પોલિટિકલ એકશન કમિટી દ્વારા પ્રથમ રાઉન્ડમાં બે ઉમેદવારોને સમર્થન

ન્યુ યોર્કઃ ધ ઇન્ડિયન અમેરિકન ઇમ્પેક્ટ ફંડ દ્વારા તાજેતરમાં આઠમી ફેબ્રુઆરીએ પોલિટિકલ એક્શન કમિટી લોન્ચ કરવામાં આવી છે, જેણે યુએસ કોંગ્રેસની ચૂંટણી માટે પોતાના બે ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે, જેમની ચૂંટણીને નવેમ્બરની ચૂંટણીના રન-અપમાં ખૂબ જ નજીકથી નિહાળવામાં આવી રહી છે.

મેરીલેન્ડ સ્ટેટ ડેલિગેટ અરુણા મિલર મેરીલેન્ડના સિક્સ્થ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ તરફથી ચૂંટણી લડી રહ્યાં છે જે હાલમાં ડેમોક્રેટ રિપ. જોહન ડેલાનીનું પ્રતિનિધિત્વ કરે છે, જેમણે ચૂંટણીમાં ફરીથી ન ઊભા રહેવાની જાહેરાત કરી છે.
અમેરિકાની વિવિધ બેઠકો પરથી ચૂંટણી લડતા ભારતીય ઉમેદવારો ચૂંટાઈ આવે તે માટે ઇન્ડિયન અમેરિકન ઇમ્પેક્ટ ફંડ પ્રયત્નશીલ છે. ઇન્ડિયન અમેરિકન ઇમ્પેક્ટ ફંડે તાજેતરમાં આઠમી ફેબ્રુઆરીએ ત્રણ ભારતીય અમેરિકન ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું છે, જેમાં મેરીલેન્ડના અરુણા મિલર, ઓહાયોના ફર્સ્ટ કોેંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ચૂંટણી લડતા આફતાબ પુરેવાલ અને ઇલિનોઇસના આઠમા સ્ટેટ ડિસ્ટ્રિક્ટમાંથી ચૂંટણી લડતા રામ વિલ્લાવાલમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વર્તમાન ચાર ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન પણ ફરીથી ચૂંટાઈ આવે તે માટે સમર્થન જાહેર કર્યું છે તેમ ઇમ્પેક્ટના કો-ફાઉન્ડર રાજ ગોયેલે જણાવ્યું હતું.

એન્જિનિયર અરુણા મિલરે સન 2010થી મેરીલેન્ડ સ્ટેટ હાઉસમાં સેવા આપેલી છે જ્યાં તેમણે સ્ટેમ એજ્યુકેશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જો ચૂંટાશે તો મિલર યુનાઇટેડ સ્ટેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સેવા આપનારાં બીજાં ભારતીય-અમેરિકન મહિલા બનશે.

ઇમ્પેકટ દ્વારા સમર્થન જાહેર કરનારા બીજા ઉમેદવાર હેમિલ્ટન કાઉન્ટી ક્લાર્ક ઓફ કોર્ટ્સના આફતાબ પુરેવાલ છે જે ઓહાયોના છે અને તાજેતરમાં તેમણે ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટમાંથી યુએસ કોંગ્રેસ માટે પોતાની ઉમેદવારી જાહેર કરી છે. આ સીટ પર હાલમાં રિપબ્લિકન રિપ. સ્ટીવ ચેબોટ પ્રતિનિધિત્વ કરે છે.

આ ઉપરાંત ઇમ્પેક્ટ ફંડ દ્વારા યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના તમામ ચાર ભારતીય-અમેરિકન સભ્યોને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં એમી બેરા (ડી-કેલિફોર્નિયા), પ્રમીલા જયપાલ (ડી-વોશિંગ્ટન), યુએસ કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ (ડી-ઇલિનોઇસ) અને યુએસ કોંગ્રેસમેન રો ખન્ના (ડી-કેલિફોર્નિયા)નો સમાવેશ થાય છે.