

રામલ્લાઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પેલેસ્ટાઇન સહિત પશ્ચિમ એશિયાના ત્રણ દેશો પેલેસ્ટાઇન, યુએઈ અને ઓમાનની મુલાકાતના ભાગરૂપે જોર્ડનની રાજધાની અમ્મન પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદી અને જોર્ડનના રાજા અબદુલ્લા દ્વિતીયે બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા સંમતિ દર્શાવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે વડા પ્રધાન મોદીએ પ્રથમ વાર જોર્ડનની મુલાકાત લીધી છે. એટલું જ નહિ, છેલ્લાં 30 વર્ષમાં પ્રથમ વાર કોઈ ભારતીય વડા પ્રધાને જોર્ડનની મુલાકાત લીધી છે.
આ પછી વડા પ્રધાન મોદી પેલેસ્ટાઇન ગયા હતા અને પેલેસ્ટાઇનના પ્રમુખ મોહમ્મદ અબ્બાસ સાથે મંત્રણા કરી હતી. પેલેસ્ટાઇનની મુલાકાતે જનારા મોદી પ્રથમ ભારતીય વડા પ્રધાન છે.

પેલેસ્ટાઇનની ઐતિહાસિક મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી પ્રમુખ મોહમ્મદ અબ્બાસને મળ્યા હતા એ વખતે પેલેસ્ટાઇને ઇઝરાયલ સાથેની શાંતિ માટે ભારતની મદદની ઇચ્છા દર્શાવી હતી. ભારત-પેલેસ્ટાઇનના સંબંધો વધારવા માટે આપેલા વિશિષ્ટ યોગદાનને બિરદાવવા મોદીને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન આપીને સન્માનિત કરાયા હતા. ગ્રાન્ડ કોલર એ વિદેશી મહાનુભાવો-રાજાઓ-રાષ્ટ્રાધ્યક્ષ કે ઉચ્ચ પદ ધરાવતી વ્યક્તિઓને અપાતું સર્વોચ્ચ સન્માન છે. ભારત-પેલેસ્ટાઇન વચ્ચે પાંચ કરોડ ડોલરના છ કરાર થયા હતા. બન્ને દેશો વચ્ચે આરોગ્ય અને શિક્ષણ સહિતના ક્ષેત્રે સમજૂતી થઈ હતી. પેલેસ્ટાઇનના બૈત સહુર શહેરમાં ભારતની મદદથી ત્રણ કરોડ ડોલરના ખર્ચે સુપરસ્પેશિયલિટી હોસ્પિટલ બનશે.
જોર્ડન અને પેલેસ્ટાઇનની ઐતિહાસિક મુલાકાત પછી મોદી યુનાઇટેડ આરબ અમિરાત પહોંચ્યા હતા. યુએઇમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને તેમનું સ્વાગત કર્યું હતું.
મોદીએ યુનાઇટેડ આરબ અમિરાતના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકુમ તેમ જ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની મુલાકાત લીધી હતી. મોદીએ દુબઈમાં આયોજિત છઠ્ઠી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને પણ સંબોધી હતી.
આ સમિટમાં ભારતને મહેમાન તરીકે આમંત્રિત કરાયું છે. આ સમિટમાં 140 દેશોના ચાર હજાર પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મોદીએ કહ્યું કે આ સમિટમાં મને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ અપાયું તે ફક્ત મારા માટે નહિ, પણ 125 કરોડ ભારતીયોનું ગૌરવ છે.
ચાર આરબ દેશોના તેમના વિદેશપ્રવાસના અંતિમ દિવસે વડા પ્રધાન મોદીએ ઓમાનના સુલતાન કબુસ બિન સાદ અલ સાહ સાથે મુલાકાત કરી હતી. બન્ને દેશો વચ્ચે આઠ મહત્ત્વના કરાર થયા હતા. ઓમાનના મસ્કતમાં મોદીએ 125 વર્ષ જૂના શિવમંદિરમાં દર્શન કર્યાં હતાં.