પોરબંદરમાં કીર્તિમંદિરમાં મુખ્યમંત્રીએ રાષ્ટ્રપિતા ગાંધીજીને ભાવાંજલિ અર્પી

પોરબંદરઃ રાજ્યના જે કોઈ પણ મુખ્યમંત્રી હોય તે બીજી ઓક્ટોબરે પોરબંદર અચૂક ઉપસ્થિત રહે છે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિમંદિરમાં યોજાતી સર્વ ધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપે છે એ ઉપક્રમ આ વર્ષે પણ જળવાઈ રહ્યો હતો અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. આ પ્રસંગે પૂજ્ય બાપુને પ્રિય ભજનોની સરવાણી સરકારી શાળાના શિક્ષકોએ વહાવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તેઓ સુદામાપૂરીના મોહનદાસ હતા જે આજે સાબરમતીના સંત તરીકે પૂજાઈ રહ્યા છે. તેની પાછળના મહત્વના કારણો જોઈએ તો તેમના જીવન સિદ્ધાંતો સત્ય, સમાનતા, સદભાવ, સ્વચ્છતા, સ્વદેશી, સ્વાવલંબન અને સ્વરાજ જેવા મહત્વના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારીને છેવાડાના માનવીઓની તેમણે ચિંતા કરી છે અને તેથી જ તેઓ માત્ર ભારતીયોના જ નહીં પરંતુ વિશ્વભરના દેશના લોકોના રાહબર બન્યા છે અને સમગ્ર વિશ્વમાં તેઓ પૂજાઇ રહ્યા છે.
ગાંધીજીને પ્રિય એવી સ્વચ્છતા માટે સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છ ભારત મિશનનો સંદર્ભ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આઝાદીના 7 દાયકામાં સ્વચ્છતા માટે મહત્વનું કાર્ય જન ભાગીદારી સાથે વડાપ્રધાનના નેતૃત્વમાં થયું છે. સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં- ગુજરાતમાં સૌ એક કલાકના શ્રમદાનમાં ગાંધીજીની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ જોડાયા છે. સ્વચ્છતા કોઈ એક દિવસનું કાર્ય નથી પરંતુ સૌની સામૂહિક જવાબદારી, સામાજિક ઘયિત્વ છે તેમ જણાવીને આ કાર્ય આગળ ધપાવાનું છે.
પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુનું જીવન એ જ એમનો સંદેશો છે. પૂજ્ય બાપુના વિચારો અને સિધ્ધાંતો ભલે તે સમયના હોય પણ આજે પણ તે એટલા જ પ્રાસંગિક અને પ્રેરણાદાયી છે. આજની સર્વધર્મ પ્રાર્થનાસભામાં સાંસદ અને ધારાસભ્ય સહિત પાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનોએ ઊપસ્થિત રહી પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પોરબંદરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું, સાથોસાથ સર્વપ્રથમ વખત કીર્તી મંદિરમાં ઉપસ્થિતોને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સહિત આગેવાનોએ સ્વચ્છતાના શપથ કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભાની પુરી થયા બાદ લીધા હતા.