પેરાલિમ્પિકમાં ભારતનો જયજયકાર : બે ગોલ્ડ સહિત ૧૦ ચંદ્રક

 

ટોકિયોઃ જાપાનના ટોક્યો ખાતે રમાઈ રહેલા પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનો જયજયકાર થયો છે. દેશનું ગૌરવ વધારતાં ઈતિહાસનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી છેલ્લી સ્થિતિએ ર ગોલ્ડ, પ સિલ્વર અને ૩ બ્રાન્ઝ મેડલ જીત્યા છે. અગાઉ ર૦૧૬ રિયો પેરાલિમ્પિકમાં ભારતે ર ગોલ્ડ સહિત ૪ મેડલ જીત્યા હતા. પેરાલિમ્પિકમાં સોમવારનો દિવસ ભારત માટે યાદગાર રહ્યો હતો. જયપુરની અવનિ લખેરાએ સૌપ્રથમ આર-ર ૧૦ મી. એરરાઈફલ સ્ટેન્ડિંગ એસએચ-૧ કેટેગરીમાં અચૂક નિશાન સાધી ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગોલ્ડ મેડલનું ભારતે ખાતું ખોલાવ્યું ત્યાં જ્વેલિન થ્રોમાં હરિયાણાના સોનીપતના ર૩ વર્ષિય સુમિત અંતિલે ૬૮.પપ મી. થ્રો કરી વર્લ્ડ રેકોર્ડ સાથે દેશને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો જે સાથે સોમવારે ભારતે જીતેલા મેડલોનો આંક ૭ થયો હતો. દેવેન્દ્ર ઝાઝરિયાએ ભાલા ફેંકમાં સિલ્વર અને સુંદર સિંહ ગુર્જરે બ્રોન્ઝ જીત્યો હતો. મંગળવારે ૮મા દિવસે સવારે ૧૦ મી. એર પિસ્તોલ એસએચ-૧ પેરાશૂટિંગના ફાઈનલમાં હરિયાણાના ૩૯ વર્ષિય સિંહરાજ અધાનાએ બ્રોન્ઝ જીત્યો અને સાંજે હાઈજમ્પ ટી-૬૩માં મરિઅપ્પન થંગાવેલુએ સિલ્વર અને શરદ કુમારે બ્રોન્ઝ જીત્યો હતો. ઊંચી કૂદમાં ભારત ત્રણ મેડલ જીતી ચૂકયુ છે. રવિવારે નિષાદકુમારે સિલ્વર જીત્યો હતો. જે સાથે ભારતના ખાતામાં મેડલોની સંખ્યા ૧૦ થઈ હતી. મહિલાઓની ટી-૩૦ રેસ, ટેબલ ટેનિસ તથા શોટપુટ સ્પર્ધામાં ભારતીયોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે