પેરડાઇઝ લોસ્ટ

નરસિંહ મહેતાના એક પદની પંક્તિ છે ઃ ‘પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંત ચોરાસી માંહી રે!’ મનુષ્ય જીવાત્મા પૃથ્વી પર પુણ્ય કરે, અને સ્વર્ગમાં એડમિશન મળવા અંગેનાં જે નક્કી થયેલાં નોર્મ્સ (ધોરણો) છે એ પ્રમાણેનું પુણ્ય ચિત્રગુપ્તના ચોપડામાં ક્રેડિટ થાય તો તેવા જીવાત્માને સ્વર્ગમાં એન્ટ્રી મળે છે, પણ સ્વર્ગની એન્ટ્રી સરકારી નોકરીની એન્ટ્રી જેવી નથી કે એક વાર એન્ટ્રી થઈ એ થઈ બિલકુલ પરમેનન્ટ! સ્વર્ગ કોઈ માટે પરમેનન્ટ નહિ. ક્રેડિટ થયેલા પુણ્યના પ્રમાણમાં જ સ્વર્ગમાં રહેવા મળે. પુણ્યનો સ્ટોક ખલાસ થયો કે તરત જ બેક ટુ પેવેલિયન! પુનરપિ જન્મમ્. પુનરપિ મરણમ્ -નું ચક્કર ચાલુ. સ્વર્ગમાં એન્ટ્રી મેળવનારા આ જીવાત્માઓએ જોકે પૃથ્વી પર અપાર કષ્ટો વેઠ્યાં હોય છે. કેટલીક વાર તો સ્વર્ગમાં એડમિશન મેળવવાની લાલચે પૃથ્વી પર કષ્ટો વેઠ્યાં હોય છે, પણ કેટલાક પુણ્યશાળી જીવાત્માઓ એવા હોય છે કે જેઓ આ પૃથ્વી પર જ સ્વર્ગનાં સુખો ભોગવે છે.
અલબત્ત, આ સુખો પણ પુણ્યના ક્વોટા પ્રમાણે જ ભોગવાય છે. પુણ્યનો ક્વોટા ખલાસ થતાં, જેમ મોબાઇલમાં નખાવેલા કાર્ડની કિંમત જેટલા ફોન થઈ જાય કે તરત જ મોબાઇલ ઠપ્પ થઈ જાય તેમ પૃથ્વી પરનું સ્વર્ગ હાથમાંથી સરકી જાય! આ લેખમાં મારે મારા ‘પેરેડાઇઝ લોસ્ટ’ (સ્વર્ગ ગુમાવ્યા અંગે) વિશે કહેવું છે.
અંગ્રેજ કવિ મિલ્ટનનું ‘પેરેડાઇઝ લોસ્ટ’ નામનું મહાકાવ્ય છે. આ મહાકાવ્ય જગતભરમાં જાણીતું છે. મારું આ ‘પેરેડાઇઝ લોસ્ટ’ ગુજરાતભરમાં જાણીતું થશે તો પણ હું સંતોષ માનીશ. મિલ્ટને ‘પેરેડાઇઝ લોસ્ટ’ પછી ‘પેરેડાઇઝ રિગેઇન્ડ’ (સ્વર્ગ પાછું મળ્યું) પણ લખ્યું. મને મારું સ્વર્ગ પાછું મળશે તો હું પણ ‘પેરેડાઇઝ રિગેઇન્ડ’ લખીશ. પણ, અત્યારે તો કેવળ ‘પેરેડાઇઝ લોસ્ટ’ની વાત!
આ પૃથ્વી પર જે કેટલાંક સ્વર્ગીય સુખો છે એમાં એક સુખ છે જીવાત્માને કશું કરવું ન પડે તે. આવો જીવાત્મા બીજાનાં કામો તો ન જ કરે, પણ એનાં પોતાનાં કામો પણ બીજાં પાસે કરાવે. એનાં પુણ્ય એવાં હોય છે કે બીજાંઓ હોંશેહોંશે એનાં કામો કરી આપે. જીવનનાં ઘણાં વરસ હું આવો જીવાત્મા હતો. એ સ્વર્ગીય સુખોની અને પુણ્ય ક્ષીણ થયે એ સ્વર્ગ ગુમાવ્યાની પેરેડાઇઝ લોસ્ટની કથા આજે કહેવી છે. જોકે આ નિર્દય દુનિયામાં આપણે કશું જ ન કરવું પડે એવા સ્વર્ગનું નિર્માણ કરવું અઘરું જ નહિ, અશક્ય પણ છે. નિશાળે જવું મને ક્યારેય ગમ્યું નહોતું, તોય જીવનનાં અમૂલ્ય વર્ષોના અનેક અમૂલ્ય કલાકો મારે શાળાની ચાર દીવાલો વચ્ચે પુરાઈ રહેવું પડ્યું હતું. (કુટુંબની નબળી આર્થિક સ્થિતિને કારણે કોલેજની દીવાલો વચ્ચે પુરાઈ રહેવામાંથી તો મુક્તિ મળી હતી!) પહેલેથી નબળા એવા મારા મગજના જ્ઞાનતંતુઓ વધુ નબળા પડી ગયા એવું ને એટલું મારે એસ.એસ.સી. સુધીનાં વર્ષોમાં પરીક્ષાઓ માટે વાંચવું પડ્યું. જીવનનાં મૂલ્યવાન વરસોમાં એકતાલીસ વરસ નોકરી કરવી પડી. તેમ છતાં, બીજા જીવાત્માઓની તુલનાએ મારે ફાળે કામ કરવા કરતાં કરાવવાનું વિશેષ આવ્યું હતું.
