પેટ્રોલ, ડીઝલમાં ભાવ વધારો

 

નવી દિલ્હીઃ સતત ૧૮ દિવસ ભાવ સ્થિર રાખ્યા બાદ વિશ્વબજારમાં ક્રૂડ તેલના વધેલા ભાવને કારણે સરકારે મંગળવારે પેટ્રોલના ભાવમાં ૧૫ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૮ પૈસાનો વધારો જાહેર કર્યો હતો.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ મંગળવારે લિટરદીઠ રૂ. ૯૬.૮૩થી વધીને રૂ. ૯૬.૯૫ અને ડીઝલનો ભાવ રૂ. ૮૭.૮૧થી વધીને રૂ. ૮૭.૯૮ થયો હતો. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ મંગળવારે લિટરદીઠ રૂ. ૯૦.૪૦થી વધીને રૂ. ૯૦.૫૫ અને ડીઝલનો ભાવ રૂ. ૮૦.૭૩થી વધીને રૂ. ૮૦.૯૧ થયો હતો. દરેક રાજ્યના સ્થાનિક કર (વેટ)માં તફાવત હોવાને કારણે પેટ્રોલ અને ડીઝલનો ભાવ દેશના દરેક રાજ્યમાં જુદો હોય છે.

તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આંશિક ઘટાડો કરાયા બાદ ૧૫મી એપ્રિલથી ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા અને યોગાનુયોગે એ દરમિયાન પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઇ હતી. જેવી ચૂંટણીઓ પૂરી થઇ કે તેલ કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલના વધેલા ભાવ તરફ અંગૂલીનિર્દેશ કરવામાં આવ્યો હતો. 

ભારતમાં કોવિડ-૧૯ના વધી રહેલા કેસને કારણે માગમાં ઘટાડો થયો હોવા છતાં અમેરિકાની વધેલી માગને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ વધ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૭મી એપ્રિલથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ સતત વધી રહ્યો છે અને દુબઇના ક્રૂડ તેલનો ભાવ બેરલદીઠ ૨.૯૧ ડોલર વધ્યો છે. માગને ધ્યાનમાં લેતા આવનાર દિવસો દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ વધવાનો અંદાજ જાહેર કરાયો છે.

સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન લી. (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (એચપીસીએલ) દ્વારા આંતરરાષ્ટ્રીય બજારો પ્રમાણે ભાવમાં રોજ વધઘટ થતી રહે છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ ઘટયા બાદ ૨૪મી માર્ચે પેટ્રોલના ભાવમાં ચોથી વખત ૧૫ અને ડીઝલના ભાવમાં ૧૬ પૈસાનો ઘટાડો કરાયો હતો. ૨૪મી માર્ચથી ચાર વખત બળતણમાં ભાવમાં કરાયેલા ઘટાડામાં પેટ્રોલના ભાવમાં ૬૭ પૈસા અને ડીઝલના ભાવમાં ૭૪ પૈસાનો ઘટાડો લિટરદીઠ કરવામાં આવ્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here