પૃથ્વી પર પ્રલય થાય તો?

[પૃથ્વી પર પ્રલય થશે એવી આગાહી થોડાં થોડાં વરસે થયાં કરે છે. 31મી મે, 2017ના રોજ પૃથ્વી પર પ્રલય થશે એવી આગાહી પણ થયેલી. વર્ષો પહેલાં એક વાર આવી આગાહી થઈ ત્યારે લખાયેલો આ લેખ હવે પછી આગાહી થાય ત્યારે પણ ફરી વાંચવાની ભલામણ છે.]
પ્રભો!
બોલ, વત્સ!
પ્રભુ! મારા આ લોન્ગ ડિસ્ટન્સ કોલને કારણે શેષનાગ ડિસ્ટર્બ નથી થયા ને? શું છે, પ્રભુ કે મને આપના કરતાં શેષનાગની વધુ બીક લાગે છે.
સર્પને કાન હોતા નથી, એ તું જાણતો નથી લાગતો.
જાણું છું; પણ આ તો શેષનાગ! આપે એને સાંભળવાનું વરદાન કદાચ આપ્યું પણ હોય!
એવું તેં શા પરથી માન્યું?
આપ શેષનાગનો ઉપયોગ બેડ તરીકે કરો છો એટલે સ્પેશિયલ કેસ તરીકે આપે એને કાન આપ્યા પણ હોય એમ હું માનતો હતો.
મારે માટે કોઈ સ્પેશિયલ નથી. જીવમાત્ર મારે માટે સરખા, સમજ્યો?
સોરી, સોરી, પ્રભુ!
બોલ! આજે તેં મને શા માટે યાદ કર્યો?
પ્રભુ! હું તમારો ભક્ત…
વત્સ! હવે મારા ભક્તોને મારા કરતાં બાબાઓ-બાપુઓ-સ્વામીઓમાં વધુ શ્રદ્ધા બેસે છે. એટલે તારા સીધા કોલથી મને થોડી નવાઈ લાગે છે.
પ્રભુ! આજે 23મી મે થઈ.
કેમ? આજે તારો જન્મદિવસ છે?
ના; પ્રભુ, પણ આજે મારા પુનર્જન્મને બરાબર બે અઠવાડિયાં થયાં.
અલ્યા, તું આધુનિક કવિ છે? એ લોકો મને સર્વજ્ઞને પણ ન સમજાય એવી કવિતાઓ લખે છે એ રીતે તું મને ન સમજાય એવું બોલે છે.
પ્રભુ! આધુનિક કવિતા આપને નથી સમજાતી એમાં જ આપનું ભલું છે. એમાંથી કેટલાક ખરેખર ને કેટલાક દેખાદેખીથી આપનું અસ્તિત્વ જ સ્વીકારતા નથી, પણ પ્રભુ, મેં તો એક અત્યંત ગંભીર બાબત અંગે આપને કોલ કર્યો છે.
બોલ, વત્સ!
પ્રભુ! આ મહિનાની આઠમી તારીખે આપે પૃથ્વીનો પ્રલય કરવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો…
મેં પ્રલય કરવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો?
તો પ્રભુ! આપ સર્વજ્ઞ હોવા છતાં પ્રલય અંગે કશું જાણતા નથી? અહીં અમારે ત્યાં સેક્રેટરીઓ જાણતા હોય છે એટલું મંત્રીઓ જાણતા હોતા નથી એ રીતે?
પણ, તને કહ્યું કોણે કે પૃથ્વીનો પ્રલય થવાનો છે?
પ્રભુ! અમારી પૃથ્વી પર કેનેડા નામનો દેશ છે. જોકે આપને કદાચ એની ખબર નહિ હોય!
હું સર્વજ્ઞ છું એવું તું કહે છે, પણ તને એવી શ્રદ્ધા હોય એવું લાગતું નથી.
