પેટા ચૂંટણીમાં વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને કોવિડ-૧૯ના દર્દીઓ માટે મતદાન સુવિધા

 

ગાંધીનગરઃ રાજ્યમાં આગામી ૩ નવેમ્બરે વિધાનસભાની આઠ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. આ વખતે કોરોના મહામારીને કારણે લોકોને મતદાન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચે ખાસ વ્યવસ્થા કરી છે. ચૂંટણી પંચ અનુસાર ૮૦ વર્ષથી વધુ વય ધરાવતાં મતદારો અને મતદારયાદીનાં ડેટાબેઝમાં શારિરીક અસક્ષમ તરીકે નિર્દિષ્ઠ થયેલાં છે તેવાં દિવ્યાંગ મતદારો સામાન્ય અથવા પેટા-ચૂંટણીઓમાં, જો તેઓ વિનંતી કરે તો, ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરી શકશે. તેમજ તા.૧૯/૦૯/૨૦૨૦નાં ભારતના ચૂંટણી પંચના અન્ય જાહેરનામા અનુસાર સક્ષમ સત્તાધિકારી દ્વારા કોવિડ-૧૯ શંકાસ્પદ અથવા પ્રભાવિત હોવાનું પ્રમાણિત કરેલ છે તેવી વ્યક્તિઓ, જો તેઓ વિનંતી કરે તો, આગામી પેટા-ચૂંટણીમાં ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરી શકશે. 

આ સંદર્ભે ભારત ચૂંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર, નિયત નમૂના ફોર્મ-૧૨ ડીમાં જરૂરી વિગતો સાથે સંબંધિત ચૂંટણીનાં જાહેરનામાની તારીખનાં પાંચ દિવસની  અંદર, ચૂંટણી અધિકારીને અરજી (ફોર્મ-૧૨ ડી) પહોંચાડવાની રહેશે. કોવિડ-૧૯ શંકાસ્પદ, પ્રભાવિત મતદારોએ પોતે હોસ્પિટલાઇઝડ છે કે ઘરે, સંસ્થાકીય રીતે કવોરન્ટાઇન હેઠળ છે તેની વિગતો દર્શાવતું સક્ષમ આરોગ્ય સત્તાધિકારીનું પ્રમાણપત્ર, સૂચના પોતાની અરજી સાથે સામેલ કરવાની રહેશે. 

ચૂંટણી અધિકારી દ્વારા આવી અરજીઓ અને વિગતોની જરૂરી ચકાસણી કર્યા બાદ ટપાલ મતપત્ર ઇસ્યુ કરવામાં આવશે. જેઓને ટપાલ મતપત્ર ઇસ્યુ કરવામાં આવેલ હોય તેવા મતદારો મતદાન મથક ખાતે જઇને મતદાન કરી શકશે નહિ. આવા મતદારોની ઘરે મુલાકાત લઇને ટપાલ મતપત્ર મતદાન પ્રક્રિયા અંગે જાણકારી આપવા તથા ટપાલ મતપત્ર આપવા/એકત્ર કરવા માટે ચૂંટણી અધિકારીઓની ટીમોની રચના કરવામાં આવશે. આવી મુલાકાતની તારીખ અને અંદાજિત સમયની જાણ, અરજી નમૂના ફોર્મ-૧૨ ડીમાં મતદારનો મો. નંબર દર્શાવેલ હોય તો લ્પ્લ્થી અન્યથા ટપાલ/ બી.એલ.ઓ મારફત કરવામાં આવશે.