પેટલાદસ્થિત તારાલક્ષ્મી બાળ પુસ્તકાલયના હીરક જયંતી મહોત્સવની ઉજવણી

0
743
પેટલાદમાં તારાલક્ષ્મી બાળ પુસ્તકાલયના હીરક જયંતી મહોત્સવનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરતા અગ્રણી સામાજિક કાર્યકર વ્રજેશભાઈ પરીખ, અગ્રણી પત્રકાર રમેશ તન્ના, ‘ગુજરાત ટાઇમ્સ’ યુએસએના બ્યુરો ચીફ અરૂણભાઈ શાહ, પેટલાદ નગરપાલિકાનાં પ્રમુખ જૈમિનીબહેન સહિત સંસ્થાની બહેનો. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

પેટલાદઃ પેટલાદની સંસ્કારી અને વિદ્યાપ્રેમી મહિલાઓ અને બાળકો સંસ્કાર અભિમુખ બને તેવા શુભાશય સાથે કાર્યરત સ્વ. અ. સૌ. તારાલક્ષ્મી સાર્વજનિક પુસ્તકાલયના નેજા હેઠળ ચાલતા તારાલક્ષ્મી બાળ પુસ્તકાલયનો હીરક જયંતી મહોત્સવ પેટલાદના અગ્રણી સામાજિક કાર્યકર વ્રજેશભાઈ પરીખના અધ્યક્ષપદે, ‘ગુજરાત ટાઇમ્સ’ યુએસએ- અમદાવાદ ઓફિસના બ્યુરો ચીફ અને નડિયાદ ‘ગુજરાત ટાઇમ્સ’ના પ્રકાશક અરૂણકુમાર શાહના અતિથિપદે તથા મુખ્ય વક્તા જાણીતા પત્રકાર રમેશ તન્નાની ઉપસ્થિતિમાં ઊજવાયો હતો.

ભામિનીબહેન શાહે સંસ્થાનો અહેવાલ રજૂ કરતાં જણાવ્યું હતું કે, સ્વ. અ. સૌ. તારાલક્ષ્મી પુસ્તકાલયની 1921માં સ્થાપના થઈ હતી, જેને આજે 97 વર્ષ થયાં છે, ત્યારે તારાલક્ષ્મી બાળ પુસ્તકાલયના હીરક જયંતી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. આ સંસ્થાને સ્વ. મોતીભાઈ અમીન-શ્રેષ્ઠ એવોર્ડ તેમ જ રાજ્ય સરકારનો શ્રેષ્ઠ બાલ પુસ્તકાલય તથા શ્રેષ્ઠ ગ્રંથાલયનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ પુસ્તકાલયમાં સંસ્કારી, શિષ્ટચાર અર્પતાં પુસ્તકો, દેશ-વિદેશની અવનવી જાણકારી આપતાં પુસ્તકોનો ભંડાર છે. આ પુસ્તકાલયને રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક રૂ. 20,000ની ગ્રાન્ટ પ્રાપ્ત થાય છે તેમ જ દાતાઓના દાનનો બહોળા પ્રમાણમાં સહયોગ મળી રહે છે.

વ્રજેશભાઈ પરીખે સંસ્થામાં જે બહેનો યોગદાન આપી રહી છે તે તમામ બહેનોને યાદ કરી સંસ્થા સતત આગળ વધતી રહે તે માટે સૌ બહેનોને બિરદાવી હતી. અરૂણકુમાર શાહે જણાવ્યું હતું કે ઇન્ટરનેટ અને ટેક્નોલોજીના યુગમાં તારાલક્ષ્મી બાળ પુસ્તકાલય સદ્વાંચન થકી સમાજમાં સંસ્કારનું સિંચન કરી રહ્યું છે. આ સંસ્થા પ્રતિદિન પ્રગતિનાં સોપાનો સર કરી ભવ્ય શતાબ્દીની ઉજવણી કરે તેવી શુભકામના. આ પ્રસંગે તેમણે સંસ્થાના વિકાસ માટે રૂ. 5,000 અને તેમનાં ધર્મપત્ની નયનાબહેન અરૂણકુમાર શાહે ધાર્મિક પુસ્તકો લાવવા માટે રૂ. 1,000ના દાનની જાહેરાત કરી હતી.

નડિયાદ ‘ગુજરાત ટાઇમ્સ’ના બ્યુરો ચીફ અને વરિષ્ઠ પત્રકાર શૈલેષ પરીખે તારાલક્ષ્મી બાળ પુસ્તકાલયને શુભકામના પાઠવી હતી. યુએસએથી પ્રકાશિત થતા ‘ગુજરાત દર્પણ’ના તંત્રી સુભાષભાઈ શાહે નવાં પુસ્તકો ખરીદવા માટે રૂ. 5000ના દાનની જાહેરાત કરી હતી.

મુખ્ય વક્તાપદેથી રમેશ તન્નાએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં પ્રજાની સત્તા હોય એવા પ્રજાસત્તાક દિવસે આપણે આ તારાલક્ષ્મી બાળ પુસ્તકાલયનો હીરક મહોત્સવ ઊજવી રહ્યા છીએ. આ સંસ્થામાં વાંચન થકી બાળકો આગળ વધે, દેશ માટે કાર્ય કરે અને આપણી ગુજરાતી ભાષાને જીવંત રાખે તે માટે પ્રયાસ થાય છે. દરેક ગામમાં મંદિર હોય તે જ રીતે દરેક ગામમાં એક પુસ્તકાલય અવશ્ય હોવું જોઈએ, જેથી સમાજમાં વાંચનનો વ્યાપ વધે અને સંસ્કારનું સિંચન થાય. આપણે સમાજમાં એક નવી શરૂઆત કરવી જોઈએ. જ્યાં પણ જઈએ ત્યાં પુસ્તક ભેટ આપવાં જોઈએ. પુસ્તકોના વાંચવાથી સ્નેહભાવ પ્રગટે છે, સ્ત્રી-પુરુષમાં સંવેદના વધે છે. પુસ્તકો બચાવી આપણે આપણી ભાષા-સંસ્કૃતિ બચાવી રહ્યા છીએ.

આ પ્રસંગે પેટલાદ નગરપાલિકાનાં પ્રમુખ જૈમિનીબહેન, ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ વડોદરાનાં અધ્યક્ષ અને સંસ્થાનાં કારોબારી સભ્ય પ્રવીણાબહેન શાહ, સામાજિક કાર્યકર અરૂણાબહેન ચોકસી, લેખક હર્ષદભાઈ ચોકસી તથા સંસ્થાનાં પ્રમુખ શાંતાબહેન શાહ, ઉપપ્રમુખ રશ્મિબહેન રાઠોડ, મંત્રી ભામિનીબહેન શાહ, સહમંત્રી નલિનીબહેન શાહ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.