નાનો હતો ત્યારે બા કે બહેન મને કોળિયા ભરાવીને ખવડાવતાં. મને આ આયોજન એટલું બધું માફક આવી ગયેલું કે હું ઠીક ઠીક મોટો થયો ત્યાં સુધી આ સર્વિસ મને મળતી રહે એવો આગ્રહ મેં સેવ્યો હતો. આ સ્વર્ગીય સુખ મેં બારતેર વરસની ઉંમર સુધી ભોગવ્યું હતું, પણ પછી મારા પુણ્ય ક્ષીણ થયાં ને વડીલોનો અભિગમ બદલાઈ ગયો. ‘આવડો મોટો ઢાંઢાં (બળદ) જેવડો થયો છે તોય હાથે ખાતો નથી!’ આવાં કઠોર વચનો સાંભળવાના દિવસો આવ્યા. પ્રાચીન કાળમાં પરાક્રમી પુરુષોને બિરદાવવા એમને વૃષભ (બળદ) સાથે સરખાવવામાં આવતા, પણ અર્વાચીન કાળના વડીલો ઢાંઢા સાથે મારી તુલના કરી મને બિરદાવી નહોતા રહ્યા એ તો એમના હાવભાવ અને વાણીના આરોહ-અવરોહ પરથી હું સમજી ગયેલો. પુણ્યનું કાર્ડ ખલાસ થયું ને મારે હાથે કોળિયા ભરવાના દુઃખના દહાડા આવી ગયા. પણ આ સંસ્કાર છેક નિર્મૂળ નહોતા થયા એટલે લગ્ન પછી મારા મોંમાં કોળિયા ભરાવી પતિપ્રેમનું જ્વલંત દષ્ટાંત પૂરું પાડવા મેં પત્નીને પ્રેરણા આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બહુ થોડા વખતમાં પત્નીને વહેમ આવવા માંડ્યો ને પછીથી ખાતરી થવા માંડી કે હું પ્રેમને કારણે નહિ, પણ આળસને કારણે જ એની પાસે આમ કરાવું છું. પરિણામ? પેરેડાઇઝ લોસ્ટ!
બાળપણમાં દરેક બાળકની જેમ મને પણ નાહવાનું સહેજે ગમતું નહોતું. ‘નાહવાનો ચોર’ એવા ઇલકાબથી મને વિભૂષિત કરવામાં આવેલો. બા કે બહેન પરાણે પકડીને મને નવડાવતાં. કોઈ વાર તો મને પકડી રાખવાની સેવા માટે બે-ત્રણ સહાયકોની જરૂર પડતી. આમાંથી ધીરે-ધીરે કોઈક નવડાવે તો જ નાહું એવા ‘શાહીસ્નાનની મને ટેવ પડી. એક જ ઓરડાના અમારા ઘરમાં બાથરૂમ હોવાનો તો સવાલ જ નહોતો એટલે ફળિયામાં છીપર પર બેસાડીને મને નવડાવવામાં આવતો. મને યાદ છે કે જાહેરમાં વસ્ત્ર પહેરાવીને મને નવડાવવો પડે એટલી ઉંમર સુધી મારું આ શાહીસ્નાન ચાલેલું. ધીરે ધીરે આ સ્વર્ગ હાથમાંથી સરતું ગયુ.ં લગ્ન પછી આ શાહીસ્નાનના સંસ્કાર પુનઃ જાગ્રત થયા અને પત્ની પ્રેમથી નવડાવવા ઉપરાંત પાણીથી પણ નવડાવે તેવો લોભ મને થયેલો. પતિને અંઘોળ (સ્નાન) કરાવતી પત્નીનાં કેટલાંક રસિક વર્ણનો લોકસાહિત્યમાં છે. એ વર્ણનો એકઠાં કરી, પત્ની સમક્ષ રજૂ કરવાં એવો મનસૂબો પણ મેં સેવેલો, પરંતુ જીવનનું આ કાવ્ય માણવા પત્ની બહુ ઉત્સુક નહોતી. પરિણામે દાંપત્યજીવનની કેટલીક કાવ્યમય ક્ષણો અમે ખોઈ!