સોરી, પ્રભુ! પણ શું છે કે આપે તો માત્ર પૃથ્વીનું જ સર્જન કરી, એનો ચાર્જ અમને મનુષ્યોને સોંપી દીધો હતો. પછી અમે અનેક દેશો બનાવ્યા, દેશોનાં પાછાં રાજ્યો, રાજ્યોના પાછા જિલ્લા, જિલ્લાના તાલુકાઓ, તાલુકાઓનાં ગામો આ બધું એટલું અટપટું છે કે આપ પણ ગૂંચવાઈ જાઓ એવી દહેશત રહ્યા કરે છે.
તે શું છે કેનેડાનું?
કેનેડામાં કંઈક ન્યુ બ્રાન્સવિક છે. પ્રભો! મારું ભૂગોળનું જ્ઞાન ઘણું વીક છે એટલે આ ન્યુ બ્રાન્સવિક શું છે એની મને ખબર નથી. કદાચ શહેરનું નામ હશે. ન્યુ બ્રાન્સવિકમાં ટેરી પેટર્સન કરીને કોઈક માણસ છે. એને દસ વરસ પહેલાં એવું સપનું આવેલું કે આઠમી મેના રોજ મનુષ્યનાં પાપોની સજારૂપે ઈશ્વર પૃથ્વીનો પ્રલય કરશે.
અલ્યા! તમારાં પાપોની સજારૂપે મારે પ્રલય કરવાનો હોય તો પૃથ્વીનો પ્રલય કર્યા કરવા સિવાય મારે બીજું કશું કામ જ ન રહે!
પ્રભુ! આપ તો કરુણાનિધિ છો. જોકે અમારા તામિલનાડુમાં પણ એક કરુણાનિધિ છે. એટલે કશી ગેરસમજ ન કરશો. પ્રભુ! હવે પાછો મૂળ વાત પર આવું.
તને મૂળ વાત પર આવતાં બહુ વાર લાગે છે!
હા, પ્રભુ! મારો આવો થોડો પ્રોબ્લેમ છે. પણ પ્રભુ, હું આપનો ભક્ત છું એટલે ચલાવી લેશો. હા, તો પ્રભુ આર્મ્સ્ટડેમ નામના કોઈ વિશ્વવિખ્યાત જ્યોતિષી છે. આ નામ લખવામાં ને બોલવામાં મને ઘણું અઘરું પડે છે. આ જ્યોતિષી વિશ્વવિખ્યાત છે એમ કહે છે, પણ વિશ્વના આ નાચીજ નાગરિકે એનું નામ પહેલી વાર સાંભળેલું.
તે એનું શું છે?
આ વિશ્વવિખ્યાત જ્યોતિષીએ પણ કહ્યું હતું કે 8મી મેના રોજ આકાશમાં એકસાથે અનેક ગ્રહો ભેગા થવાના છે એટલે પૃથ્વીનો પ્રલય થઈ જશે. અમારા ભારતીય જ્યોતિષીઓએ આ વાતને ટેકો આપ્યો હતો. અમારે ત્યાં એકબીજાને પાપદષ્ટિથી જોતા રાજકીય પક્ષો ક્યારેક ભેગા થાય છે ને પાછા છૂટા પડે છે ત્યારે લગભગ પ્રલય જેવું જ થાય છે! એટલે આટલા બધા ગ્રહો ભેગા થઈ પૃથ્વીનો પ્રલય કરી નાખશે એવી અમને બીક લાગી એટલે અમે ગભરાઈ ગયા.
પછી શું થયું?
પ્રભુ! અમારે ત્યાં મુંબઈ નામનું એક શહેર છે. કૃષ્ણાવતારમાં આપ દ્વારકામાં વસતા હતા ત્યારે મુંબઈ કદાચ નહિ હોય. અત્યારે આ મુંબઈમાં કૃષ્ણનું ભવ્ય મંદિર છે. દ્વારકાના આપના મહેલમાં સુદામો ઊતરી શકેલો, પણ મુંબઈના આ મંદિરના ગેસ્ટહાઉસમાં ઊતરવાનો ચાર્જ એટલો બધો છે કે કોઈ સુદામો એમાં ઊતરવાનો વિચાર સરખો કરી શકે નહિ.
