાં. બ્રહ્માની પૂજા કરવી. વ્રતની રાત્રિના સમયે એક ફળ ખાઈને જમીન પર કંઈ પણ પાથર્યા વિના સૂઈ જવું. એમ વ્રત કરતાં તેરમો મહિનો આવે ત્યારે ઘી સહિત ગાયનું તથા સર્વ ઉપસ્કરણ સહિત શય્યાનું બ્રાહ્મણોને દાન દેવું. સોનાની બ્રહ્માની મૂર્તિનું તથા ચાંદીની સાવિત્રીની મૂર્તિનું પણ બ્રાહ્મણોને દાન દેવું. દિતિએ આ વ્રત કર્યું અને એનો પુત્રશોક દૂર થયો.
એ જ રીતે ભૃગુવંશમાં જન્મેલી કુબ્જિકા નામની બ્રાહ્મણીએ વૈધવ્યનું દુઃખ દૂર કરવા તપ કર્યું. કુબ્જિકા બાળવિધવા હતી. વૈધવ્યનું દુઃખ દૂર કરવા તે અતિ દુષ્કર તપ કરતી. વિંધ્યાચળની તળેટીમાં નર્મદા અને કપિલના સંગમમાં આવેલા મહાક્ષેત્રમાં રહેતી. તેણે ક્રોધને જીતી લીધો હતો. તે ઓછું બોલતી અને છઠ્ઠા સમયે એટલે કે ત્રીજા દિવસની સાંજે ઉછવૃત્તિ દ્વારા મેળવેલા અનાજના દાણાને રાંધીને જમતી. વિવિધ વ્રતો કરતી. નર્મદાના કિનારા પર રહી પુણ્યદાયી પવિત્ર મહિનાઓ ગાળતી. વલ્કલ વસ્ત્રો ધારણકરતી. કુબ્જિકાએ નર્મદા અને કપિલના સંગમ પર સાઠ વાર માઘસ્નાન કર્યું હતું. તપ કરવાથી સુકાઈ ગયેલી કુબ્જિકા તીર્થક્ષેત્રમાં જ મૃત્યુ પામી. અને વિષ્ણુધામમાં ગઈ.
કુબ્જિકાએ નર્મદાકાંઠે તપ કર્યું જ્યારે બાલાવતીએ સાબરમતીના કિનારે ઉગ્ર તપ કર્યું. પદ્મપુરાણ અનુસાર સાબરમતી નદીના કિનારે બાલાપ તીર્થમાં કણ્વ મુનિની કન્યા નિયમનિષ્ઠ રહી તપ કરતી. તેનું નામ બાલાવતી હતું. તે બ્રહ્મચારિણી હતી. સાવિત્રીનું વ્રત કરતી. સાબરમતીના કિનારે તપ કરતાં તેનાં દસ વર્ષ વીતી ગયાં. તે શ્રદ્ધા ને ભકિતથી ઘણા દુષ્કર નિયમોનું પાલન કરતી. એ કન્યાની ભક્તિ, વ્રત અને તપથી ભગવાન ભાસ્કર પ્રસન્ન થયા. બ્રાહ્મણનું રૂપ લઈ સ્વયં તેના આશ્રમમાં આવ્યા. બાલાએ તેમનો વાનપ્રસ્થના વિધાનથી સત્કાર કર્યો. પછી બોલીઃ હું સૂર્યની ભકત છું. વ્રત, નિયમ અને તપથી મારે સૂર્યને પ્રસન્ન કરવા છે. બ્રાહ્મણના રૂપમાં રહેલા સૂર્યદેવે કહ્યુંઃ તેં ઘણા કઠોર નિયમો લીધા છે. તું ઘણું દુષ્કર તપ કરી રહી છે, જેને માટે તું તપ કરી રહી છે તેને તું જરૂર મેળવી શકીશ. તપથી સર્વ કંઈ મેળવવું સુલભ બને છે. બધું જ તપમાં રહેલું છે. તપથી દેવપણું અને મોક્ષ પણ મેળવાય છે, પણ પહેલાં તું મને પાંચ બોર આપ.
બાલાએ તપોધનને પાંચ બોર આપ્યાં. એટલે વિપ્રવેશે આવેલા ભગવાન ભાસ્કર ત્યાંથી ચાલ્યા ગયા. પછી તે તપોવનની પાસે આવેલા ઇન્દ્રગ્રામ – ઇન્દ્રોડામાં બ્રાહ્મણરૂપે જ રહેવા લાગ્યા. સૂર્યદેવે એ બાલાની ઇચ્છા જાણીને ત્યાં બોરડીનું ઉપવન બનાવ્યું. બાલાનું બોર લેવા દૂર જવાનું બંધ થયું. એ આશ્રમમાં જ લાકડાં લાવીને અગ્નિ પ્રકટાવતી અને બોર પકાવતી. આ રીતે ઘણો સમય પસાર થયો. ત્યાં ભસ્મનો મોટો ઢગલો થઈ ગયો.
એક વખત સાંજના સમયે સૂર્ય આથમી ગયો હતો. એવામાં લાકડાનો ઢગલો હતો તેમાં અગ્નિ લાગતાં એ બધો જ બળીને ભસ્મ થઈ ગયો. બાલાએ બ્રાહ્મણનું પ્રિય કરવાની ઇચ્છાથી અગ્નિમાં ચરણો મૂક્યાં. બળવા છતાં વારંવાર એ પગ અગ્નિમાં મૂકતી હતી. પરિણામે સૂર્યદેવ પ્રસન્ન થયા. બાલાને પોતાના સ્વરૂપનાં દર્શન કરાવ્યાં. કહ્યુંઃ હું તારી ભક્તિથી, વ્રતથી અને તપના આચરણથી તારા પર અતિ પ્રસન્ન થયો છું. તારી સઘળી મનોકામના પૂરી થશે. આ તીર્થમાં તું મારા આશ્રમમાં જ રહેજે. આ તીર્થ પણ તારા નામથી જ પ્રસિદ્ધ થશે.
સૂર્યદેવના વરદાનથી સાબરમતીના તટ પર રહેલું એ તીર્થ બાલાપ નામે પ્રખ્યાત થયું અને બાલાવતીનું તપ સફળ થયું.

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.