આમ છતાં, બાળપણનાં સ્વર્ગીય સુખ ગયાં તો પણ એના લિસોટા તો ઘણાં વરસ રહ્યા. નાહવું ભલે મારે જાતે પડતું; પણ પાણી ગરમ કરવું, ગરમ પાણી બાથરૂમમાં મૂકી આપવું, ટુવાલ બાથરૂમમાં મૂકી આપવો, હું નાહી લઉં એટલે જે-તે દિવસે પહેરવાનાં કપડાં બહાર તૈયાર રાખવાં વગેરે વગેરે કામો પત્ની ઘણાં વરસ કરતી રહી. પતિઓનું જે સુખ હવે કેવળ ફિલ્મો કે સિરિયલોમાં જ જોવા મળે છે એ સ્વર્ગીય સુખ મેં ઘણાં વરસ ભોગવ્યું. આવી જ રીતે, દિવસમાં ચાર વાર મસાલાવાળી ચા સાહેબ માટે તૈયાર થતી. ભોજન સમયે આસન મુકાઈ જાય, થાળ પિરસાઈ જાય, પછી માલવપતિ મુંજની અદાથી હું જમવા બેસું. પહેલાંના સમયમાં પતિદેવ જમવા બેસતા ત્યારે પત્ની વીંઝણો ઢોળતી, (સમય વીત્યે એ વીંઝણાનો ઉપયોગ પતિ પર ઢોળવાને બદલે પતિને વીંઝણાથી ઝૂડીને ઢાળવામાં પણ થતો.) પણ વીજળી આવ્યા પછી પતિઓનું એ સુખ (અને દુઃખ પણ) ગયું. આમ છતાં, હું જમવા બેસતો ત્યારે પંખાની સ્વિચ પાડીને પત્ની પંખો ચાલુ કરી આપતી અને પછી પંખો બંધ પણ એ જ કરતી. જમતાં જમતાં જે કંઈ જોઈએ એના હુકમો હું છોડું, જમી લઉં એટલે પત્ની થાળી લઈ લે. આવું સ્વર્ગ પણ ઘણાં વરસ રહ્યું. સવારે છાપું શોધી આપવું, ચશ્માં શોધી આપવાં, ઓફિસ જતાં નાસ્તાનો ડબ્બો ભરી આપવો વગેરે કામો પણ પત્ની દ્વારા ઘણાં વરસ થતાં રહ્યાં. અલબત્ત, આ બધું એકમાર્ગી હતું. (હું પત્નીનું કોઈ કામ નહોતો કરતો.) એટલે પછી પ્રારંભમાં આ કામો કરવામાં પત્નીની જે ઉષ્મા પ્રગટ થતી તેમાં દિનપ્રતિદિન ઓટ આવતી ગઈ, પણ તોય સ્વર્ગનું સામ્રાજ્ય ઘણાં વરસ ટક્યું. પેલા કવિને કાશ્મીર જોતાં જે લાગણી થઈ હતી તે મને ઘણાં વરસ થતી રહીઃ સ્વર્ગ અહીં છે, અહીં છે, અહીં છે.
પણ પુણ્ય ક્ષીણ થયું ને સ્વર્ગ ગયું. આજે આ જીવાત્મા પૂર્ણ સ્વાવલંબી છે. સવારે ઊઠીને પોતે-જાતે-પંડે પથારી ઉપાડે છે, સવારે (અને બપોરે પણ) હાથે બનાવીને ચા પીએ છે, જમવાના સમયે ભૂખ નથી લાગતી એટલે ન જમવાના સમયે હાથે પીરસીને જીવાત્મા જમે છે, જમ્યા પછી થાળી પોતે-જાતે-પંડે ઊંચકીને બહાર મૂકે છે, ગિઝરની સ્વિચ પાડીને પાણી ગરમ કરે છે, અલબત્ત, કોઈ મોટા જળાશયનું ઉદ્ઘાટન કરતા હોય એ ઠાઠથી ગિઝરની સ્વિચ પાડે છે! બાથરૂમમાં ટુવાલ જાતે મૂકે છે, નાહ્યા પછી કપડાં માટે જાતે કબાટ ફંફોસે છે… વગેરે વગેરે વગેરે. યાદી ઘણી લાંબી છે, પણ હૃદય ભરાઈ આવે એ પહેલાં અટકું. ગીતાની નવી આવૃત્તિ થશે ત્યારે ભગવાન કહેશે, ‘નાછૂટકે સ્વાવલંબી થયેલા સદ્ગૃહસ્થોમાં હું રતિલાલ બોરીસાગર છું.’

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘મોજમાં રે’વું રે!’માંથી સાભાર.