તે પ્રલયની વાત આવી એટલે ગેસ્ટ હાઉસના ભાવ ઘટાડી નાખ્યા?
ના, પ્રભુ! આવા સંકટના સમયમાં તો અમારે ત્યાં પાણીના ભાવ પણ વધી જાય! એટલે કશાના ભાવ ઘટવાનો પ્રશ્ન જ નથી. પણ આ તો એક વાત કરતો હોઉં છું ત્યારે મને બીજી દસ વાતો યાદ આવે છે એટલે મૂળ વાત ભૂલી જાઉં છું. હું મૂળ શી વાત કરતો હતો, પ્રભુ?
તું મુંબઈની વાત કરતો હતો.
હા, પ્રભુ, તો શું થયું કે મુંબઈમાં આ પ્રલયની અફવા ફેલાઈ. પ્રભુ! આપ ભાગ્યશાળી છો એટલે મુંબઈની ઇલેક્ટ્રિક ટ્રેનમાં બેસવાનો વારો નહિ આવ્યો હોય. બાકી એ ટ્રેનોમાં પ્રભુ એટલી બધી ગિરદી થાય કે વાત ન પૂછો. હું અત્યાર સુધીમાં બે વાર મુંબઈ ગયો છું, પણ એક વાર ગયો ત્યારે આવી કોઈ ટ્રેનમાં ચડી શકેલો નહિ ને બીજી વાર ગયો ત્યારે એક ટ્રેનમાં ગિરદી સાવ ઓછી હતી એટલે ચડી તો ગયો, પણ એ તો પાછી ફરતી ટ્રેન હતી એટલે મારે જ્યાં જવાનું હતું એની ઊલટી દિશામાં જતી હતી, પણ 8મીએ પ્રભુ, આ ટ્રેનો સાવ ખાલીખમ દોડી. મને પહેલેથી ખબર હોત તો આઠમી તારીખે મુંબઈ આંટો મારી આવ્યો હોત!
પણ, ટ્રેનો ખાલી કેમ દોડી?
એવું કહે છે કે મુંબઈગરી પત્નીઓએ મુંબઈગરા પતિઓને કહી દીધું કે અમે તમારા વગર જીવી શકીએ, પણ તમારા વગર મરી ન શકીએ. એકલાં મરતાં અમને બીક લાગશે, એટલે તમે કંપની આપો. અને ધારો કે બચી ગયાં તો ઘરમાં પૂરનાં પાણી તો ઘૂસી જ જવાનાં ને? પતિ ઘરે ન હોય તો પાણી ઉલેચે કોણ? ગાદલાં-ગોદડાં, ઘઉંનાં પીપડાં આમથી તેમ ફેરવે કોણ?
પછી શું થયું?
પછી કંઈ ન થયું! કેટલાક લોકો ટીવી સામે આખો દિવસ બેસી રહ્યા. એક અફવા એવી પણ હતી કે ટીવીની બધી ચેનલો પ્રલયનાં દશ્યો લાઇવ ટેલિકાસ્ટ કરવાની છે. આ દશ્યો જગતનાં છેલ્લાં દશ્યો હોવાનાં એટલે એ માટે જાહેરાતના પૈસા કોઈ નહિ બગાડે. જાહેરાતો વગર ટીવી જોવા મળશે એવી આશામાં લોકો ટીવી સામે બેસી રહ્યાં.
તમારાં બધાં શહેરોમાં આવું થયું?
ના. પ્રભુ! અમારા સુરતીલાલાઓએ તે દિવસ બહુ એન્જોય કર્યો. આઠમીએ રાત્રે ઉત્સવનું વાતાવરણ હતું સુરતમાં.
