પેટ્રોલ-ડીઝલ ભાવવધારાના વિરોધમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના અસહ્ય ભાવવધારા સામે 22 જેટલા રાજકીય પક્ષો અને વિવિધ સંગઠનો દ્વારા 10મી સપ્ટેમ્બર, સોમવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મોટા ભાગનાં રાજ્યોમાં બંધને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. લોકોએ સ્વેચ્છાએ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા તેમ જ મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દે બંધ પાળ્યો હતો. કેટલાંક રાજ્યોમાં હિંસાની નાની-મોટી ઘટનાઓ પણ બની હતી. મોટા ભાગનાં રાજ્યોમાં કોઈ મોટી જાનહાનિ નહોતી થઈ અને શાંતિપૂર્વક રીતે બંધ પાળવામાં આવ્યો હતો.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત બંધને 22 પક્ષોએ સમર્થન આપ્યું હતું. દક્ષિણ ભારતથી લઈને ઉત્તર અને પશ્ચિમથી લઈને પૂર્વ ભારત પર બંધની અસર જોવા મળી હતી. આ બંધ માત્ર રાજકીય પક્ષોનો નહોતો, આમ નાગરિકો કે જેઓ કોઈ રાજકીય સંગઠન સાથે જોડાયેલા નહોતા છતાં કેન્દ્રની મોદી સરકાર સામે રોષ ઠાલવવા અને પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વગેરે સમસ્યાઓને ધ્યાનમાં રાખીને બંધમાં જોડાયા હતા.
બિહારમાં બંધની સૌથી વ્યાપક અસર જોવા મળી હતી, મોટા ભાગની શાળા-કોલેજોને ત્યાં બંધ રાખવામાં આવી હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં હિંસા પણ થઈ હતી. પ્રદર્શનકારીઓએ ઠેર ઠેર વાહનોને બળદગાડા સાથે જોડીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. કેટલાંક રાજ્યોમાં મોદી, અમિત શાહનાં પૂતળાં બાળવામાં આવ્યા હતા તો કેટલાંક રાજ્યોમાં રોડ રસ્તા બ્લોક કરીને બંધને ટેકો આપવામાં આવ્યો હતો.
રાજસ્થાનમાં સરકારે પેટ્રોલ પરનો વેટ થોડો ઘટાડ્યો હતો, તેમ છતા અહીં બંધની વ્યાપક અસર જોવા મળી હતી. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષે ભારત બંધને ટેકો આપ્યો હોવાથી બંધની અસર જોવા મળી હતી. નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીમાં મોટા પ્રમાણમાં લોકોએ રેલી કાઢી વિરોધ કર્યો હતો. ઓડિશામાં 10 જેટલી ટ્રેનોને રદ કરાઈ હતી.
આમ આદમી પાર્ટી શાસિત દિલ્હીમાં ભારત બંધની ખાસ અસર જોવા નહોતી મળી. અરવિંદ કેજરીવાલે વિરોધને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસશાસિત પંજાબમાં ભારે વિરોધ પ્રદર્શન યોજાયાં હતાં, જ્યારે હરિયાણામાં કોઈ ખાસ અસર નહોતી જોવા મળી. કેરળમાં સત્તાધારી પક્ષે બંધને સમર્થન આપ્યું હતું. કર્ણાટકમાં પણ ભારે અસર જોવા મળી હતી. ગુજરાતમાં અમદાવાદ સહિતનાં શહેરોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બંધમાં જોડાયા હતા. રાજ્યવાર સ્થિતિ પર નજર કરીએ તો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, જ્યારે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં અસર જોવા મળી હતી. પોલીસે આશરે 300 જેટલા કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા હતા. તામિલનાડુમાં 75,000 માછીમારોએ અને ટેક્સટાઇલની બે હજાર ફેક્ટરીઓને બંધ રાખીને માલિકો, મજૂરો બંધમાં જોડાયા હતા. અનેક રાજ્યોમાં ઓટોરિક્ષા અને કેબ ડ્રાઇવરો બંધમાં જોડાયા હતા. મહારાષ્ટ્રમાં મનસેના કાર્યકર્તા રસ્તા પર ઊતર્યા હતા. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે બંધ કરાવ્યો હતો. ભાજપની ઓફિસ પર તોડફોડ કરાઈ હતી. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે બંધને સમર્થન નહોતુ આપ્યું, જ્યારે કોંગ્રેસશાસિત મિઝોરમમાં બંધની ઓછી અસર જોવા મળી હતી.