પેગાસસ જાસૂસીકાંડથી હડકંપ; સંસદના ચોમાસુ સત્રમાં ધમાલ

 

નવી દિલ્હીઃ દુનિયાના પ૦ જેટલા દેશોમાં સરકારોના પ૦ હજારથી વધુ લોકોની જાસૂસી કરવા માટે ઈઝરાયલની કંપની એનએસઓનાં શસ્ત્ર તરીકે માન્યતાપ્રાપ્ત પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ થયાના એક અહેવાલથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે. આ મામલે સોમવારથી શરૂ થયેલા સંસદનાં ચોમાસુ સત્રમાં પણ ભારે ધમાલ મચી ગઈ હતી. કોંગ્રેસે આની તપાસની માગણી ઉઠાવી હતી. તો આગબબૂલા વિપક્ષને જવાબ આપતાં આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આના સંબંધિત સમાચારો સામે જ શંકા દર્શાવી હતી અને કહ્યું હતું કે, સંસદના એક દિવસ પહેલાં જ આવો રિપોર્ટ બહાર આવવો એ માત્ર સંયોગ ન હોઈ શકે. રવિવારની રાતે આ સનસનીખેજ અહેવાલ પછી સોમવાર સવારથી જ કોંગ્રેસ મોદી સરકાર વિરુદ્ધ આક્રમકતાથી તૂટી પડયો હતો. 

રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વ્યંગ કરતાં ટ્વિટર ઉપર લખ્યું હતું કે, અમે જાણીએ છીએ કે એ તમારા ફોનમાં બધું જ વાંચી રહ્યા છે. તો કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીએ આને લોકતંત્રનું અપમાન ગણાવ્યું હતું. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સરકાર ઉપર નિશાન સાધતાં કહ્યું હતું કે, ટેપિંગજીવીજી, રાજકીય વિરોધીઓની સાથે હવે પત્રકાર, જજ, ઉદ્યોગપતિ, પોતાની જ સરકારના વરિષ્ઠ મંત્રી અને સંઘનાં નેતૃત્વને પણ બક્ષતા નથી. એટલે જ બરાબર કહેવાયું છે કે, અબ કી બાર, જાસૂસ સરકાર! કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પણ આને રાષ્ટ્રીય ચિંતા અને સુરક્ષાનો વિષય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, આની નિષ્પક્ષ તપાસ અનિવાર્ય છે. 

આ મામલે સંસદનું સત્ર શરૂ થવા સાથે જ ભારે હંગામો મચી ગયો હતો. વિપક્ષી સાંસદોએ સરકાર ઉપર તડાપીટ બોલાવી દીધી હતી. જેને વળતો જવાબ આપતાં સરકાર તરફથી આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉલટા આ સમાચારને જ શંકાના ઘેરામાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સંસદનાં સત્રની આગલી રાતે જ આવો રિપોર્ટ આવે તે માત્ર સંયોગ હોય તેવું માની લઈ શકાય નહીં.

દરમિયાન ઈઝરાયલી કંપની એનએસઓ તરફથી પણ આ મામલે સ્પષ્ટતા આપવામાં આવી હતી. તેના કહેવા અનુસાર ફોરબિડન સ્ટોરીઝ દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ અંગેના સમાચારો ભારત સહિતના દેશોમાં પ્રસારિત કરવામાં આવ્યા છે પણ તે ખોટી ધારણાઓ અને અપુષ્ટ સિદ્ધાંતોના આધારે તૈયાર થયેલા છે. તેની વિશ્વસનીયતા સામે ગંભીર શંકા ઉપજે છે. એનએસઓના પ્રવક્તાના કહેવા અનુસાર તેમની સંસ્થાનો જૂઠો રિપોર્ટ જારી કરનારા લોકો સામે માનહાનિનો મુકદમો કરવા અંગે પણ કંપની વિચારી રહી છે.