તમે અમદાવાદીઓ ગભરાયેલા કે?
થોડા ગભરાયેલાં, પણ ધારો કે પ્રલય ન થયો તો એક દિવસની આવક જાય ને? એટલે તે દિવસે દુકાનો બધી ખુલ્લી રહી હતી. કેટલાક અમદાવાદીઓએ જેમને પૈસા ચૂકવવાના હતા એમના નામના ચેક લખી રાખેલા. પ્રલય થાય તો કોઈનું ઋણ માથે ન રહે, અને ધારો કે પ્રલય ન થયો તો ચેક કેન્સલ કરવામાં કેટલી વાર! જોકે ઓફિસો તે દિવસે બીજા શનિવારને કારણે બંધ હતી એટલે અમને નોકરીવાળાઓને બહુ મજા ન આવી.
કેમ? તમારે તો કામ ન કરવું પડે એ દિવસ આનંદનો નથી હોતો?
એ રીતે વિચારો તો અમારે બધા દિવસો આનંદના જ હોય છે! પણ શું છે કે કામ ન કરવા માટે અમારે જાતજાતની યુક્તિઓ કરવી પડે છે. જો પ્રલયના દિવસે ઓફિસો ચાલુ હોત તો અમે ખુલ્લેઆમ ગપ્પાં મારી શકત. બોસ પણ તે દિવસે કશી કચકચ ન કરત. હશે, જીવનનો લાસ્ટ ડે છે; ભલે બધાં એન્જોય કરી લે એવી સદ્બુદ્ધિ ભલે એક દિવસ પૂરતી પણ બધા બોસો દાખવત.
તું આ વાતવાતમાં અંગ્રેજી શબ્દો કેમ બહુ બોલે છે?
સોરી પ્રભુ, આપને અંડરસ્ટેન્ડ કરવું થોડું ડિફિકલ્ટ થયું હશે, પણ શું છે પ્રભુ, કે અમારા ગુજરાતમાં બધાંનું અંગ્રેજી બહુ કાચું; એટલે, અધકચરું અંગ્રેજી જાણનાર દરેક ગુજરાતીના દરેક વાક્યમાં એકાદ ઇંગ્લિશ શબ્દ તો આવવાનો જ. અમારા એક મિત્ર તો ગુજરાતીમાં એક વાક્ય બોલે, અને પછી તરત જ ખોટા અંગ્રેજીમાં એનો અનુવાદ પણ કરે!
હા, પણ કોલ શા માટે કર્યો છે તે તો હજી તેં કહ્યું જ નહિ!
હા, પ્રભુ, પ્રલયની વાતને પંદર દિવસ તો થઈ ગયા છે, પણ હજુ થોડી થોડી બીક લાગે છે. પ્રભુ, હવે પ્રલયનો પ્રોગ્રામ નહિ કરો ને? અમે હવે સેફ ને?
વત્સ! પૃથ્વી પર પ્રલય થશે તોય તમારે કારણે થશે, મારે કારણે નહિ થાય.
પ્રભુ, કંઈ મેસેજ-સંદેશ?
તારે ત્યાં હવે જે ચૂંટણીઓ આવવાની છે એમાં તું અને તારા જેવા નાગરિકો ઊંઘતા રહ્યા તો લોકશાહીનો પ્રલય બહુ દૂર નહિ હોય એટલું યાદ રાખજે.
પ્રભુ! પ્રભુ!…
તમે આ ઊંઘમાં ક્યારના બોલો છો! કહું છું, આજે ડોક્ટરને બતાવી આવો. અર્ધજાગૃત અવસ્થામાં મેં પત્નીને બોલતી સાંભળી.
અરે! હું તો સાક્ષાત્ પરમાત્મા સાથે વાતો કરતો હતો! મેં કહ્યું.
તો તો માનસિક રોગોના ડોક્ટરને જ બતાવીએ. પત્નીએ કહ્યું…

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર.